ચેન્નાઈ: તમિલનાડુમાં વિજયની સરકાર તો બની ગઈ છે, પરંતુ વિવાદ હજી પણ ચાલી રહ્યો છે. છાશવારે એક નવી જાણકારી પ્રકાશમાં આવી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તારૂઢ પક્ષ TVK દ્વારા ચૂંટણી પ્રચાર અને વોટ માંગવા માટે બાળકોના કથિત ઉપયોગ કરવાના મામલે ભારતીય ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં TVK ના પ્રમુખ સી. જોસેફ વિજય છે, જેઓ રાજ્યના મુખ્ય પ્રધાન પણ છે. એટલે આ મામલે રાજકારણ વધારે ગરમાઈ શકે છે.
કોર્ટે ચૂંટણી પંચને એક મહત્વનો કાયદાકીય પ્રશ્ન પૂછ્યો
વિગતે વાત કરવામાં આવે તો, 'બાર એન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણનની બેન્ચે આ મામલે સુનાવણી કરતી વખતે ચૂંટણી પંચને એક મહત્વનો કાયદાકીય પ્રશ્ન પૂછ્યો હતો. કોર્ટે સવાલ કર્યો કે, શું કોઈ ભ્રષ્ટ આચરણ માટે આખી રાજકીય પાર્ટીને અયોગ્ય ઠેરવી શકાય ખરી? કોઈ ચોક્કસ ઉમેદવારને અયોગ્ય જાહેર કરી શકાય છે, પરંતુ શું આખી પાર્ટી સામે આવી કાર્યવાહી શક્ય છે? પ્રશ્ન એ છે જો આવું થશે તો તમિલનાડુમાં આ મોટી ઉથલપાથલ કહેવાશે. આ સાથે કોર્ટે ઉમેર્યું કે આ બાબત ગંભીર છે અને આમાં ઉંડી તપાસની જરૂર છે, તેથી ચૂંટણી પંચના વકીલ આ અંગે જરૂરી નિર્દેશો મેળવે તેવું કહેવામાં આવ્યું છે.
TVK સાથે DMK અને AIADMK પર પણ આરોપ લાગ્યો
આ પહેલા પણ રાજકીય પક્ષો પર લાગેલા ગંભીર આરોપો લાગેલા છે. એડવોકેટ વાસુકી દ્વારા દાખલ કરવામાં આવેલી આ જનહિત અરજીમાં માત્ર સત્તારૂઢ પક્ષ જ નહીં, પરંતુ વિપક્ષી દળો પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. TVK પર ચૂંટણી પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવાનો આરોપ છે. 21 એપ્રિલની વાયએમસીએ મેદાનની રેલીમાં બાળકોને એવી અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના માતા-પિતાની વોટિંગ પસંદગીને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે. મુખ્ય પ્રધાન વિજયે ચૂંટણી પરિણામો પછી પોતાના સંબોધનમાં પણ બાળકોનો આભાર માન્યો હતો.
આ સાથે DMK પર માઈલાપુર, અલંગુલમ અને તિરુમંગલમ સહિતના અનેક મતવિસ્તારોમાં 'વોટના બદલામાં રૂપિયા' આપવા જેવી ભ્રષ્ટ પ્રથાઓ અપનાવવાનો આરોપ લાગેલો છે. એટલું જ નહીં પરંતુ AIADMK પર ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડની વહેંચણી કરવાનો આરોપ લાગેલો છે. હવે TVK પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે કાયદો શું કહે છે?
સુનાવણી દરમિયાન વકીલો દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People Act, 1951) હેઠળ બે મુખ્ય કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ કલમ 123 કલમ લાંચરૂશ્વત અને અયોગ્ય પ્રભાવ જેવા 'ભ્રષ્ટ આચરણ' ને વ્યાખ્યાયિત કરે છે. સામાન્ય રીતે આ કલમ ચૂંટણી જીતેલા ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી અરજી દ્વારા લાગુ કરવામાં આવે છે. જ્યારે કલમ 100 એવા આધારો સ્પષ્ટ કરે છે જેના પર જીતેલા ઉમેદવારની ચૂંટણી રદબાતલ જાહેર કરી શકાય છે. હવે કોર્ટ સામે મુખ્ય સવાલ એ છે કે શું આ કલમો હેઠળ કોઈ આખી 'રાજકીય પાર્ટી' ને અયોગ્ય ઠેરવી શકાય?
ચૂંટણી પંચના માર્ગદર્શિકાની અવગણના
અરજીકર્તાની દલીલ છે કે, ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગને રોકવા માટે ચૂંટણી પંચના વર્ષ 2009, 2013, 2014 અને 2017 ના કડક આદેશો અને માર્ગદર્શિકા પહેલેથી જ અસ્તિત્વમાં છે. આ નિયમો અનુસાર બાળકો કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા કે રેલીનો હિસ્સો ન બની શકે! પરંતુ ટીએમસી દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પુરાવા અને ફરિયાદો ઉપલબ્ધ હોવા છતાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પારદર્શક તપાસ કરવામાં આવી નથી. જેથી મામલો વધારે ચર્ચાસ્પદ બન્યો છે. હવે એવી પણ માંગણી કરવામાં આવી છે કે જે પણ પાર્ટી દ્વારા નિયમોને ભંગ કરવામાં આવ્યો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે!