ટીના દોશી
એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિની જનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ વિદેશી ભૂમિ પર રાષ્ટ્રધ્વજની પરિકલ્પના કરી, એટલું જ નહીં, રાષ્ટ્રધ્વજ બનાવ્યો પણ ખરો અને 21 ઑગસ્ટ 1907ના જર્મનીના સ્ટટગાર્ટમાં સાતમી આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં ફરકાવ્યો પણ ખરો... ભારત સરકારે ભીખાઈજી કામાની સ્મૃતિમાં 26 જાન્યુઆરી 1962ના 15 નયા પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
વિદેશની ધરતી પર પહેલી જ વાર લહેરાયેલા ભારતના એ ત્રિરંગા રાષ્ટ્રધ્વજમાં ભીખાઈજી કામાએ ત્રણ પહોળી રંગીન પટ્ટીઓ બનાવેલી. સૌથી ઉપર લીલા રંગની, વચ્ચે કેસરી કે ભગવા રંગની અને નીચે લાલ રંગની. લીલી પટ્ટીમાં ભારતના આઠ પ્રાંતના પ્રતીક સ્વરૂપ આઠ કમળની આકૃતિ બનાવેલી, કેસરી પટ્ટીમાં સંસ્કૃતમાં વન્દે માતરમ ગૂંથવામાં આવેલું અને લાલ પટ્ટીમાં એક તરફ સૂર્ય તથા બીજી બાજુ અર્ધ ચંદ્ર, જે ભારતના બે મુખ્ય ધર્મ હિંદુ અને ઇસ્લામનાં પ્રતીક હતાં. ભારતની વિવિધતામાં એકતા દર્શાવતો ઝંડો ફરકાવતાં માદામ કામાએ કહેલું કે આ ધ્વજ ભારતની આઝાદીનું પ્રતીક છે!
ભીખાઈજી કામાએ રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યો અને ફરકાવ્યો એ તેમનું સૌથી મહત્ત્વનું યોગદાન હતું, પણ એ કાંઈ એમનું એક માત્ર પ્રદાન નહોતું. ભીખાઈજી કામાએ વિદેશની ધરતી પર રહીને ભારતની આઝાદીની ધ્યેયપ્રાપ્તિ માટે હથિયારની ગરજ સારતી કલમને ખોળે માથું મૂકીને તેજાબી લખાણો લખ્યાં અને આગઝરતાં પ્રવચનો કયાર્ં.
આ ભીખાઈજી કામા મુંબઈમાં વસતા સાધનસંપન્ન પારસી કુટુંબમાં 24 સપ્ટેમ્બર 1861માં જન્મ્યાં. પિતા સોરાબજી પટેલ અને માતા જીજાબાઈ. ભીખાઈજી એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ એજ્યુકેશન ઇન્સ્ટિટટ્યૂશનમાં ભણ્યાં. યુરોપીય ભાષાઓ ભણ્યાં. પિતા સોરાબજી સફળ વ્યાપારી હતા. બ્રિટિશ ગુપ્તચર અહેવાલ મુજબ સોરાબજીએ પોતાના પુત્રોને, પ્રત્યેકને 13 લાખ રૂપિયા અને પોતાની આઠ પુત્રીઓમાં દરેકને એક લાખ રૂપિયા આપીને ટ્રસ્ટ રચેલું.
સામાન્યપણે પારસી સમુદાયના લોકો અંગ્રેજોના સમર્થક ગણાતા. જોકે દેશના અન્ય સમાજના લોકો કરતાં પારસીઓ પર પાશ્ર્ચાત્ય પ્રભાવ વધુ જોવા મળતો. ભીખાઈજીનું લાલનપાલન એવા જ પારસી પરિવારમાં થયું. સ્વાભાવિક જ પ્રશ્ર્ન થાય: દોમ દોમ સાહ્યબીવાળી પારિવારિક પૃષ્ઠભૂમિ હોવા છતાં ભીખાઈજીએ તમામ સુખસુવિધાઓનો ત્યાગ કરીને દેશની સ્વતંત્રતાના જંગમાં કઈ રીતે ઝુકાવ્યું હશે?
1885માં બે ઘટના બની. 3 ઑગસ્ટના બેરિસ્ટર રુસ્તમજી કામા સાથે લગ્ન અને ડિસેમ્બરમાં વ્યોમેશચંદ્ર બેનરજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન. ભીખાઈજીએ કૉંગ્રેસની કામગીરી નિહાળી. એનું ઐતિહાસિક મહત્ત્વ સમજ્યાં. ભીખાઈજી દેશસેવામાં જોતરાયાં. હવે એમનું એક જ સ્વપ્ન હતું, હૃદયમાં એક જ મંત્ર ગુંજવા લાગ્યો : વિદેશી ગુલામીથી મુક્ત એવું સ્વતંત્ર ભારત! જોકે આ જ મુદ્દે ભીખાઈજી અને રુસ્તમજી વચ્ચે મતભેદ અને પછી મનભેદ થયા. રુસ્તમજી અંગ્રેજોની કૃપામાં વિશ્ર્વાાસ ધરાવતા, એથી ભીખાઈજી એમનાથી દૂર થતાં ગયાં.
દરમિયાન, 1896માં મુંબઈમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. ભીખાઈજી પારસી પંચાયત દ્વારા સંચાલિત એક સાર્વજનિક હૉસ્પિટલમાં પરિચારિકાનું સફેદ એપ્રન પહેરીને રોગીઓની સારવાર કરવા લાગ્યાં. પોતાના જીવના જોખમે ભીખાઈજી ખડેપગે દર્દીઓની ચાકરી કરતાં રહ્યાં. દર્દીઓને સાજા કરતાં કરતાં ભીખાઈજી પોતે દર્દી બની ગયાં. સારવાર માટે ઇંગ્લૅન્ડ ગયાં. લંડનમાં સુશ્રુષા અને સફળ શલ્ય ચિકિત્સા થઈ. એવામાં દાદાભાઈ નવરોજી સાથે પરિચય થયો. એમનાથી પ્રભાવિત થઈને ભીખાઈજી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના કામમાં જોડાયાં.
એ વખતે દાદાભાઈ બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સના સભ્યપદ માટેના ઉમેદવાર હતા. ભીખાઈજી કામા એમના માટે સક્રિયપણે પ્રચાર કરવા લાગ્યાં. એનાથી એમની રાજનૈતિક આકાંક્ષાઓને બળ મળ્યું. ભીખાઈજી દાદાભાઈના અનૌપચારિક સચિવ બની ગયાં.
ભીખાઈજી કૉંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલાં, પણ ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થયેલાં. એમનો ઝોક ક્રાંતિ તરફ વળ્યો જ હતો કે દાદાભાઈને લીધે ભીખાઈજીને દેશસેવા સાથે જોડાયેલાં સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા અને વીર સાવરકર સહિત ઘણા ક્રાંતિકારીઓને મળવાનો મોકો મળ્યો. અહીંથી ભીખાઈજી કામાના જીવનનું વહેણ બદલાયું. એ કૉંગ્રેસીમાંથી ક્રાંતિકારી બની ગયાં.
ભીખાઈજી કામાએ પહેલાં તો ભારત પાછા ફરવાનું નક્કી કરી લીધેલું, પણ પછી એમનો વિચાર બદલાયો. તેમણે જર્મની, સ્કૉટલૅન્ડ અને ફ્રાન્સમાં એક એક વર્ષ વિતાવ્યું અને લંડન પાછાં ફર્યાં. અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કરવા લાગ્યાં. એટલેથી ન અટકતાં કલમ ઉઠાવી. ભીખાઈજીએ પોતે શરૂ કરેલા વંદે માતરમ્માં અને તલવાર જેવાં સામયિકોમાં ખૂબ લખ્યું. પણ શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માના સામયિક ‘ઇન્ડિયન સોશ્યોલૉજિસ્ટ’થી કરી. એમાં નિયમિત લખતાં રહીને અંગ્રેજો સામે નિશાન તાકવા લાગ્યાં.
ભીખાઈજી કામા ક્રાંતિકારી યુવાનોને તાલીમ આપતાં અને એમને હથિયાર પ્રાપ્ત કરવામાં સહાય કરતાં. ભીખાઈજી દૃઢપણે એવું માનતાં કે ભારતને ક્રાંતિની કેડી પર ચાલીને જ આઝાદી મળી શકે તેમ છે. એમની વ્યાખ્યા મુજબ, ક્રાંતિ એટલે સ્વરાજ, સ્વશાસન, મુક્તિ, સમતા અને ભાઈચારા માટેનો પ્રયાસ.
ક્રાંતિનો સંદેશ તો ભીખાઈજીએ જર્મનીના સ્ટટગાર્ટમાં પણ આપેલો. ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને એમણે ક્રાંતિ જ કરેલી. ભીખાઈજી કામાએ પ્રાણ ન્યોચ્છાવર કરીને પોતે બનાવેલો રાષ્ટ્રધ્વજ ભારતમાં ફરકાવવાનું સ્વપ્ન સેવેલું. જોકે ભીખાઈજી કામાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પગલે અંગ્રેજ સરકારે તેમના ભારત અને ઇંગ્લૅન્ડ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો. એથી ભીખાઈજી કામા પૅરિસ પહોંચી ગયાં.
એમણે આઝાદ ભારતમાં જ પાછા ફરવું એવો સંકલ્પ કરેલો. પણ માંદગીને કારણે એમણે 1935માં ભારત પાછાં ફરવા સિત્તેર વર્ષની ઉંમરે વાઇસરૉયને પત્ર લખ્યો કે ‘મેં ગુલામ ભારતમાં નહીં રહેવાની પ્રતિજ્ઞા લીધેલી, એથી જીવનભર વિદેશમાં ભટકતી રહી. પરંતુ હવે મારું મૃત્યુ નજીક છે. મારું મોત માતૃભૂમિમાં થાય એવી મારી ઇચ્છા છે. માતૃભૂમિ મને સ્વર્ગથી પણ અધિક પ્રિય છે. મને ભારત આવવાની મંજૂરી આપશો?’
મંજૂરી મળી. ભીખાઈજી કામાએ અધૂરાં સ્વપ્ન અને અધૂરા સંકલ્પ સાથે ભારત પાછા ફરવું પડ્યું. 13 ઑગસ્ટ 1936ના ક્રાંતિનાં મશાલચી નામે માદામ કામાની જીવનજ્યોત બુઝાઈ ગઈ. ભીખાઈજીએ ચિરવિદાય લીધી, પણ ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્ર્વ તિરંગા પ્યારા... ગાતી વખતે વિદેશમાં સર્વપ્રથમ ત્રિરંગો ફરકાવનાર માદામ કામાનું સ્મરણ ન કરીએ તો કેમ ચાલે?