Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ લલિત મોદી દાઉદ નહીં ભ્રષ્ટાચારના કારણે ક્રિકેટથી દૂર થયા

2026-06-05 08:48:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું કહેવું છે કે, પોતે ‘ભાગેડુ’ નથી  પણ મીડિયા દ્વારા પોતાના માટે ‘ભાગેડુ’ શબ્દ વાપરવામાં આવે છે તેથી પોતાના પર ’ભાગેડું’નું લેબલ લાગી ગયું છે. બાકી પોતાની સામે  આજ સુધી કોઈ કેસ થયો નથી. મોદીએ એવો હાસ્યાસ્પદ દાવો કર્યો છે કે, પોતે ક્રિકેટના કારભારથી દૂર થઈ ગયા તેનું કારણ દાઉદ ઈબ્રાહીમ છે. 

લલિત મોદીના દાવા પ્રમાણે, પોતે આઈપીએલમાં ફિક્સિંગ સામે બાંયો ચડાવી તેના કારણે અકળાયેલા દાઉદે પોતાના પર ત્રણ વાર ફાયરિંગ કરાવેલું ને મારા દીકરાનું અપહરણ પણ કરાવેલું. લલિત મોદીએ દાઉદના માણસ બાબા કઈ રીતે તેને મળ્યો અને તેને પોતાના સટ્ટાબજારમાં સામેલ કરવાની કોશિશ કરી ત્યાંથી માંડીને પોતે ના પાડી પછી શું થયું ત્યાં સુધીની લાંબીલચ્ચક પારાયણ કરી છે. આ આખી પારાયણ માંડી શકાય તેમ નથી પણ કવિ એવું કહેવા માગે છે કે, પોતે કૌભાંડોમાં સંડોવાયેલા હતા તેના કારણે ક્રિકેટથી દૂર થવું પડ્યું એ વાતમાં જરાય માલ નથી. દાઉદ પોતાના પરિવારને પતાવી દેશે એ ડરે પોતે સ્વૈચ્છિક રીતે ક્રિકેટના કારભારથી અળગા થઈ ગયા છે. 

લલિત મોદીએ એવી ડંફાશ પણ મારી છે કે, પોતે કોઈનાથી દૂર ભાગી રહ્યા નથી પણ મારી મરજીથી  હું આખી દુનિયામાં ફરી રહ્યો છું. ભારત સરકારની પહોંચ બહુ છે એ જોતાં હું ભાગતો હોત તો ક્યાંક ને ક્યાંક મને ઝડપી જ લીધો હોત. મોદીએ એવું જ્ઞાન પણ ઝાડ્યું છે કે, પોતાને હવે ભારત પાછા ફરવામાં કે પોતાને સાચા સાબિત કરવામાં કોઈ જ રસ નથી. હવે મારી પ્રાયોરિટી બદલાઈ ગઈ છે એટલે ભારતમાં શું થાય છે તેમાં મને રસ જ નથી. 

લલિત મોદીએ બીજી પણ ઘણી વાતો કરી છે. આ બધી વાતો માંડી શકાય તેમ નથી પણ આ વાતોમાં ડંફાશો સિવાય બીજું કંઈ નથી. આપણી કમનસીબી છે કે, આ દેશના તંત્રને ચકમો આપીને ભાગી ગયેલો એક ભાગેડુ માણસ લંડનમાં બેઠો બેઠો ગમે તે બકવાસ કર્યા કરે છે ને આપણે એ સાંભળ્યા સિવાય કશું કરી શકતા નથી. લલિત મોદીની એ વાત સાચી છે કે, ભારતમાં તેની સામે કોઈ કેસ થયો નથી પણ તેનું કારણ ભાજપ સરકારની મહેરબાની છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ લલિત મોદી સામે આઈપીએલના પ્રસારણ અધિકારો અને સ્પોન્સરશિપમાં કરોડોની હેરાફેરીનો આક્ષેપ કર્યો હતો. બીસીસીઆઈએ દાવો કર્યો હતો કે, લલિત મોદીએ પાંચ કરોડ ડૉલરથી વધારે રકમ સગેવગે કરી નાખીને બોર્ડનું કરી નાખ્યું છે. બોર્ડે સત્તાવાર રીતે આ આક્ષેપ કર્યો પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તપાસ શરૂ કરી, લલિત મોદીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઈએમએ) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોટિસ પણ અપાઈ. લલિત મોદીને લાગ્યું કે, આ બધી તપાસમાં પોતે ભેરવાઈ જશે એટલે એ રેલો પોતાના પગ તળે આવશે એટલે ભારત છોડીને ભાગી ગયો. 

આ વાત 2013ની છે. ઈડીએ એ પછી ભાજપ વિરોધી પક્ષોના ઘણા બધા નેતાઓને આંટીમાં લઈને જેલભેગા કરી દીધા અને ઢગલાબંધ કેસો કરી દીધા પણ લલિત મોદીને સાવ ભુલાવી દીધો. લલિત મોદી સામેની તપાસમાં શું થયું નથી તેની કદી ઈડીએ વાત કરી કે નથી સરકાર કંઈ બોલતી. આ કારણે મોદી સામે કોઈ કેસ નથી એ વાત સાવ સાચી છે પણ તેના કારણે લલિત મોદી દૂધે ધોયેલું પ્રાણી હોવાનું સાબિત થતું નથી. મોદી સામે ગંભીર પ્રકારના આક્ષેપો થયેલા છે, ગંભીર અપરાધો માટે તેને નોટિસ પણ અપાયેલી છે ને ઈડીએ જ મોદી માટે ભાગડુ શબ્દ વાપરેલો. મીડિયા તો એ શબ્દ રીપિટ જ કરે છે. 

લલિત મોદી ભાજપની મહેરબાનીથી ભાગી શકેલો એ ઈતિહાસ છે. લલિત મોદી ભારત છોડીને બ્રિટન ભાગી ગયા પછી તેમની સામે ઈડીએ નોટિસો બહાર પાડેલી. ભારત સરકારે મોદીનો પાસપોર્ટ રદ કરી દીધો હતો એટલે લલિત મોદી બ્રિટનની બહાર જઈ શકે તેમ નહોતા. બ્રિટન બહાર જવા માટે બ્રિટનના ઈમિગ્રેશન વિભાગની મંજૂરી અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ લેવા પડે. કોઈ દેશની સરકાર બીજા દેશના ભાગેડુ અપરાધીને બહાર જવા દેવા માટે ટ્રાવેલ ડોક્યુમેન્ટ ના આપે પણ 2014ના ઓગસ્ટમાં પોર્ટુગલ જવા માટે મંજૂરી અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ બંને મળી ગયેલાં. લલિત મોદીને મંજૂરી અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવવામાં નરેન્દ્ર મોદી સરકારનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભલામણ કરી હતી.
 
સુષ્માએ પોતે ટ્વિટ કરીને કબૂલેલું કે, 2014માં લલિત મોદીએ તેમને ફોન કર્યો પછી પોતે  બ્રિટનના ભારતીય મૂળના સાંસદ કેઈથ વાઝની મદદથી ઈમિગ્રેશન વિભાગને કહીને મોદીને ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવેલા. સુષ્મા સ્વરાજે એવું જૂઠાણું ચલાવેલું કે, મોદીનાં પત્નીને કેન્સર હતું ને પોર્ટુગલમાં ઓપરેશન થવાનું હતું. મોદીએ ઓપરેશન વખતે સંમતિપત્ર પર સહી કરવા પોતે હાજર રહેવાની જરૂર છે એવું કહીને ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવવામાં મદદ કરવા વિનંતી કરેલી તેથી માનવતાના ધોરણે પોતે મોદીને મદદ કરેલી. પોર્ટુગલમાં માનસિક રોગી ના હોય તેવી મહિલા દર્દીના ઓપરેશન વખતે પતિની સહી જરૂરી નથી ને દર્દીએ પોતે સહી કરવાની હોય છે તેથી સુષ્મા જૂઠું બોલતાં હતાં એ સ્પષ્ટ હતું. 

સુષ્મા સ્વરાજે લલિત મોદીને મદદ કરેલી કેમ કે સુષ્માની દીકરી બાંસુરી સ્વરાજ લલિત મોદીનો કેસ લડતાં હતાં. લલિત મોદીએ સુષ્માના ભત્રીજા જ્યોતિર્મયને સસેક્સ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવામાં મદદ કરેલી. સુષ્માએ આ ઉપકારનો બદલો મોદીને પોર્ટુગલ જવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવવામાં મદદ કરીને કરી હતી. લલિત મોદીને આ પહેલાં પાસપોર્ટ પાછો મેળવવા માટે વસુંધરા રાજેએ ભલામણ પત્ર પણ લખી આપેલો. ભાજપનાં બે મહિલા નેતાના કારણે લલિત પાંચ કરોડ ડૉલરની ઘાાલમેલના આક્ષેપો છતાં સહીસલામત છટકી ગયેલા. 

લલિત મોદી હવે પોતાના જાકુબીના ધંધા પર ઢાંકપિછોડો કરવા માટે દાઉદ પર દોષારોપણ કરે છે એ સાંભળીને હસવું આવે છે. દાઉદે મોદીના દીકરાનું અપહરણ કરાવ્યું તેની સામે મોદીએ પોલીસ ફરિયાદ ના કરી એ સમજી શકાય પણ મોદીને ક્રિકેટના કારભારથી અલગ થવાનું કારણ દાઉદ હતો એ વાત કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી છે. લલિત મોદી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા પછી બીસીસીઆઈએ તપાસ સમિતિ રચી હતી. આ તપાસ સમિતિએ મોદી સામે પ્રાથમિક રીતે ભ્રષ્ટાચારના પુરાવા હોવાનું કહ્યું પછી બોર્ડે જ તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો છે તેથી દાઉદને કંઈ લેવાદેવા નથી પણ જૂઠા માણસને કઈ રીતે પહોંચાય?