Sat Jun 27 2026

Logo

સિંધ પ્રાંતમાં પડી રહેલી ભીષણ ગરમીની અસર કચ્છ પર: ભુજ-નલિયામાં હિટ ઇન્ડેક્સ ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો

2026-06-13 13:17:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હાલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેના પગલે રણપ્રદેશમાં પણ હિટવેવની વ્યાપક અસર વર્તાઈ રહી છે. 

ભુજ અને નલિયા સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીથી ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સિંધ પર સર્જાયેલી 'હીટ લો પ્રેશર' સિસ્ટમના કારણે કચ્છમાં વેગીલા ભેજયુક્ત ગરમ લૂ ફૂંકાઈ રહી છે. આ આકરી ગરમીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો અને શ્રમિકોને બપોરના સમયે ખુલ્લામાં કામ કરવાનું ટાળવા તેમજ જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોના મતે, સિંધમાં પ્રવર્તી રહેલી આ હીટવેવ આબોહવા પરિવર્તન તરફ ઈશારો કરે છે, જેના કારણે આ સમગ્ર પ્રદેશમાં ગરમીની તીવ્રતા અને તેનો સમયગાળો સતત વધી રહ્યા છે.

બીજી તરફ, કચ્છ સરહદથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકબાબાદ, સક્કુર અને હૈદરાબાદ સહિતના શહેરોમાં દિવસનું તાપમાન સતત ૪૩°C થી ૪૫°C ની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ગત ૧૨ જૂનના રોજ જેકબાબાદમાં ૪૫.૪°C અને સક્કુરમાં ૪૪.૮°C તાપમાન નોંધાયું હતું. કરાચી જેવા દરિયાકાંઠાના મહાનગરમાં  ભેજના ઊંચા પ્રમાણમાં કારણે બફારો વધતા 'ફીલ્સ લાઈક' એટલે કે  અનુભવાતું તાપમાન ૪૮થી ૫૦ ડિગ્રી  સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી સિંધ અને બલુચિસ્તાન પંથકમાં ગરમીનું આ જ સામ્રાજ્ય બરકરાર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ રહેશે અને હાલ સુપર અલનીનોને કારણે   વરસાદની કોઈ જ શક્યતા દેખાતી નથી.

આ અસહ્ય ગરમીના કારણે સિંધ પ્રાંતમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તાપમાનમાં અચાનક થયેલા અસહ્ય વધારાને કારણે એર કંડિશનર અને કૂલરનો વપરાશ વધતા વીજ ગ્રીડ પરનું ભારણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે. પરિણામે, સિંધના ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક ૮ થી ૧૦ કલાક સુધીનો આકરો વીજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. 

હોસ્પિટલોમાં ડિહાઇડ્રેશન, હીટ એક્ઝોશન અને હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, અસહ્ય ગરમીના લીધે સિંધુ નદીમાં પાણીનું સ્તર ઘટતા પીવાના પાણી અને સિંચાઈની કટોકટી સર્જાઈ છે, જેના કારણે કપાસ અને શેરડી જેવા ઊભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)