Tue Aug 18 2026

Logo

કચ્છના રાપરમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

2026-08-09 16:51:19
Author: Chandrakant Kanoja
Article Image

ભુજ: કચ્છના સીમાવર્તી રાપર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારની બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે  1.34  વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 15 કિલોમીટર દૂર સ્થિત હતું.

જાનમાલને નુકશાની થયાના અહેવાલો નહિ 

ડરામણા અવાજ સાથે આવેલા આંચકાને પગલે કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.આજના ભૂકંપના આંચકાને લઈને કોઈ જાનમાલને નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થતા નથી. 

કચ્છ 'વેરી હાઈ રિસ્ક' સીસ્મિક ઝોન

ઉલ્લેખનીય છે કે, કચ્છ 'વેરી હાઈ રિસ્ક' સીસ્મિક ઝોન'માં આવેલો પ્રદેશ છે અને અહીં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. કચ્છમાં વર્ષ 2001માં નોંધાયેલો વિનાશકારી ભૂકંપ ભારતમાં છેલ્લા 200  વર્ષમાં આવેલો ત્રીજો સૌથી ભયાવહ મોટો ભૂકંપ હતો જેમાં સેંકડો લોકોના મોત થયા હતાં.

(ઉત્સવ વૈધ)