Sat Sep 05 2026

Logo

દિલ્હી કૅપિટલ્સને ઝટકો, ઍન્ગિડીને માથામાં ગંભીર ઈજાઃ ઍમ્બ્યૂલન્સની મદદથી તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવાયો

2026-04-25 18:23:44
Author: Ajay Motiwala
દિલ્હી કૅપિટલ્સને ઝટકો, ઍન્ગિડીને માથામાં ગંભીર ઈજાઃ ઍમ્બ્યૂલન્સની મદદથી તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવાયો

નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર પંજાબ કિંગ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સના સાઉથ આફ્રિકન પેસ બોલર લુન્ગી ઍન્ગિડીને કૅચ ઝીલતી વખતે માથામાં ગંભીર ઈજા થતાં મેદાન પર ઍમ્બ્યૂલન્સ બોલાવીને તેને હૉસ્પિટલ (Hospital)માં લઈ જવામાં આવ્યો હતો. 265 રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલી પંજાબની ટીમના ઓપનર પ્રિયાંશ આર્યએ દિલ્હીના સુકાની અક્ષર પટેલના બૉલમાં શૉટ માર્યો ત્યારે ઍન્ગિડી (Ngidi)એ કૅચ ઝીલવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે બૉલની દિશા બરાબર સમજી ન શકનાર ઍન્ગિડી કૅચ નહોતો ઝીલી શક્યો, પરંતુ ઊંધે માથે નીચે પટકાયો હતો અને માથાના પાછળના ભાગમાં તેને સિરિયસ ઇજા થઈ હતી. તરત જ ફિઝિયોથેરપિસ્ટ તેમ જ મેડિકલ ટીમના મેમ્બર્સ મેદાન પર દોડી આવ્યા હતા અને ઍન્ગિડીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

ઍન્ગિડીને ઈજા થઈ ત્યારે ત્રીજી ઓવરમાં પંજાબનો સ્કોર 0/43 હતો. ધમાકેદાર ઓપનિંગ કરનાર ઇન્ફૉર્મ બૅટ્સમૅન પ્રિયાંશ આર્ય 19 રને અને પ્રભસિમરન સિંહ 21 રને રમી રહ્યો હતો.

ઍન્ગિડીને આ વખતે હજી એક પણ ઓવર નહોતી અપાઈ. પંજાબનો દાવ શરૂ થતાં દિલ્હીએ બે પેસ બોલર આકિબ નબી અને મુકેશ કુમાર સાથે શરૂઆત કરી હતી. આ વખતે છ મૅચમાં કુલ સાત વિકેટ લીધી છે. દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ તેને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

એ પહેલાં, દિલ્હીએ કે. એલ. રાહુલે (152 અણનમ, 67 બૉલ, નવ સિક્સર, સોળ ફોર) તથા નીતીશ રાણા (91 રન, 44 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) વચ્ચેની 220 રનની વિક્રમજનક ભાગીદારીની મદદથી 20 ઓવરમાં 264 રન કરીને પંજાબને 265 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે પહેલી ત્રણ ઓવરમાં 63 રન કર્યા હતા.