ભુજઃ રણપ્રદેશ કચ્છના વાગડ વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ એક ઐતિહાસિક અને માનવીય સંવેદનાસભર પરિવર્તન જોવા મળ્યું છે. આઝાદીના પોણો દાયકા કરતા પણ વધુ સમય બાદ, રાસાજી ગઢડા ગ્રામ પંચાયત હેઠળની છેવાડાની નોઘરાઈ વાંઢમાં પહેલીવાર નર્મદાના નીર પહોંચતા પારકરા કોલી સમુદાયના પરિવારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
નોઘરાઈ વાંઢમાં વસતા ૧૧ પરિવારોના અંદાજે ૭૦ જેટલા લોકો અત્યાર સુધી વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત હતા. ખેતીની જમીન ન હોવાથી મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા આ લોકો માટે પીવાનું પાણી મેળવવું એ જ મોટો પડકાર હતો. રોજ ૨ કિલોમીટર દૂર ચાલીને માથે બેડા ઉપાડી પાણી લાવવું પડતું હતું. તળાવ કે વીરડાનું પાણી ખૂટી જાય ત્યારે મોંઘા ટેન્કર પર નિર્ભર રહેવું પડતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સમર્થ સંસ્થા, પાણી પુરવઠા વિભાગ અને રાસાજી ગઢડા ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પાણી પુરવઠા વિભાગ દ્વારા દૂર સુધી પાઈપલાઈન બિછાવી પાણી પહોંચાડ્યું જયારે સમર્થ સંસ્થાએ પાણીના સંગ્રહ માટે ટાંકીનું નિર્માણ અને મોટર કાર્યની જવાબદારી ઉપાડી જયારે ગ્રામ પંચાયતે સમગ્ર પ્રકલ્પમાં વહીવટી અને સ્થાનિક સહયોગ પૂરો પાડ્યો.
રાજ્યભરમાં જ્યારે અકળાવનારી ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ઉનાળાની આકરી તપન શરૂ થાય તે પૂર્વે જ નોઘરાઈ વાંઢના આંગણે નર્મદાના નીર પહોંચતા લોકોએ હર્ષની લાગણી સાથે આ ભગીરથ કાર્ય કરનાર તમામ સંસ્થાઓનો આભાર માન્યો છે. આ સફળતા એ વાતનું પ્રતીક છે કે જ્યારે સામુદાયિક ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્ર હાથ મિલાવે છે, ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરિવર્તનના મશાલ પ્રગટાવી શકાય છે