વિઠ્ઠલ વઘાસિયા
માનવજીવન માત્ર દેહથી નહીં, પરંતુ લાગણી અને વિચારોથી ઘડાયેલું એક સંવેદનશીલ બંધારણ છે. માણસને અન્ય સજીવથી અલગ પાડતું તત્ત્વ તેની લાગણીશીલતા છે. આ લાગણીમાંથી જ માગણીઓ જન્મે છે. આમ લાગણી અને માગણી - આ બે શબ્દો એકબીજાથી અતૂટ રીતે જોડાયેલા છે. લાગણી વિનાની માગણી સ્વાર્થ બની જાય છે અને નિયંત્રણ વિનાની માગણી સંબંધને નુકસાન કરે છે. આથી જીવનમાં સંતુલન રાખવા માટે લાગણી અને માગણીનું સંતુલન પણ એટલું જ આવશ્યક છે.
લાગણી અને માગણીને જીવન સાથે જન્મજાત નિસ્બત છે. માગણી મન સાથે જોડાયેલી છે, જ્યારે લાગણી હૃદય સાથે... લાગણીએ ભાષા છે અને માગણી એ ગણિત છે.
લાગણીએ પેદા કરવાની કે પ્રદર્શનની વસ્તુ નથી. પ્રેમ અને લાગણીમાં માગણી ન હોય. પ્રેમ અને લાગણી એ લિટર, મીટર કે કિલોમીટરમાં માપવાની વસ્તુ નથી, પણ પરસ્પર પામવાની ભવ્ય અનુભૂતિ છે. અરે, ક્યારેક ક્યારેક લાગણી ખુવાર થાય તોય મરણ સુધી એ સ્મરણમાં રહે છે. ક્યારેક લાગણી ઘવાય તો પણ એ ઘાના પડઘા છેલ્લા શ્વાસ સુધી કાનમાં પડઘાતા રહે છે.
લાગણી શું છે?
લાગણી એટલે હૃદયની આંતરિક અનુભૂતિ. પ્રેમ, કરુણા, સહાનુભૂતિ, આનંદ, દુ:ખ, આશા, ભય, વિશ્વાસ - આ બધાં લાગણીઓના વિવિધ સ્વરૂપો છે. લાગણી માનવીને માનવી બનાવે છે. લાગણીના કારણે જ માણસ અન્યના દુ:ખમાં સહભાગી બની શકે છે, આનંદ વહેંચી શકે છે અને સંબંધોને જીવંત રાખી શકે છે. લાગણી એ માનવ સંબંધોની પાયાની ઈંટ છે. માતા-પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ, મિત્રતા, દાંપત્ય જીવનમાં સહકાર, સમાજમાં સહાનુભૂતિ - આ બધું લાગણીના આધાર પર જ ટકેલું છે.
માગણી શું છે?
માગણી એટલે અપેક્ષા, જરૂરિયાત કે ઈચ્છા. જીવનમાં દરેક માણસને કંઈક જોઈએ છે - પ્રેમ જોઈએ, સન્માન જોઈએ, સુખ જોઈએ, સુરક્ષા જોઈએ.. આ બધું માગણીનું સ્વરૂપ છે. માગણી સ્વાભાવિક છે, કારણ કે માનવ જરૂરિયાતો અનંત છે. પરંતુ માગણી જ્યારે અયોગ્ય, અતિશય અથવા સ્વાર્થપૂર્ણ બને છે ત્યારે તે સંબંધોમાં તણાવ અને વિઘટન સર્જે છે. માગણી જીવનને આગળ ધપાવતી શક્તિ પણ છે. સારાં શિક્ષણની માગણી, સારા સમાજની માગણી, ન્યાય અને સમાનતાની માગણી - આ બધાં વિકાસ માટે આવશ્યક છે. પરંતુ માગણી જો માત્ર ‘મારે જ જોઈએ’ એ ભાવનાથી થાય, તો તે વિનાશનું કારણ બની શકે છે.
લાગણી અને માગણી વચ્ચેનો સંબંધ
લાગણી અને માગણી વચ્ચે અત્યંત સૂક્ષ્મ સંબંધ છે. ઘણી વખત માગણી લાગણીમાંથી જન્મે છે. જેમ કે પ્રેમની લાગણીમાંથી નજીકતાની માગણી થાય છે, સુરક્ષાની લાગણીમાંથી વિશ્વાસની માગણી થાય છે, પરંતુ જ્યારે માગણી લાગણીને દબાવી દે છે ત્યારે સમસ્યા સર્જાય છે.
ઉદાહરણ તરીકે, માતા-પિતા સંતાન પ્રત્યે ખૂબ લાગણી રાખે છે, પરંતુ તેમની માગણી અતિશય બની જાય- જેમ કે સતત ટોપર જ રહેવું જોઈએ, મારી ઈચ્છા મુજબ જ જીવન જીવવું જોઈએ- તો એ લાગણી ભારરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં લાગણીનો અર્થ ખોટો ઠરે છે.
માનવ સંબંધોમાં લાગણી અને માગણીનું સંતુલન સૌથી મહત્ત્વનું છે. દાંપત્ય જીવનમાં જો માત્ર લાગણીની સાથે જરૂરી માગણી પણ જરૂરી છે, અન્યથા જીવન વ્યવહારિક રીતે અસ્તવ્યસ્ત થઈ શકે છે. અને જો માત્ર માગણી હોય અને લાગણી ન હોય, તો સંબંધ યાંત્રિક બની જાય છે.
મિત્રતામાં પણ આ જ વાત લાગુ પડે છે. સાચો મિત્ર લાગણીથી જોડાયેલો હોય છે, પરંતુ તેની માગણી મર્યાદિત હોય છે. જ્યાં માગણી અધિકાર બની જાય છે ત્યાં મિત્રતા ટકી શકતી નથી.
આજના સમયમાં સમાજમાં માગણીઓ વધી રહી છે, પરંતુ લાગણીઓ ઘટતી જાય છે. દરેક વ્યક્તિ પોતાનો અધિકાર માંગે છે, પરંતુ ફરજ બજાવવાની લાગણી ઓછી જોવા મળે છે. પરિણામે સમાજમાં અસંતુલન, અસહિષ્ણુતા અને સંઘર્ષ વધે છે.
સમાજમાં જો લાગણી પૂર્વકની માગણી થાય, તો તે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જેમ કે- ગરીબો માટે રોજગારની માગણી, મહિલાઓ માટે સુરક્ષાની માગણી, પર્યાવરણ સંરક્ષણની માગણી- આ બધી લાગણી આધારિત માગણીઓ છે, જે સમાજને આગળ વધારશે.
આજના યુવાનોમાં ‘મને અત્યારે જ જોઈએ,’ એવી માનસિકતા વિકસતી જાય છે. પરંતુ સાથે સાથે લાગણીશીલતા, ધીરજ અને સહનશક્તિ ઘટતી જાય છે.
આ પરિસ્થિતિમાં શિક્ષણનું કામ છે કે યુવાનોને લાગણી અને માગણી વચ્ચેનું સંતુલન શીખવાડે. માત્ર હક્કની માગણી નહીં, પરંતુ ફરજની લાગણી પણ વિકસાવવી જરૂરી છે. જે માણસ પોતાની લાગણીને સમજે છે અને પોતાની માગણીને નિયંત્રિત રાખે છે, તે વ્યક્તિ જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવે છે.
અંતે એટલું જ કહી શકાય કે, ‘લાગણીથી ભરપૂર માગણી જીવનને અર્થ આપે છે અને મર્યાદિત માગણી લાગણીને પવિત્ર રાખે છે.’