Sat Aug 29 2026

Logo

હવે ‘મેડ ઈન મહારાષ્ટ્ર’ વંદે ભારત દોડશે! લાતુરમાં બનશે સ્લીપર ટ્રેન

2026-08-28 17:35:47
Author: Mumbai Samachar Team
હવે ‘મેડ ઈન મહારાષ્ટ્ર’ વંદે ભારત દોડશે! લાતુરમાં બનશે સ્લીપર ટ્રેન

મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં તૈયાર થશે 1,920 કોચ, 2027 સુધીમાં પહેલી ટ્રેન આવવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દુનિયામાં ભારતીય રેલવે સૌથી મોટા જાહેર પરિવહન તરીકે ગણતરી કરવામાં આવે છે, તેમાંય વળી મુંબઈ-કોલકાતા લોકલ ટ્રેનનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે આગામી વર્ષોમાં મહારાષ્ટ્રનું યોગદાન સમગ્ર દેશમાં વધશે. મહારાષ્ટ્રએ રેલવે ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હવે મહારાષ્ટ્રમાં જ તૈયાર થતી ‘મેડ ઈન મહારાષ્ટ્ર’ વંદે ભારત સ્લીપર ટ્રેનો દેશના રેલવે નેટવર્કમાં દોડતી જોવા મળશે. લાતુરની મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં કુલ 120 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટનું નિર્માણ થવાનું છે. આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર દેશના આધુનિક રેલવે કોચ નિર્માણના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

પહેલી ટ્રેન 2027 સુધીમાં તૈયાર થશે

લાતુર સ્થિત અપગ્રેડેડ મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાંથી વંદે ભારત સ્લીપર ટ્રેનનો પહેલો પ્રોટોટાઈપ (Prototype-સૌથી પહેલું પ્રાયોગિક મોડલ) 31 માર્ચ 2027 સુધીમાં બહાર આવવાની અપેક્ષા છે. અગાઉ આ પ્રોટોટાઇપ જૂન 2026 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક હતો. રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સલીમ અહમદે જણાવ્યું છે કે ફેક્ટરીમાં ટ્રેનના નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે.

16 કોચની ટ્રેનના કુલ 120 ટ્રેનસેટ તૈયાર કરાશે

આ પ્રોજેક્ટ માટે આરવીએનએલ અને રશિયાની ટ્રાન્સમાશહોલ્ડિંગની સંયુક્ત કંપની કાઇનેટ રેલવે સોલ્યુશન્સ લિમિટેડને જવાબદારી સોંપવામાં આવી છે. અહીં વંદે ભારતના કુલ 120 ટ્રેનસેટ તૈયાર કરવામાં આવશે અને દરેક ટ્રેનસેટમાં 16 કોચ હશે. એટલે લાતુરની ફેક્ટરીમાં કુલ 1,920 કોચનું નિર્માણ થવાનું છે. આ ટ્રેનો ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ઝડપી તથા આરામદાયક મુસાફરીના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આરવીએનએલના કામકાજમાં વ્યાપક થયો વધારો

વંદે ભારત સ્લીપર પ્રોજેક્ટથી આરવીએનએલના કામકાજનો વ્યાપ પણ વધી રહ્યો છે. કંપની અત્યાર સુધી ભારતીય રેલવેને 158 પ્રોજેક્ટ સોંપી ચૂકી છે અને 16 રાજ્યોમાં તેનું કામ શરુ છે. નવી રેલવે લાઇન, ડબલિંગ, ગેઝ કન્વર્ઝન, ઇલેક્ટ્રિફિકેશન અને અન્ય પ્રોજેક્ટ દ્વારા 17,000 કિલોમીટરથી વધુ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં જ 173.82 કિલોમીટર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરીને રેલવેને સોંપવામાં આવ્યું હતું.

રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં તૈયાર થનારી આ વંદે ભારત સ્લીપર ટ્રેનો માત્ર લાતુર માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ઔદ્યોગિક અને રેલવે ક્ષેત્રના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પહાડી વિસ્તારોમાં 23 કિલોમીટર ટનલનું કામ, 173 કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશન અને 19 વર્કશોપ પ્રોજેક્ટ શરૂ કરવાની સાથે આરવીએનએલ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવી રહી છે. 

લાતુરમાંથી નીકળનારી વંદે ભારત સ્લીપર ટ્રેનોનો પ્રોજેક્ટ જો સફળ થાય તો ટૂંક ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી અને પંજાબની કપૂરથલ્લા કોચ ફેક્ટરી બાદ રેલવેને મહારાષ્ટ્રની કોચ ફેક્ટરીનો પણ એક મજબૂત વિકલ્પ મળી શકે છે, જેમાં બનેલી રેક ભારતીય રેલવેની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.