ડૉ. નિરંજન રાજ્યગુરુ
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી,
દયા કફની પેર બાવા નામ હે નિરવાણ જી...
એવો ખમિયા ખલકો પેર અબધૂ નામ હે આદેશ જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
તીન બાંધો, પાંચ સાંધો, આઠ માયલા ઠાઠ જી,
આવો હંસા પીવો પાણી, તરવેણીને ઘાટ જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
એવા શબદ પકડી ને મૂળ ખોજો, પીવો શ્વાસા પ્રાણ જી,
સુખમણ ઘેરે આસન માંડો, જપો અજપા જાપ જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
કોણ પીવે? કોણ સીંચે? કોણમાં સમાય? જી,
કોણ જોગી ચક્કર ભેદી, કૌન ઘરમેં જાય જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
નૂરત સીંચે, સુરત પીવે, શૂન્ય ઘરમેં જાય જી,
ગુરુ મારા ચક્કર ભેદી, ગગન કે ઘર જાય જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
મેલ મમતા, મિટે સંશા, મેલ ડારો ધોય જી,
ક્યે મછંદર, સૂનો ગોરખ જોગ એસો હોય જી..
જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ જી..0
જુગત સે નર જીવે જોગી- જુગત એટલે યુક્તિ. ગોરક્ષનાથજીને એમના ગુરુ મત્સ્યેન્દ્રનાથ યોગી થવા માટે, યોગસાધક તરીકેનું જીવન જીવવા માટે કેવી યુક્તિ આદરવી પડે એની શીખ આપતાં કહે છે કે યોગી પુરુષ એવી રીતે યુક્તિથી પોતાનું જીવતર ઘડે છે કે એ મુક્તિનું પ્રમાણ આપી શકે, અથવા તો મુક્તિ જ એનું પ્રમાણ ગણી શકાય. એ માટે યોગી અવધૂતે દયા અને ક્ષમા જેવાં વસ્ત્રો ધારણ કરવા પડશે. જીવમાત્ર પ્રત્યે દયાની કફની અને ખમિયા (ક્ષમા)નો ખલકો ધારણ કરીને આદેશ (આદિ ઈશ)ના નામનું અવલંબન લઈને, સતત એનું આવર્તન કરતા રહીને સાધનામાં આગળ વધી શકાશે.
તીન બાંધો- ત્રણ ગુણો (સત્ત્વ, તમ,રજ)ને બાંધો, પાંચ સાંધો (પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ અને આકાશ એ પાંચે મૂળ તત્ત્વોને સાધી લો, અષ્ટધા પ્રકૃતિની ઓળખ કરી લો, પછી શરીરના ષટ્ ચક્રોનો પરિચય મેળવીને સુરતાની યાત્રાએ આગળ જતાં ત્રિવેણીના ઘાટે હંસને માનસરોવરનું સ્વચ્છ જળ પીવરાવજો.
શબ્દને પકડીને એના મૂળની ખોજ કરજો, શ્વાસથી તમે પ્રાણ (ચેતન તત્ત્વ)નું પાન કરજો, પછી સુક્ષ્ષુમ્ણા નાડીની જાગૃતિ દ્વારા સુખમણામાં આસન માંડીને, અજપાજાપની અવસ્થાએ પહોંચી જજો. આ સિદ્ધરસને પીનારું કોણ છે ? કોણ એને સીંચે છે? અને ક્યાં પહોંચે છે? ક્યા યોગી પુરુષ ષટ્ ચક્ર ભેદીને કેવા સ્થાને પહોંચી શકે છે?
નૂરત એટલે નિ:રતિ અથવા તો પ્રકાશનો પુંજ. એ દોરે છે સાધકને. અને સુરતા-સાધકની તલ્લીનતાથી પ્રાપ્ત થતી નાદબ્રહ્મની અનુભૂતિ સાધકને શૂન્યશિખર સુધી પહોંચાડે છે, મારા સદ્ગુરુ એવા ચક્રભેદી છે જે ગગનમંડળની યાત્રા કરાવી શકે છે. પણ એ માટે શું કરવું ? મમતાનો ત્યાગ કરવાથી તમામ પ્રકારના સંશય મટી જાય, તન મનના તમામ મેલ-આવરણ ધોવાઈ જાય ત્યારે એ યોગની યુક્તિ જાણી શકાય છે.
દાસી જીવણે સત્તર સત્તર ગુરુ ધારણ ર્ક્યો પણ મનને સ્થિર કરવાનો ઉપાય દેખાડે એવા સદ્ગુ2ુ ન સાંપડયા. છેલ્લે રવિ-ભાણ સંપ્રદાયના ભીમસાહેબની ખ્યાતિ સાંભળી અને એક પત્ર લખ્યો. એમાં ભજનરૂપે આલેખી પોતાના માનસિક આંતરદ્વન્દ્વની સ્થિતિ. ‘હે ગુરુજી દુર્બુદ્ધિવાળું-દ્વિધાવાળું મારું મન ક્યાંય સ્થિર નથી થાતું, મારે શું કરવું? વારે વારે મારા મનને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર કે ધ્યાનના વાડામાં પૂરવાનો પ્રયાસ કરું છું, જુદા જુદા પંથ-સંપ્રદાયની સાધના તરફ વાળું છું પણ એ તો જેમ હરાયું ઢોર પોતાનાં બંધનો તોડીને ભાગે એમ વછૂટી જાય છે, મારે શું કરવું ?
ઘડીકમાં કીડી જેવડું હોય તો ઘડીકમાં હાથી જેવડું, એની ગતિને કોઈ માપી શક્તું નથી જો તમે કહેતા હો તો તીરથ જઈને તપશ્ર્ચર્યા કરું, ને તમે કહો તો સમાધિ લઈ લઉં. ધજાની પૂંછડીની જેમ ફરફરતું આ મન ઘડીકમાં કીડી જેવડું હોય તો ઘડીકમાં મદમસ્ત હાથી જેવડું થઈ જાય. ઘડીકમાં ઘોડાની ગતિએ જાય તો ઘડીકમાં વટેમાર્ગુની જેમ પરપાળા પળે પળે એના રંગ રૂપ બદલાય એને પકડવાનો કોઈ ઉપાય ખરો ?હવે તો આ મનનો તાગ લીધે જ છૂટકો છે. તમે કહેતા હો તો તીરથ જાત્રાએ જઈને તપસ્યા કરું, પંચ ધૂણીમાં બેસી જાઉ, કેતા હો તો મંદિર ચણાવું ને જો તમે ક્યો તો પછી જીવતાં સમાધિ લઈ લઉં - આત્મવિલોપન કરી નાખું. (ક્રમશ:)