Sat Sep 05 2026

Logo

ઑનલાઈન કટ્ટરવાદી મોડ્યુલ પકડાયું: ટૉય કારથી દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરું?

2026-04-05 20:52:45
Author: યોગેશ સી પટેલ
ઑનલાઈન કટ્ટરવાદી મોડ્યુલ પકડાયું: ટૉય કારથી દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરું?

થાણે: મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી મુંબઈ-થાણેમાંથી બે શકમંદની ધરપકડ કરી હતી. યુવાનોને ઑનલાઈન કટ્ટરવાદી બનાવતા મોડ્યુલનો પર્દાફાશ કર્યાનો દાવો પોલીસે કર્યો હતો. આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓનું ટૉય કારની મદદથી દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું હતું, એવા અહેવાલ વહેતા થયા હતા.

મળેલી માહિતીને આધારે દિલ્હી પોલીસ મુંબઈ આવી હતી. એટીએસની મદદથી થાણેના ખડવલી અને મધ્ય મુંબઈના કુર્લા પરિસરમાં રેઇડ કરી બે શકમંદને તાબામાં લીધા હતા. તાબામાં લેવાયેલા શકમંદોમાં કામરાન ઉર્ફે સોનુ અને બડા ઈમરાનનો સમાવેશ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.એક અધિકારીના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તાબામાં લેવાયેલા બન્નેને દિલ્હી લઈ જવાયા હતા. બન્ને શકમંદ ઓડિસાથી ઑપરેટ કરાતા મોડ્યુલનો ભાગ હતો.

દિલ્હી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો હતો. હેન્ડલર્સ પણ તપાસ એજન્સીના રડાર પર હોવાથી એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.યુવાનોને ઑનલાઈન કટ્ટરવાદી બનાવનારું મોડ્યુલ સક્રિય હોવાની માહિતીને આધારે બન્નેને તાબામાં લેવાયા હતા. એક અહેવાલ મુજબ આ મોડ્યુલમાં સંડોવાયેલાઓએ દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. ટૉય કારની મદદથી બ્લાસ્ટની યોજના હતી. જોકે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નહોતું.