નવી દિલ્હી: મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચીને રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બનેલી મોનાલિસા ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે તેની સુંદરતા નહીં પણ તેના લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મોનાલિસાએ તેના બોયફ્રેન્ડ અને એક્ટર ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર તેની વેડિંગ ફોટોઝ વાયરલ થતાની સાથે જ એક તરફ તેના ચાહકો આશ્ચર્યમાં છે, તો બીજી તરફ આ આંતરધર્મી લગ્નને લઈને ભારે વિવાદ પણ સર્જાયો છે. પોતાના પ્રેમ માટે મોનાલિસાએ પરિવાર સામે બગાવત કરી કેરળમાં જઈને લગ્ન કર્યા હોવાની વાત પણ સામે આવી છે.
મોનાલિસા અને ફરમાન ખાને કેરળમાં સિવિલ મેરેજ કર્યા બાદ તિરુવનંતપુરમના અરુમનૂર નૈનાર મંદિરમાં હિન્દુ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. ફરમાન ખાને પોલીસ પ્રોટેક્શન વચ્ચે મોનાલિસાના સેંથામાં સિંદૂર ભર્યું હતું. આ લગ્ન બાદ મોનાલિસા સગીર (18 વર્ષથી ઓછી ઉંમરની) હોવાની અફવાઓ ઉડી હતી, જેનો ફરમાને જડબાતોડ જવાબ આપ્યો છે. મીડિયા સામે મેરેજ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવીને ફરમાને સ્પષ્ટ કર્યું કે મોનાલિસા પુખ્ત વયની છે અને બંનેની સંમતિથી જ આ લગ્ન થયા છે. મોનાલિસાએ પણ કેરળના લોકોનો આભાર માનતા જણાવ્યું કે તે આ સંબંધથી ખૂબ ખુશ છે.
ડિરેક્ટર સનોજ મિશ્રાના ગંભીર આરોપ
ડિરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાના લગ્નને પોતાની જિંદગીનો સૌથી ખરાબ દિવસ ગણાવતા તેને 'લવ જેહાદ' ગણાવ્યો છે. મિશ્રાએ ભાવુક પોસ્ટમાં લખ્યું કે, જે ગરીબ અને જંગલમાં રહેતી છોકરીને તેમણે શોધી, તાલીમ આપી અને અભિનેત્રી બનાવવાની જાહેરાત કરી, તે આજે ષડયંત્રનો શિકાર બની છે. તેમણે મોનાલિસાને 'માં ગંગા'ના અવતાર સમાન પવિત્ર ગણાવી હતી, પરંતુ તેમના મતે વિરોધી શક્તિઓએ મહાકુંભના આયોજનને નિષ્ફળ બનાવવા અને તેમને બદનામ કરવાના હેતુથી મોનાલિસાને મહોરું બનાવ્યું છે.
સનોજ મિશ્રાએ મોનાલિસાના સંઘર્ષમય ભૂતકાળનો પણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે મોનાલિસાના પિતાએ તેની અસલી માતાને કાઢી મૂકી બીજી લગ્ન કર્યા હતા. મોનાલિસા જ્યારે સેલિબ્રિટી બની ત્યારે પોતાની અસલી માતાને ભિખારીની જેમ માળા વેચતી જોઈને ખૂબ રડતી હતી. તે હંમેશા પોતાના પરિવાર સામે બગાવત કરવા માંગતી હતી. સનોજ મિશ્રાના મતે, મોનાલિસાની આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઇસ્લામિક શક્તિઓએ તેને જાળમાં ફસાવી છે. તેમણે અંતમાં ભારે હૈયે જણાવ્યું કે, જે છોકરી માટે તેમણે જેલ જઈને પણ ફિલ્મની વાર્તા લખી, તે આજે લવ જેહાદનો ભોગ બની ગઈ છે.
ફરમાન ખાને પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા જણાવ્યું કે બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની મિત્રતા થઈ હતી. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ બંનેને એકબીજા સાથે ઊંડો લગાવ થઈ ગયો. ફરમાનના જણાવ્યા મુજબ, મોનાલિસાએ તેને પ્રપોઝ કર્યું હતું અને શરૂઆતમાં ના પાડ્યા બાદ ફરમાન પણ માની ગયો હતો. મોનાલિસાની કૌટુંબિક સ્થિતિ પણ જટિલ હતી; તેના પિતા આ સંબંધની વિરુદ્ધ હોવાથી અને બંજારા સમુદાયના શિસ્તને કારણે તેણે કેરળ ભાગી જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં આ જોડો કેરળમાં જ સ્થાયી થવાની યોજના બનાવી રહ્યો છે.