લાતુર: લાતુર જિલ્લામાં પોલીસે જુગારના ત્રણ અડ્ડા પર રેઇડ પાડી હતી અને ત્યાં જુગાર રમનારા 27 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી રોકડ, મોબાઇલ ફોન અને વાહનો સહિત 17.84 લાખની મતા જપ્ત કરી હતી.
પોલીસે ગેરકાયદે વ્યવસાય અને જુગારની પ્રવૃત્તિઓની જાણ કરવા લોકો માટે ‘ખબર’ હેલ્પલાઇન પણ શરૂ કરી છે.
નાંદેડ પોલીસ રેન્જની વિશેષ ટીમે ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટેની ઝુંબેશના ભાગરૂપે શિવાજી નગર પોલીસ સ્ટેશનની હદમાં રેસ્ટોરાં નજીકના પરિસરમાં મંગળવારે રેઇડ પાડી હતી, જ્યાં મટકા જુગાર રમાતો હતો.
પોલીસ ટીમે ત્યાંથી છ જણને તાબામાં લીધા હતા અને 12,610 રૂપિયા, ત્રણ મોબાઇલ તેમ જ અન્ય મતા જપ્ત કરી હતી. પોલીસ ટીમે વિવેકાનંદ ચોક પોલીસ સ્ટેશનની હદમાં ન્યૂ રેનાપુર નાકા વિસ્તાર નજીકના પરિસરમાં પણ રેઇડ પાડી હતી, જ્યાંથી નવ લોકોને તાબામાં લેવાયા હતા, જેઓ જુગાર રમતા મળી આવ્યા હતા. ત્યાંથી કેટલીક રોકડ અને પાંચ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન પોલીસે ત્રીજી રેઇડ અહમદપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેતરમાં પાડી હતી, જ્યાંથી જુગાર રમી રહેલા 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યાંથી 31,320 રૂપિયા અને 12 મોબાઇલ ઉપરાંત બે કાર અને પાંચ મોટરસાઇકલ જપ્ત કરાઇ હતી.
(પીટીઆઇ)