Sat Sep 12 2026

Logo

કચ્છ ભાજપમાં ગાબડું: ગાંધીધામના પૂર્વ ઉપપ્રમુખ રમેશ મ્યાત્રાએ કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો

2026-04-11 11:07:00
Author: Mumbai samachar Team
કચ્છ ભાજપમાં ગાબડું: ગાંધીધામના પૂર્વ ઉપપ્રમુખ રમેશ મ્યાત્રાએ કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો

ભુજઃ કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક ભડકો જોવા મળી રહ્યો છે. અંજાર બાદ હવે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ મ્યાત્રાએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના રાજકારણમાં મોટું કદ ધરાવતા રમેશભાઈ મ્યાત્રાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા યજુવેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રમેશભાઈના આ પક્ષપલટાથી ગાંધીધામ શહેર અને તાલુકા ભાજપમાં સોપો પડી ગયો છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂર્વ પદાધિકારીનું પક્ષ છોડવું એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.

નોંધનીય છે કે, હજુ ચાર દિવસ પહેલા જ અંજાર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન દીપક આહીરે પણ ભાજપને રામ-રામ કરી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. એક પછી એક બે મોટા પૂર્વ પદાધિકારીઓના કોંગ્રેસમાં પ્રવેશથી કચ્છના રાજકીય સમીકરણો બદલાયા છે.

કચ્છમાં આગામી દિવસોમાં એક મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપના પાયાના અને પૂર્વ પદાધિકારીઓ જ્યારે ચૂંટણી ટાણે જ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે તેની સીધી અસર મતદાન પર પડવાની સંભાવના રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)