Thu Sep 17 2026

Logo

અમરેલી એલસીબીએ અનેક રાજ્યોમાં વોન્ટેડ તામિલનાડુની ‘ઠગ ગેંગ’ના ૩ સાગરીતોને ઝડપ્યા...

2026-03-21 16:11:01
Author: Devayat Khatana
અમરેલી એલસીબીએ અનેક રાજ્યોમાં વોન્ટેડ તામિલનાડુની ‘ઠગ ગેંગ’ના ૩ સાગરીતોને ઝડપ્યા...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ લાંબા સમયથી ફરાર અને અનેક રાજ્યોમાં વોન્ટેડ એવી આંતરરાજ્ય ઠગ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓ એમ. ગણેશન મુથૈયા, રાજેન્દ્રન થંગાવેલ અને મેરીઅપ્પન નાડેસન તમામ રહે. તામિલનાડુના વતની છે.

આ ટોળકીએ વર્ષ 2023માં સાવરકુંડલામાં  શોરૂમ શરૂ કર્યો હતો અને ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર  માતબર ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી લોકો પાસેથી એડવાન્સમાં રૂપિયા પડાવ્યા હતા. ગ્રાહકોને 12 દિવસમાં માલ આપવાનો વાયદો કરી, કુલ રૂ. 3,14,130 ની છેતરપિંડી આચરી આરોપીઓ રાતોરાત શોરૂમ બંધ કરીને ફરાર થઈ ગયા હતા, જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

અમરેલી પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ઠગાઈના ગુનાઓમાં વોન્ટેડ હતી. ખાસ કરીને આરોપી રાજેન્દ્રન થંગાવેલ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

અગાઉ આ કેસમાં બે આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા, જ્યારે બાકીના આ ત્રણ સાગરીતો છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા. હાલમાં આ ત્રણેય આરોપીઓનો કબજો આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો.