અમદાવાદઃ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વિશ્લેષણ મુજબ, ગુજરાત દેશમાં ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં ફાળો આપનારું પાંચમું સૌથી મોટું રાજ્ય બનીને ઉભર્યું હતું. વર્ષ 2024-25માં રાજ્યની કંપનીઓએ કુલ ₹200.5 કરોડનું દાન આપ્યું હતું. ઇલેક્ટોરલ ટ્રસ્ટ કોર્પોરેટ અને વ્યક્તિગત દાન માટેના એક માધ્યમ તરીકે કામ કરે છે, જે બાદમાં ચૂંટણી સંબંધિત ખર્ચ માટે રાજકીય પક્ષોને વહેંચવામાં આવે છે. રિપોર્ટમાં મહારાષ્ટ્ર મોખરના રાજ્ય તરીકે સામે આવ્યું હતું, જ્યારે ભાજપ પર ધનવર્ષા થઈ હતી.
ગુજરાતની કઈ કંપનીએ કેટલું દાન આપ્યું
ગુજરાતની અગ્રણી કંપનીઓએ આ યોગદાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યાદીમાં ટોરેન્ટ પાવર ₹65 કરોડ સાથે મોખરે છે, ત્યારબાદ આર્સેલર મિત્તલ ₹50 કરોડ અને ટોરેન્ટ ફાર્મા ₹29.5 કરોડ સાથે આવે છે. અન્ય દાતાઓમાં કલ્પતરુ ₹20 કરોડ, જેકે પેપર ₹13 કરોડ, અરવિંદ ₹10 કરોડ અને અનુપ ₹2 કરોડનો સમાવેશ થાય છે.
ભાજપ પર ધનવર્ષા
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ઇલેક્ટોરલ ટ્રસ્ટોને ₹3,826.34 કરોડનું યોગદાન મળ્યું હતું. જેમાં ભાજપને 82 ટકાથી વધુ ભંડોળ પ્રાપ્ત થયું હતું. ચૂંટણી પંચ ને સુપરત કરાયેલા દસ્તાવેજોના વિશ્લેષણના આધારે જણાવ્યું કે, નોંધાયેલા 20 ઇલેક્ટોરલ ટ્રસ્ટોમાંથી 10 ટ્રસ્ટોએ નાણાકીય વર્ષ 2025 દરમિયાન દાન મળ્યું હોવાનું જાહેર કર્યું હતું, જ્યારે પાંચ ટ્રસ્ટોના રિપોર્ટ ડેડલાઇન પૂરી થયાના ત્રણ મહિના પછી પણ પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ નહોતા.
- ભારતીય જનતા પાર્ટી (BJP): ₹3,157.65 કરોડ (કુલ ફાળવણીના 82.52 ટકા)
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): ₹298.78 કરોડ (7.81 ટકા)
- તૃણમૂલ કોંગ્રેસ (TMC): ₹102 કરોડ (2.67 ટકા)
- અન્ય 19 પક્ષો: કુલ ₹267.92 કરોડ
પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટએ સૌથી વધુ ₹2,668.46 કરોડ 15 પક્ષોને વહેંચ્યા હતા, ત્યારબાદ 'પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ' એ 10 પક્ષોને ₹914.97 કરોડનું દાન આપ્યું હતું. વર્ષ દરમિયાન 228 કોર્પોરેટ ગૃહોએ ₹3,636.82 કરોડ અને 99 વ્યક્તિઓએ ₹187.62 કરોડનું દાન આપ્યું હતું. ટોચના 10 દાતાઓનો હિસ્સો કુલ યોગદાનમાં લગભગ 49.89 ટકા (₹1,908.86 કરોડ) રહ્યો હતો.
સૌથી મોટા દાતાઓ
- એલિવેટેડ એવન્યુ રિયલ્ટી LLP: ₹500 કરોડ
- ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: ₹308.13 કરોડ
- ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS): ₹217.62 કરોડ
- મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ: ₹175 કરોડ
રાજ્યવાર યોગદાન
મહારાષ્ટ્ર ₹1,225.43 કરોડ સાથે યોગદાનનું સૌથી મોટું સ્ત્રોત બન્યું છે, ત્યારબાદ તેલંગાણા (₹358.25 કરોડ), હરિયાણા (₹212.9 કરોડ), પશ્ચિમ બંગાળ (₹203.85 કરોડ) અને ગુજરાત (₹200.50 કરોડ) આવે છે.
ADR એ નોંધ્યું કે ₹1,065.2 કરોડના યોગદાન માટે દાતાઓના સરનામાં જાહેર કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત, હાર્મની ઇલેક્ટોરલ ટ્રસ્ટે તેને મળેલા દાન કરતા ₹10 લાખ વધુ રકમ વહેંચી હતી. સ્વાદેશી, AB જનરલ, PD જનરલ જેવા પાંચ ટ્રસ્ટોના રિપોર્ટ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ નહોતા.