Tue Aug 25 2026

Logo

અછતના ઓળા વચ્ચે રાપર તાલુકામાં સાત ઇંચ વરસાદ: વાગડ પંથકમાં હરખની હેલી

2026-07-25 11:17:00
Author: Mumbai Samachar Team
અછતના ઓળા વચ્ચે રાપર તાલુકામાં સાત ઇંચ વરસાદ: વાગડ પંથકમાં હરખની હેલી

 
ભુજઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણ અને રાજ્ય પર સક્રિય ચાર જેટલી વરસાદી સિસ્ટમના પ્રભાવથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. અછતના ઓળા વચ્ચે વાગડ પંથકમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતાં રાપર તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભચાઉમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ મહેરથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો અને માલધારીઓમાં હરખની હેલી ફરી વળી છે.

સીમાવર્તી રાપર તાલુકામાં ગત ગુરુવાર રાત્રિથી શરૂ થયેલો વરસાદ સતત જારી રહેતાં મોસમનો કુલ વરસાદ ૧૦ ઇંચે પહોંચ્યો છે, જે જિલ્લામાં સૌથી વધુ છે. આ વરસાદથી ગાગોદરનું ખેંગારસર તળાવ ઓવરફ્લો થયું છે, જ્યારે ભીમાસરનું તળાવ, બેલાની સારણ નદીના ચેકડેમ અને માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખડીર પંથકમાં વરસાદ થતાં અછતની સ્થિતિ ટળી ગઈ છે અને માલધારીઓને ઘાસચારાની મોટી રાહત મળી છે. આડેસર અને મોડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં રહીશોને મુશ્કેલી પડી હતી.

જિલ્લા મથક ભુજમાં વહેલી પરોઢથી દિવસભર ક્યારેક ઝરમર તો ક્યારેક હળવા ઝાપટાં રૂપે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારો જેવા કે કોટડા, લેર, કુકમા, દહીંસરા અને પદ્ધર પંથકમાં પણ ધીમીધારે મેઘમહેર થઈ હતી. અંજાર પંથકમાં બે દિવસ દરમિયાન એક ઇંચ જેટલો ખેતી ઉપયોગી વરસાદ વરસતાં કપાસ, મગફળી અને તલના વાવેતરને નવું જીવન મળ્યું છે. માંડવી, મુંદરા, બન્ની અને નખત્રાણા તાલુકામાં અડધાથી પોણો ઇંચ જેટલો હળવો વરસાદ નોંધાયો હતો.

આ વરસાદથી કપાસ, મગફળી સહિતના ઉભા પાકને સંજીવની મળી છે. જોકે, વરસાદની સાથે ભુજ, કુકમા, અંજાર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

(ઉત્સવ વૈદ્ય)