નખત્રાણા : કચ્છ અત્યાર સુધી તેના શ્વેત રણ, ભવ્ય હેરિટેજ ઇમારતો અને ધોળાવીરા જેવા ઐતિહાસિક નગરો માટે વિશ્વભરમાં જાણીતો હતો, પરંતુ હવે અહીં હજારો વર્ષ જૂની અદ્યતન મહેમાનગતિના પુરાવા મળતા કચ્છ ફરી એકવાર વિશ્વફલક પર ચમક્યું છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક મહત્વપૂર્ણ અભ્યાસ મુજબ, નખત્રાણા પાસે આવેલું કોટડા ભડલી ગામ સિંધુ ખીણ સંસ્કૃતિના સુવર્ણકાળ દરમિયાન વિશ્વના વેપારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ "કારાવાંસરાય" એટલે કે આધુનિક સુવિધાઓ ધરાવતું મુસાફરખાનું હતું.
કોટડા ભડલી એક એવું વ્યૂહાત્મક સ્થળ હતું
સામાન્ય રીતે ઇતિહાસમાં ધોળાવીરા એક સમૃદ્ધ નગર અને વેપારી કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયેલું છે, પરંતુ 'L'Anthropologie'(2025) જર્નલના તાજેતરના અહેવાલ મુજબ, કોટડા ભડલી એક એવું વ્યૂહાત્મક સ્થળ હતું જ્યાં મધ્ય એશિયા અને વિશ્વના અન્ય દેશોમાંથી આવતા વેપારીઓ વિરામ લેતા હતા. વર્ષ 2009 થી 2013 દરમિયાન નખત્રાણા તાલુકાના આ ગામમાં ચાલેલા પુરાતત્વીય ખોદકામમાં ચોંકાવનારા પુરાવા મળ્યા છે. પુરાતત્વીદોના મતે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાંક વિસ્તાર નહોતો, પરંતુ પ્રાચીન વેપારી માર્ગ પરનું એક સુસજ્જ કેન્દ્ર હતું, જે આજના ‘મોટેલ’ જેવી સુવિધાઓ પૂરી પાડતું હતું.
વાસણો, મણકા અને પકવેલી માટીની બંગડીઓ મળી આવી
ખોદકામ દરમિયાન અહીંથી મળેલા અવશેષોના વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે અહીં મળેલા પ્રાણીઓના હાડકાં સ્થાનિક પશુઓના નથી, જે સાબિત કરે છે કે વેપારીઓ તેમના કાફલા સાથે દૂર-દૂરથી અહીં આવતા હતા. કલાકૃતિઓની વાત કરીએ તો, અહીંથી હડપ્પીય સંસ્કૃતિની લાક્ષણિક મુદ્રાઓ, માટીના વાસણો, મણકા અને પકવેલી માટીની બંગડીઓ મળી આવી છે.
તાંબાની વસ્તુઓ અને પથ્થરના ઓજારો પણ મળી આવ્યા
સૌથી રસપ્રદ બાબત એ છે કે, અહીંથી મળેલા વાસણો પરના રાસાયણિક અવશેષો સૂચવે છે કે તે સમયે પ્રવાસીઓને પીરસવા માટે ડેરી પ્રોડક્ટ્સ અને અનાજનો મોટાપાયે સંગ્રહ કરવામાં આવતો હતો. આ સાઇટ પરથી તાંબાની વસ્તુઓ અને પથ્થરના ઓજારો પણ મળી આવ્યા છે, જે તે સમયના ઉદ્યોગ અને વેપારની સાક્ષી પૂરે છે.
ચોક્કસ સ્થળનો ઉપયોગ ‘કારાવાંસરાય’ તરીકે થતો હોવાના સ્પષ્ટ પુરાવા
ભુજથી આશરે 50 કિલોમીટર દૂર આવેલી આ સાઇટ આશરે ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં આ પ્રકારનું સંશોધન પ્રથમવાર થયું છે જ્યાં કોઈ ચોક્કસ સ્થળનો ઉપયોગ ‘કારાવાંસરાય’ તરીકે થતો હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા હોય. અહીંના અવશેષોના અભ્યાસ પરથી જણાય છે કે તે સમયે વેપારીઓને રહેવા, ખાવા-પીવા તેમજ તેમના કિંમતી માલસામાન અને પશુઓની સુરક્ષા માટે અહીં વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી.
ઇતિહાસની અનેક વણઉકેલાયેલી કડીઓ જોડાવાની આશા
નિષ્ણાતોના મતે આ સંશોધનથી ઇતિહાસની અનેક વણઉકેલાયેલી કડીઓ જોડાવાની આશા છે. કોટડા ભડલી એ ધોળાવીરા અને દરિયાઈ બંદરો વચ્ચેના મુખ્ય માર્ગ પરનું એક મહત્વપૂર્ણ સ્ટોપ હોઈ શકે છે. આ અવશેષો સાબિત કરે છે કે તે સમયની માનવીય સંસ્કૃતિ અને વેપાર પ્રણાલી કેટલી વ્યવસ્થિત અને આધુનિક હતી. આર્કિયોલોજી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પુરાવા એ વાતની સાક્ષી પૂરે છે કે હજારો વર્ષો પહેલાં પણ કચ્છ આંતરરાષ્ટ્રીય વેપારનું ધબકતું કેન્દ્ર હતું.
લાંબા ગાળાના ગહન અભ્યાસના તારણો હવે પ્રકાશમાં
જોકે, આ સાઇટ પર ખોદકામની કામગીરી વર્ષો પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેના નમૂનાઓ પર થયેલા લાંબા ગાળાના ગહન અભ્યાસના તારણો હવે પ્રકાશમાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ અંગેનો સંપૂર્ણ અને વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવશે, જે સિંધુ ખીણ સંસ્કૃતિના અર્થતંત્ર, સામાજિક માળખા અને પ્રાચીન મુસાફરીના ઇતિહાસને એક નવી અને રોમાંચક દ્રષ્ટિ પ્રદાન કરશે તેવું કચ્છના જાણીતા ઇતિહાસવિદ દિલીપરાય વૈદ્યે જણાવ્યું હતું.
(ઉત્સવ વૈધ)