Fri Jun 19 2026

Logo

કચ્છના દરિયાકાંઠે મેગા ડ્રગ્સ સર્જિકલ સ્ટ્રાઈક: રૂ ૧૦૦૦ કરોડનું ૧૧૫ કિલો કોકેઈન ઝડપાયું

2026-05-27 13:32:00
Author: mumbai samachar team
Article Image

ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પૂર્વે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં; આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાવતરું નિષ્ફળ

ભુજઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની કચ્છની  મુલાકાત પૂર્વે જ ભારતીય જળસીમામાં સુરક્ષા એજન્સીઓએ એક સંયુક્ત મેગા ઓપરેશન પાર પાડીને નશાના કાળા કારોબાર પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. એક સચોટ અને ગુપ્ત ઇનપુટના આધારે અફાટ સમુદ્રમાં ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આશરે રૂ ૧૦૦૦ કરોડની કિંમતનું ૧૧૫ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું છે. દિલ્હીમાં રહેતા બે નાઈજીરીયન સહિત ત્રણની અટકાયત કરવામાં આવી હતી. બ્રાઝીલથી ડ્રગ્સનો જથ્થો લોડ કરાયો હોવાનું પણ સામે આવ્યું હતું.

પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, ગુજરાત દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી સુરક્ષા એજન્સીઓને મળી હતી. જેના આધારે  ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ  ભારતીય કોસ્ટગાર્ડ,સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં વ્યુહાત્મક વોચ ગોઠવીને એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. જહાજની વ્યાપક તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બેગમાં છુપાવીને રાખવામાં આવેલો ૧૧૫ કિલો કોકેઈનનો આ અબજો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.

અત્યારસુધીની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ નેટવર્કના તાર સીધા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા છે. આ માદક પદાર્થનો જથ્થો યુરોપના દેશોમાંથી સમુદ્ર માર્ગે ભારત તરફ લવાઈ રહ્યો હતો. આ જથ્થો માદક પદાર્થો ઘુસાડવા માટે ગોલ્ડન ગેટ-વે બની ચૂકેલા કચ્છના દરિયાકાંઠે ઉતાર્યા બાદ સડક માર્ગે દેશની રાજધાની દિલ્હી ખાતે સપ્લાય કરવાનો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગૃહ પ્રધાનની મુલાકાત અગાઉ જ આટલો મોટો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. આ વૈશ્વિક ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ કયા આંતરરાષ્ટ્રીય માફિયાઓ સક્રિય છે, ભારતમાં આ જથ્થો કોણ સ્વીકારવાનું હતું અને સ્થાનિક સ્તરે આ નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે, તે દિશામાં ગુજરાત એટીએસ સહિતની કેન્દ્રીય એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)