Tue Sep 08 2026

Logo

કચ્છના લાખાપુરમાં વૃદ્ધને ઢોરમાર મારી સરઘસ કાઢ્યું, 21 સામે ગુનો દાખલ, જાણો શું છે સમગ્ર મામલો...

2026-07-30 15:09:17
Author: Vimal Prajapati
કચ્છના લાખાપુરમાં વૃદ્ધને ઢોરમાર મારી સરઘસ કાઢ્યું, 21 સામે ગુનો દાખલ, જાણો શું છે સમગ્ર મામલો...

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના લાખાપર ગામે દલિત સમાજ વિશે કથિત રીતે અપશબ્દો બોલનારા એક 62 વર્ષીય વૃદ્ધને ઢોરમાર મારી, કપડાં ફાડી, ગળામાં જૂતાંનો હાર પહેરાવી ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હોવાની ચકચારભરી ઘટના સામે આવી છે. સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અંજાર પોલીસે પીડિતની ફરિયાદના આધારે 21 લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, ચાંદ્રાણી (કોટડા) ગામે રહેતા અને દુધઈની ગરમ મસાલા કંપનીમાં નોકરી કરતા 62 વર્ષીય દેવજીભાઈ નારણભાઈ બાલાસરા ગત ૨૩ જુલાઈના રોજ લાખાપર ગામે જીરું ખરીદવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે વાહનમાં ડ્રાઈવર સાથે વાતચીતમાં દેવજીભાઈએ સ્થાનિક યુવક કપિલ બાબુ વાઘેલાની જાતિને લઈને અનુસૂચિત જાતિ વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. અજાણતાં જ ચાલુ રહી ગયેલા કોલના કારણે આ વાતચીત સાંભળી ગયેલા કપિલ વાઘેલાએ તેનો ઓડિયો રેકોર્ડ કરી લીધો હતો અને એટ્રોસિટીની ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.

સમાધાનના બહાને બોલાવી ઢોર માર માર્યો

ફરિયાદ પ્રમાણે, સમાધાનના બહાને દેવજીભાઈને લાખાપર ગામે બોલાવવામાં આવ્યા હતા. સાંજના સમયે દેવજીભાઈ લાખાપર પહોંચતાં કપિલ વાઘેલા તથા અન્ય 20 જેટલા લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ ગાળાગાળી કરી, ઢોરમાર મારી તેમના કપડાં ફાડી નાખ્યા હતા. એટલું જ નહીં, દેવજીભાઈના ગળામાં બૂટ-ચપ્પલનો હાર પહેરાવીને કપિલના ઘરથી મંદિર સુધી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાથી ડરી ગયેલા દેવજીભાઈના ડ્રાઈવરે સ્થળ પરથી ગાડી લઈને ભાગી જવું પડ્યું હતું.

કપિલ વાઘેલા અને 20 અજાણ્યા લોકો સામે ફરિયાદ

ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. શરૂઆતમાં ડરના માર્યા ફરિયાદ ન નોંધાવનાર વૃદ્ધે હિંમત કરીને અંજાર પોલીસ મથકે કપિલ વાઘેલા અને 20 અજાણ્યા લોકો સામે ગેરકાયદે મંડળી રચી, કાવતરું ઘડી માર મારી ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)