Sat Sep 05 2026

Logo

મુન્દ્રા ગુંદાલામાં લૂંટ: વેપારી પર હુમલો કરી રૂ. ૪૫ હજાર પડાવ્યા, AAPના નેતાનું નામ ખુલતા ચકચાર

2026-05-23 15:12:00
Author: Mayur Patel
મુન્દ્રા ગુંદાલામાં લૂંટ: વેપારી પર હુમલો કરી રૂ. ૪૫ હજાર પડાવ્યા, AAPના નેતાનું નામ ખુલતા ચકચાર

Ai Image


ભુજઃ  મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં ખાલી બેરલનો વ્યવસાય કરતા એક વેપારીને આંતરી, ઢોરમાર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૪૫,૦૦૦ની રોકડ રકમની લૂંટ ચલાવવાના ચકચારી બનાવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના એક અગ્રણી નેતા સહિત ચાર શખ્સો સામે મુંદરા પોલીસ મથકે લૂંટ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, ગુંદાલામાં ખાલી બેરલની ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા અબ્દુલ ગફુર આમદ હાલેપોત્રા નામના વેપારીએ આ ગુના અંગે આરોપી આરીફ, હરી સુમાર ગઢવી, સંજય બાપટ અને માણેક ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે, ગઈકાલે બપોરના અરસામાં આરોપી આરીફ અને હરી સુમાર ગઢવી ફરિયાદી વેપારી પાસે આવ્યા હતા. તેમણે 'તું અહીં ખોટા ધંધા કરે છે' તેમ કહીને અચાનક ગાળાગાળી કરી બોલાચાલી શરૂ કરી હતી અને વેપારી પર હુમલો કરી માર માર્યો હતો.

હુમલાખોરોએ વેપારીને ધમકાવતા જણાવ્યું હતું કે, 'અમને સંજય બાપટ અને માણેક ગઢવીએ મોકલ્યા છે' તેમ કહી નાણાંની ઉઘરાણી કરી હતી. જ્યારે ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ વેપારી પર તૂટી પડી તેના ખિસ્સામાં રહેલા વેપારના રૂ. ૪૫,૦૦૦ રોકડા બળજબરીપૂર્વક ઝૂંટવી લીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ આરોપીઓએ અગાઉ પણ ટેલિફોન પર ધમકીઓ આપીને નાણાંની માંગણી કરી હતી.

આ લૂંટ અને હુમલાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના નેતાની સંડોવણી હોવાની વિગતો બહાર આવતાં રાજકીય તેમજ સ્થાનિક સ્તરે ભારે ગરમાવો આવી ગયો છે. 

બીજી તરફ, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર 'આપ'ના નેતા ઉપર હુમલો થયો હોવાના દાવા સાથેના કેટલાક વીડિયો પણ વાયરલ થતાં સમગ્ર મામલો શંકાના દાયરામાં અને ચર્ચાસ્પદ બન્યો છે. મુંદરા પોલીસે અબ્દુલ ગફુરની ફરિયાદના આધારે આ લૂંટના બનાવ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વાયરલ વીડિયો સહિતના તમામ પાસાઓ પર વધુ તપાસ ચલાવી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)