Sat Sep 05 2026

Logo

કચ્છ જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં ૮૯૫૧ કરોડનું ચૂકવણું: ગત વર્ષ કરતા ૪૫૧ કરોડનો વધારો

2026-04-01 14:38:00
Author: Mumbai samachar Team
કચ્છ જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં ૮૯૫૧ કરોડનું ચૂકવણું: ગત વર્ષ કરતા ૪૫૧ કરોડનો વધારો

ભુજઃ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના હિસાબ-કિતાબની કામગીરી પૂર્ણ થતાની સાથે જ કચ્છ જિલ્લાની મુખ્ય અને પેટા તિજોરી કચેરીઓના આંકડા સામે આવ્યા છે. ભુજ સ્થિત મુખ્ય જિલ્લા તિજોરી કચેરી અને ૯ પેટા તિજોરી કચેરીઓ દ્વારા આ વર્ષ દરમિયાન કુલ રૂા. ૮૯૫૧ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. ગત વર્ષના ૮૫૦૦ કરોડના આંકડાની સરખામણીએ આ વર્ષે રૂા. ૪૫૧ કરોડનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


હિસાબી વર્ષના અંતિમ દિવસે જિલ્લાની તમામ તિજોરી કચેરીઓમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. રવિવારે મહાવીર જયંતીની જાહેર રજા હોવા છતાં, ખાસ કિસ્સામાં તિજોરી કચેરીઓ અને સંલગ્ન બેંકોની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સત્તાવાર આંકડા મુજબ, મુખ્ય જિલ્લા તિજોરી કચેરી ખાતે ૨૭,૯૯૫ બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં ૧૫,૩૩૮ મળી કુલ ૪૩,૩૩૩ બિલોનું ચૂકવણું કરાયું હતું. માત્ર માર્ચ મહિનામાં જ ૫૯૩૬ બિલો પેટે રૂા. ૮૩૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે બિલોની સંખ્યા ૪૪,૨૧૦ હતી, જેની સરખામણીએ આ વર્ષે બિલની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ચૂકવણાની રકમમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી નાણાકીય ચૂકવણામાં સતત વધારો થવાનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગતિવિધિઓને કારણે સરકારી ખર્ચ અને ચૂકવણાના આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં પણ ઇ-પેમેન્ટ અને ઓનલાઇન ચૂકવણાનું પ્રમાણ સર્વોચ્ચ રહ્યું છે. કુલ ચૂકવણામાં અંદાજે ૯૦ ટકા જેટલો હિસ્સો ઓનલાઇન માધ્યમથી થયો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. આ ચૂકવણામાં સરકારી કચેરીઓના બિલો, ગ્રાન્ટ, ટીસી (ટ્રાન્સફર ક્રેડિટ) અને એલ.સી. (લેટર ઓફ ક્રેડિટ) સહિતના તમામ નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે. 

(ઉત્સવ વૈદ્ય)