મિડિલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈનને હચમચાવી દીધી છે. યુદ્ધની ગંભીર અસરોને જોતા અગ્રણી તેલ ઉત્પાદક દેશો સાવચેતીના પગલા ભરી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની અછત સર્જાય તેવી ભીતિ છે. કતાર બાદ હવે કુવૈતે પણ તેલ ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરતા વૈશ્વિક સ્તરે આર્થિક તણાવમાં વધારો થયો છે. આ સ્થિતિને કારણે ભારત સહિત અનેક તેલ આયાતકાર દેશોની નજર હવે આગામી સપ્લાય પર ટકેલી છે.
7 માર્ચના રોડ કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પર વધતા સુરક્ષા જોખમોને કારણે તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાન તરફથી થઈ રહેલા હુમલાઓ અને દરિયાઈ માર્ગે જહાજોની અવરજવરમાં ઉભા થયેલા અવરોધોને પગલે આ એહતિયાતી પગલું લેવાયું છે. ફેબ્રુઆરીમાં દરરોજ 26 લાખ બેરલ ઉત્પાદન કરનાર કુવૈતના આ નિર્ણયથી ગ્લોબલ એનર્જી માર્કેટમાં સપ્લાય ઘટવાની પૂરેપૂરી શક્યતા છે.
વિશ્વના કુલ તેલ પરિવહનનો 20% હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ માર્ગ તેલ ટેન્કરો માટે જોખમી બનતા ઈરાક અને કતાર જેવા દેશોએ પણ પોતાના નિકાસ રૂટમાં ફેરફાર કર્યા છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ ઉત્પાદન ઘટાડનાર આગામી દેશ બની શકે છે. ઉર્જા નિષ્ણાતોના મતે, સમુદ્રી માર્ગો પરનો આ ગતિરોધ તેલના ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે.
આ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં પાકિસ્તાન સૌથી ખરાબ રીતે ફસાયું છે. એક તરફ કતારે પાકિસ્તાનને અપાતી LNG સપ્લાય રોકવાની નોટિસ આપી છે, તો બીજી તરફ કુવૈતના તેલ કાપથી તેના પર 'દોહરી માર' પડી છે. પાકિસ્તાન પોતાની 99% ગેસ જરૂરિયાત માટે કતાર અને તેલ માટે કુવૈત પર નિર્ભર છે. પાકિસ્તાનના ફેડરલ એનર્જી મિનિસ્ટર અલી પરવેઝ મલિકે પણ સ્વીકાર્યું છે કે આ સ્થિતિ દેશમાં ગંભીર એનર્જી ક્રાઈસિસ ઉભી કરશે. પાડોશી દેશ પાસે હવે માત્ર ગણતરીના દિવસોનો જ સ્ટોક બચ્યો છે.