નવી દિલ્હી : કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઇ છે. આ અંગે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એકસ પર પોસ્ટ કરીને આનો શ્રેય પીએમ મોદીને આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનને આપવામાં આવી રહ્યો છે
આ અંગે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, જૂન 2010 માં તત્કાલીન પર્યાવરણ મંત્રી તરીકે તેમણે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. જેમાં તેમને કચ્છના ઘાસના મેદાનોમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) ની વસ્તી વધારવા માટે સંરક્ષણ પ્રયાસો હાથ ધરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને બચાવવાની પહેલનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનને આપવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિચાર તેમને સૌપ્રથમ 2011 માં આવ્યો હતો. જયરામ રમેશે કહ્યું કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાવસાયિકો વાસ્તવિક પૃષ્ઠભૂમિથી સારી રીતે વાકેફ છે.
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાની માંગ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, માર્ચ 1961માં ભારતના મહાન પક્ષીશાસ્ત્રી, સલીમ અલીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે કારણ કે તે લુપ્ત થવાના આરે હતું, જોકે, ડિસેમ્બર 1963 માં મૈસુરના જયચામરાજેન્દ્ર વાડિયારની અધ્યક્ષતામાં ભારતીય વન્યજીવન બોર્ડે ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોસર મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કર્યો.
વર્ષ 2010 માં નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો
આ ઉપરાંત કોંગ્રેસના નેતા રમેશે જણાવ્યું હતું કે વર્ષ 2010 માં નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિ છે. ગુજરાતમાં કચ્છના ઘાસના મેદાનો આ પ્રજાતિના પુનરુત્થાનની સંભાવના ધરાવતા છેલ્લા બાકી રહેલા વિસ્તારોમાંનો એક છે. તેમજ વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં સરકારી ગૌચર જમીનને ખેતીમાં તબદીલ થતાં અટકાવો. તેમજ જો આમાં દરમિયાનગીરી કરવામાં આવે નહિ આવે તો ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ લુપ્ત થવાની સંભાવના છે.