Sun Aug 23 2026

Logo

કચ્છના ભચાઉના રામપરમાં રાત્રે 30 શખ્સોનો હથિયારો સાથે આતંક, ફાયરિંગથી ફફડાટ

2026-03-27 21:17:00
Author: Chandrakant Kanoja
Article Image

રામપર : કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભચાઉ તાલુકાનું રામપર ગામ રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. જૂની અદાવતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા 30  જેટલા શખ્સોના ટોળાએ ગામમાં ભારે આતંક મચાવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 તોફાની ટોળાએ અચાનક ગામમાં ધસી આવી તોડફોડ શરૂ કરી 

મળતી માહિતી મુજબ, લાકડીઓ, પાઈપો અને ધારદાર હથિયારો સાથે સજ્જ થઈને આવેલા તોફાની ટોળાએ અચાનક ગામમાં ધસી આવી તોડફોડ શરૂ કરી દીધી હતી. હુમલાખોરોએ રહેણાંક મકાનો પર અંધાધૂંધ પથ્થરમારો કર્યો હતો અને શેરીમાં પડેલા અનેક વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ હિંસક હુમલા દરમિયાન હવામાં ત્રણ-ચાર રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. 

વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ

 જેને પગલે શાંત ગ્રામીણ વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરોનો આતંક અને હથિયારોનું પ્રદર્શન સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાનું બહાર આવ્યું

પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ફરી ન બને તે હેતુથી રામપર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.