Fri Sep 04 2026

Logo

સાવધાન! તમે જે પનીર ખાઓ છો તે નકલી તો નથી ને? મહારાષ્ટ્ર સરકારે 'એનાલોગ પનીર' પર મૂક્યો સંપૂર્ણ બેન!

2026-08-07 14:47:00
Author: Darshana Visaria
સાવધાન! તમે જે પનીર ખાઓ છો તે નકલી તો નથી ને? મહારાષ્ટ્ર સરકારે 'એનાલોગ પનીર' પર મૂક્યો સંપૂર્ણ બેન!

ખાદ્યપદાર્થોમાં વધતી જતી ભેળસેળને કારણે લોકોનો બહારના ખોરાક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી પનીરમાં મોટા પાયે થતી ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા બાદ, રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીર ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. છત્તીસગઢ બાદ આ પ્રકારનો કડક નિર્ણય લેનારું મહારાષ્ટ્ર દેશનું બીજું રાજ્ય બન્યું છે.

શું હોય છે એનાલોગ પનીર?

એનાલોગ પનીર એ અસલી પનીરનો એક કૃત્રિમ વિકલ્પ છે. તેને તાજા દૂધમાંથી બનાવવાને બદલે પામ ઓઈલ, સ્કિમ્ડ મિલ્ક પાઉડર, મિલ્ક સોલિડ્સ, સ્ટાર્ચ અને કેટલાક સસ્તા કેમિકલ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.

ઓળખવું મુશ્કેલ: આ પનીર દેખાવમાં, સ્પર્શમાં અને સ્વાદમાં આબેહૂબ અસલી દૂધના પનીર જેવું જ લાગે છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો, હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખાતી વખતે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખી શકતા નથી.

પોષણનો અભાવ: આ પનીરમાં દૂધનું અસલી ફેટ કે પ્રોટીન નહિવત હોય છે. તે અસલી પનીર કરતા ખૂબ સસ્તું પડતું હોવાથી હોટેલો, ઢાબા અને કેટરર્સ વધુ નફો કમાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા.

કેમ મૂકાયો પ્રતિબંધ અને શરીરને શું થાય છે નુકસાન?

એનાલોગ પનીરમાં કેમિકલ અને વનસ્પતિ તેલની ભેળસેળ હોવાથી તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. તાજેતરમાં લેબોરેટરી રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી લેવાયેલા પનીરના 35 ટકાથી વધુ સેમ્પલ ફેલ થયા હતા, જેમાં વનસ્પતિ ફેટની ભેળસેળ મળી આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા કમિશનર તુકારામ મુંઢેએ આદેશ જારી કરીને રાજ્યમાં નોન-ડેરી પનીર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. હવે તેનું ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ અને વેચાણ સંપૂર્ણપણે ગેરકાનૂની ગણાશે.

નિયમ તોડનારને શું થશે સજા?

સરકારી આદેશ અનુસાર, જો કોઈ વ્યક્તિ કે વેપારી કૃત્રિમ પનીર બનાવતા કે વેચતા પકડાશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દોષિત સાબિત થવા પર ઓછામાં ઓછી ૬ મહિનાની જેલથી લઈને આજીવન કેદ (Lifelong Imprisonment) સુધીની સજા થઈ શકે છે અને સાથે ભારે દંડ પણ ફટકારવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જનતાને શુદ્ધ પનીર મળી રહે અને તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ ખિલવાડ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.