ભુજઃકચ્છના વિશાળ દરિયાકાંઠે અત્યાર સુધી માછીમારી અને ચેરિયા એટલે કે,મેન્ગ્રોવ સંરક્ષણ જ મુખ્ય પ્રવૃત્તિ રહ્યા છે, પરંતુ હવે સમુદ્રી ક્ષેત્રે નવી આર્થિક ક્રાંતિના મંડાણ થઈ રહ્યા છે. અબડાસા તાલુકાના જખૌ ખાતે મેન્ગ્રોવ નર્સરીની સાથે-સાથે 'સીવીડ' -દરિયાઈ શેવાળના બીજ સંવર્ધન અને ખેતીને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉચ્ચ અધિકારીઓએ જખૌ ખાતે કાર્યરત સીવીડ સીડ બેન્કની રૂબરૂ મુલાકાત લઈ આ નવીન ખેતી સાથે જોડાયેલા સ્થાનિક સાગરખેડૂતો અને લાભાર્થીઓ સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં મેન્ગ્રોવ પુનઃસ્થાપન માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૬-૨૭ સુધીના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં વિક્રમી ૨૭,૬૫૨ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું સફળ વાવેતર પૂર્ણ કરી લેવાયું છે. આ વાવેતરમાં એકલા સંવેદનશીલ અને સરહદી કોરીક્રીક વિસ્તારના ૧૨,૪૫૦ હેક્ટરનો સમાવેશ થાય છે. હાલ જખૌ સ્થિત નર્સરી ખાતે આશરે ૩.૪૯ લાખ જેટલા મેન્ગ્રોવના તંદુરસ્ત રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
મેન્ગ્રોવ માત્ર દરિયાકાંઠાનું ધોવાણ અને વાવાઝોડા સામે રક્ષણ જ નથી આપતા, પરંતુ માછલીઓ અને વિવિધ જળચર જીવો માટે સુરક્ષિત નર્સરી તથા આવાસ પણ પૂરું પાડે છે, જેનાથી સમગ્ર દરિયાઈ પર્યાવરણ સંતુલિત રહે છે.
મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ સાથે સીવીડની ખેતી એક મહત્વપૂર્ણ નવી કડી બનીને ઊભરી રહી છે. વૈશ્વિક બજારમાં વિવિધ ઔદ્યોગિક, ઔષધીય અને ખાદ્ય ઉત્પાદનો માટે સીવીડની ભારે માંગ રહેતી હોવાથી તેને 'દરિયાઈ લીલું સોનું' ગણવામાં આવે છે.
જો સ્થાનિક સાગરખેડૂતોને યોગ્ય જાતો, અદ્યતન ટેકનોલોજી અને સીધું બજાર પૂરું પાડવામાં આવે તો માછીમારી પરની નિર્ભરતા ઘટી શકે છે અને કાંઠાના પરિવારો માટે કાયમી વધારાની આવક ઊભી થઈ શકે છે. આ ક્ષેત્રના પૂર્ણ વિકાસ માટે સંશોધન, તાલીમ અને સ્થાનિક સમુદાયોની સક્રિય ભાગીદારી અનિવાર્ય બની રહેશે. કચ્છનો દરિયો હવે માત્ર પરંપરાગત માછીમારી પૂરતો મર્યાદિત ન રહેતાં બ્લુ ઇકોનોમી અને નવી આજીવિકાનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)