Tue May 26 2026

Logo

નાણાકીય વર્ષ 2026માં ખાદી ગ્રામોદ્યોગનું વેચાણ રૂ. 1.87 લાખ કરોડની પાર

2026-05-26 20:10:10
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2025-26માં ખાદી અને ગ્રામીણ ઉદ્યોગનાં ઉત્પાદનોનું વેચાણ આગલા નાણાકીય વર્ષનાં રૂ. 1,70,551.37 કરોડની સરખામણીમાં રૂ. 1,87,105 કરોડની ઐતિહાસિક વિક્રમ સપાટીએ રહ્યું હોવાનું તેમ જ વર્ષ 2013-14નાં રૂ. 31,154 કરોડની તુલનામાં તો અનેકગણું વધ્યું હોવાનું ખાદી ઍન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઈસી)એ તાજેતરમાં આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

અત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા કેવીઆઈસીનાં ચેરમેન મનોજ કુમારે વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં વેચાણ વધીને રૂ. 2.51 લાખ કરોડની સપાટીએ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગનું વર્ષ 2013-14માં ઉત્પાદન જે માત્ર રૂ. 26,109 કરોડના સ્તરે રહ્યું હતું તે ગત નાણાકીય વર્ષ 2025-26માં અંદાજે પાંચ ગણું અથવા તો 380 ટકા વધીને રૂ. 1,25,296 કરોડની સપાટીએ રહ્યું હતું. 

વધુમાં તેમણે રોજગાર પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગમાં વર્ષ 2013-14માં રોજગારનું સ્તર જે 1.3 કરોડની સપાટીએ હતું કે વર્ષ 2025-26માં 56 ટકાની વૃદ્ધિ સાથે 2.04 કરોડની સપાટીએ રહ્યો હતો, જે ગ્રામીણ જીવનમાં ઉદ્યોગની મહત્ત્વની ભૂમિકાનો નિર્દેશ આપે છે. ગત નાણાકીય વર્ષ 2025-26માં વડા પ્રધાનના રોજગાર સર્જન કાર્યક્રમ (પ્રાઈમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ-પીએમઈજીપી) હેઠળ 66,494 નવા એકમો સ્થાપવામાં આવ્યા હતા. એને આ એકમો માટે માર્જિન મની સબસિડી પેટે રૂ. 7375 કરોડની લોન સામે રૂ. 2457 કરોડ છૂટાં કરવામાં આવ્યા હતા. તેમ જ આ એકમો મારફતે 7,31,434 લોકોને રોજગારીની તક પૂરી પાડવામાં આવી હોવાનું કેવીઆઈસીએ યાદીમાં ઉમેર્યું હતું.