Mon Oct 05 2026

Logo

મિજાજ મસ્તી: આમચી માટી... આમચી બોલી: ભાષાની ભૂંડી ભવાઈ

2026-09-13 09:29:00
Author: Sanjay Chhel
મિજાજ મસ્તી: આમચી માટી... આમચી બોલી: ભાષાની ભૂંડી ભવાઈ

 

દક્ષિણ ભારતમાં હિન્દી વિરુદ્ધ પ્રદર્શન

- સંજય છેલ

ટાઇટલ્સ: 
ઉશ્કેરાટની ભાષા, સંસ્કાર છતાં કરી દે છે, 
જો સંસ્કાર હોય તો! (છેલવાણી)

એક હિબ્રૂ વારતામાં રાજા, પોતાની પ્રજાને છેક સ્વર્ગ સુધી ઊંચો ટાવર બનાવવા માટે  લલકારે છે. પછી રાજ્યના લોકો સંપીને મહામહેનતે સ્વર્ગને આંબતો ટાવર બનાવે છે ને પોતાને દુનિયાની શ્રેષ્ઠ પ્રજા માનવા માંડે છે ત્યારે ઈશ્વરને થાય છે કે હવે આ અભિમાની લોકો મને પણ નહીં ગણકારે ને મનફાવે એમ કરશે! ત્યારે ઈશ્વર એક ઉપાય કરે છે કે જેથી લોકોમાં સંપ તૂટી જાય.

ઈશ્વર શાપ આપે છે કે એ રાજ્યના લોકો અચાનક એકબીજાની ભાષા સમજવાનું ભૂલી જાય! હવે કોઈને કોઈની વાત સમજાતી નથી. રાજ્યમાં બધે બડબડાટ ને ગેરસમજણો ઊભી થાય છે. છેવટે સૌ લડી-ઝઘડીને છૂટા પડી જાય છે ને દુનિયાના અલગ અલગ ખૂણે જઈ પોતપોતાની ભાષાવાળી દુનિયા રચે છે. આપણે સૌ આ `ટાવર ઑફ બાબેલ (બેબીલોન)'ની પેદાઇશ છીએ.

આજકાલ મુંબઈમાં મરાઠી ભાષાનું આંદોલન ફરી જાગ્યું છે. રિક્શા, ટૅક્સી, ઉબર જેવી સર્વિસના ડ્રાઇવરોએ ફરજિયાત મરાઠી બોલવું જ રહ્યું એવો પહેલાં ફતવો ને હવે સરાકારી ફરમાન આપવામાં આવ્યું છે. પહેલાં 6 મહિનાની મુદત અપાયેલી, જે ખતમ થઈ ગઈ. હવે એ વધારીને એક વરસ કરી છે. રિક્શા, ટૅક્સીવાળાઓ સતત ભયમાં છે, કારણ કે અમુક જગ્યાએ ઝઘડા ને મારામારીની ઘટનાઓ બની છે.

વરસેક અગાઉ મુંબઈમાં હિન્દી ભાષા સમાચારમાં હતી. કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રિભાષા નીતિ લાગુ કરવા કહી રહી છે. તેમાં હિન્દી, અંગ્રેજી તેમ જ સ્થાનિક ભાષાનો સમાવેશ થશે.

મહારાષ્ટ્ર સરકારે અગાઉ ધોરણ 1થી 5 સુધી શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો હતો, પણ પછી તીવ્ર વિરોધ બાદ પાછો ખેંચી લીધો. જમીની કહીકત એ છે કે ગુજરાતી, મારવાડી, બિહારી લોકો પર લોકલ પાર્ટીના વર્કરો મરાઠી બોલવા હિંસક રીતે મજબૂર કરે છે. વેલ, હિંસાની કોઈ ભાષા નથી હોતી! 

થોડાં વરસ પહેલાં એક રાજકીય રૅલી બાદ મુંબઈના કાંદિવલીમાં એક ભડકાઉ ભાષણ પછી `રાજુભાઈ ઢોકળાવાળા' બોર્ડને કારણે કારણ વિના હુમલો થયેલો. થોડા વખત પહેલાં મુંબઈ લોકલ ટે્રનમાં સીટ માટેની રોજિંદી લડાઈ, ભાષાકીય લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. એમાં એક મહિલાએ બીજીને ધમકાવી, `જો અમારા મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો, નહીં તો નીકળી જાઓ,' પછી અન્ય મહિલાઓ ઝઘડામાં જોડાઈ. આમાં છે કોઈ લૉજિક ?

આ ભાષાની ભવાઈની આગ  ભડકી તમિળનાડુથી. સ્ટાલિન સરકારે ત્રિભાષી નીતિ અપનાવવાની ના પાડી અને રાજ્યના બજેટમાંથી `'ના પ્રતીકને તમિળમાં બદલી નાખ્યું! તમિળનાડુમાં વરસોથી હિન્દીનો વિરોધ છે. છેક 1937માં, સી રાજગોપાલાચારીની સરકારે માધ્યમિક શાળાઓમાં હિન્દીને ફરજિયાત બનાવવાની વાત કરેલી ત્યારે જસ્ટિસ પાર્ટીએ વિરોધમાં ઉગ્ર આંદોલન કરેલું ને બે યુવાનોના જાન ગયેલા. રાજગોપાલાચારીએ રાજીનામું પણ આપવું પડેલું. આઝાદી પછી હિન્દીને સત્તાવાર ભાષા બનાવવાનો અમલ 26-1-1965થી થવાનો હતો તો તમિળનાડુમાં હિંસક આંદોલન થયેલું, જેમાં 70 લોકો મૃત્યુ પામ્યા ને કેન્દ્રએ ત્યારે પણ પીછેહઠ કરેલી.

ભાષાનો વિવાદ-વિખવાદ આપણા દેશમાં જ છે એવું નથી. બે વર્ષ પહેલાં બેલ્જિયમની ટે્રનમાં મુસાફરોનું સ્વાગત કરવા માટે એક ટે્રન એટેન્ડન્ટે `ગુડ મૉર્નિંગ' કહેવા ડચ અને ફ્રેન્ચ `હુડ્મોર્ખન' અને `બોન્જોર'  એમ બંને શબ્દનો ઉપયોગ કર્યો. એક ડચ-ભાષી મુસાફરને આ વાતનું ખોટું લાગ્યું. એણે એટેન્ડન્ટ ઇલ્યાસ આલ્બાને કહ્યું, `બોન્જોર' ડચ-ભાષાનો શબ્દ નથી. આ વાતને લઈને પેલા મુસાફરે બેલ્જિયમના ભાષાકીય નિયંત્રણ માટેના 
આયોગને ફરિયાદ નોંધાવી. પાંચ મહિના પછી, ત્યાંના ભાષાના આયોગે કહ્યું કે પેલા મુસાફરની ફરિયાદ યોગ્ય હતી.

ઇન્ટરવલ:
મુહબ્બત મેં ઝુબાં ચૂપ હો તો
આખેં બાત કરતી હૈ (સાહિર)

એક માણસ ઘણી બધી ભાષાઓનો જાણકાર હતો. કોઈ પણ ભાષામાં એ એટલું સરસ, એટલું  જલદી બોલી શકતો કે લોકોને થતું કે એ માણસની મૂળ-માતૃભાષા કઈ છે? વાત બિરબલ પાસે પહોંચી. બિરબલે આઇડિયા કાઢ્યો: પેલો ભાષાનો એક્સપર્ટ રાત્રે ઘસઘસાટ સૂતેલો ત્યારે એના પર ગરમાગરમ પાણી ફેંકવામાં આવ્યું. પેલો સફાળો જાગી ગયો ને પોતાની માતૃભાષામાં ગાળો આપવા માંડ્યો. આવેશમાં એની સાચી ભાષા પકડાઈ ગઈ. ભાષાની જીદ પણ આવેશ જ છે.

વરસોથી મુંબઈ કે મહારાષ્ટ્રમાં રહેતા કે જે તે પ્રદેશમાં સ્થાઇ થયેલા બીજા રાજ્યના લોકોને લોકલ ભાષા આવડવી જોઈએ એ સારી ભાવના છે, આદર્શ સ્થિતિ છે પણ જીવન કે સમાજ ભાવનાઓ કે આદર્શોથી નથી ચાલતાં. વળી મુંબઈમાં મરાઠીની 35 સ્કૂલો બંધ થઈ છે, કોલ્હાપુરમાં પણ અનેક શાળા બંધ થઈ ને બધે અંગ્રેજી શાળાઓ ખૂલી રહી છે. મુંબઈમાં ગુજરાતી શાળાઓ ખૂબ ઓછી બચી છે. એટલે ખરેખર તો ભારતીય ભાષાઓને અંગ્રેજી સામે બચાવવાની ચર્ચા થવી જોઈએ.ઉર્દૂ લેખિકા ઇસ્મત ચુગતાઇએ બહુ કડવું સત્ય કહેલું: `જો ઝુબાં (ભાષા) રોટી કમાકર નહીં દે સકતી, વો આખિર મર જાતી હૈ!'

 હિંદી વ્યંગકાર શરદ જોશી કહેતા કે - `આ દેશમાં લોકો ધર્મ પર લડીને કંટાળે તો પછી ભાષા પર ઝઘડે. ગમે તે થાય પણ આપણને ઝઘડવું જ છે ને એમાંય હવે તો ભાષા વિશે ઝઘડનારને પોતાનેય સાચી ભાષા નથી આવડતી! ભાષાપ્રેમીઓને અભિમાન કે ફાંકા ફોજદારી કરવામાં મોટાંમોટાં નામોની રેડીમેઇડ હેલ્પ મળી રહે છે. તમે હિન્દી પર બોલશો તો 2-4 લાઇન પછી સૂરદાસ, તુલસીદાસ ને નિરાલાના નામનો જાપ જપવા માંડશો. બંગાળી વિશે બોલતા ટાગોર ને શરદચંદ્રની પ્રશંસા કરવામાં આવશે. ભાષાઝનૂની વક્તાઓ ભાષા બોલાનારાની સંખ્યાથી જ લડે રાખે છે. બિચારી ભાષાને ખુદને જ નથી ખબર કે એણે પોતાનાં ગુણગાન કેવી રીતે ગાવાં?'

એન્ડ-ટાઈટલ્સ:
આદમ: સૌથી સાચી ભાષા?
ઇવ: સ્પર્શની..