નખત્રાણા: કચ્છના નખત્રાણામાં નશો કરવા માટે ઈથેનોલયુક્ત હેન્ડ સેનિટાઈઝરનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં તાલુકા મથકે ચાની કીટલીઓ અને કોલ્ડ્રિંક્સની દુકાનો પરથી 60 ટકા 'ડીનેચર્ડ ઈથેનોલ' ધરાવતી હેન્ડ સેનિટાઈઝરની બોટલોનું નશા માટે વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.
જેમાં ચોક્કસ બાતમીને આધારે નખત્રાણા પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ વેપારી મથકો પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં વિશ્વકર્મા માર્કેટ સ્થિત બાપા સીતારામ કોમ્પ્લેક્સમાં આવેલી 'શિવ ઓમ શક્તિ ટી સ્ટોલ', મંગવાણા ચોકડી પાસેની 'મન્નત કોલ્ડ્રિંક્સ' અને ઓસીપી માર્કેટમાં આવેલી 'શિવશક્તિ ટી સ્ટોલ' પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન પોલીસે 100 એમ.એલ.ની 40 બોટલ તથા 400 એમ.એલ.ની 114 બોટલ મળીને કુલ રૂ.25,350 ની કિંમતનો સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે.
400 એમ.એલ.ની 114 બોટલો પર કોઈ લેબલ નહોતું
પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ,100 એમ.એલ.ની બોટલો પર 'Faithic Orange Hand Rub' અને 'Denatured Ethanol 60 ટકા' લખેલું લેબલ હતું. જ્યારે 400 એમ.એલ.ની 114 બોટલો પર કોઈ લેબલ નહોતું, પરંતુ તેમાંથી તીવ્ર આલ્કોહોલિક વાસ આવતી હતી.
નશાની લત ધરાવતા લોકો આ બોટલો ખરીદતા
ત્યારે ઝડપાયેલા દુકાનદારોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નશાની લત ધરાવતા લોકો રૂ 150 થી રૂ.175 ની કિંમતે આ બોટલો ખરીદતા હતા. આ ગેરકાયદેસર જથ્થો ગઢશીશાના વિમલસિંહ જાડેજા નામનો શખ્સ સપ્લાય કરતો હોવાનું ખુલવા પામ્યું છે.
મુખ્ય સપ્લાયર તરીકે વિમલસિંહ જાડેજાનું નામ ખૂલ્યું
આ મામલે પોલીસે સ્થાનિક દુકાનદારો જયેશપુરી ગુંસાઈ, મોહમ્મદ જાવેદ અબ્દુલગની ભટ્ટી અને નિકુલ કરસનગીરી ગોસ્વામી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ ગુના દાખલ કર્યા છે. ત્રણેય ગુનામાં મુખ્ય સપ્લાયર તરીકે ગઢશીશાના વિમલસિંહ જાડેજાનું નામ દર્શાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈધ)