Wed Sep 09 2026

Logo

અંજારના સતાપર નજીક કેમિકલમાંથી નકલી વોડકા બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ: ૮.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત, ૨ શખ્સોની ધરપકડ

2026-06-25 14:57:00
Author: Mumbai Samachar Team
અંજારના સતાપર નજીક કેમિકલમાંથી નકલી વોડકા બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ: ૮.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત, ૨ શખ્સોની ધરપકડ

Representative image


ભુજઃ પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા અંજારના સતાપર ગામની સીમમાં સ્થિત  એક વાડાની ઓરડી પર દરોડો પાડીને કેમિકલ અને એસેન્સમાંથી નકલી ઈંગ્લિશ દારૂ (વોડકા) બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગોવર્ધન ટેકરીથી સતાપર જવાના માર્ગ પર આવેલા વાડા પર દરોડો પાડીને બે શખ્સોને જામુન ફ્લેવરની નકલી વોડકા બનાવતા રંગેહાથ ઝડપી લીધા હતા.

દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી ૨૦૦ લિટરના બેરલોમાં રાખેલું ૬૦૦ લિટર પાણી જેવું કેમિકલ, દારૂ જેવા રંગવાળું ૨૦૦ લિટર કેમિકલ, ૩૦ લિટર દ્રાવણ, જાંબલી રંગનું એસેન્સ તેમજ આ કેમિકલમાંથી તૈયાર કરાયેલો ૩૦૦ લિટર નકલી વોડકા દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 'મેજિક મોમેન્ટ્સ' બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની ભરેલી ૧,૦૫૬ પ્લાસ્ટિકની બાટલીઓ, ૬,૩૦૦ ખાલી બાટલીઓ, ઈલેક્ટ્રિક ફિલીંગ મશીન, બોટલો સીલ કરવાનું મશીન, બુચ, બ્રાન્ડેડ કંપનીના નકલી સ્ટીકર અને હોલોગ્રામ સહિત કુલ રૂા. ૮.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેમિકલ કેટલું ઘાતક છે તેની તપાસ માટે પોલીસે ફોરેન્સિક લેબના  નિષ્ણાતોને સાથે રાખીને સેમ્પલ લેવડાવ્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી સતાપર ગામના સુનિલ શામજી માતા અને રમજાન હમીર કાસમ જુણેજા (બંનેની ઉંમર ૨૬ વર્ષ)ની ધરપકડ કરી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં અંતરજાળના કિશોર નાગજી વ્યાસ અને આદિપુરના કેસરનગરના રાજેશ ઊર્ફે રાજુ રઘુ પ્રજાપતિની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. એલસીબીના પી.આઈ જે.એમ. વાળા અને પીએસઆઈ ડી.જી. સહિતની ટુકડીએ આ સફળ કામગીરી પાર પાડીને  ફરાર અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં અગાઉ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચાલતી નકલી દારૂની ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે. 

અગાઉ માર્ચ ૨૦૧૮માં આદિપુર પોલીસે અંતરજાળની બાલાજી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડીને 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી વ્હિસ્કીના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે દરોડાની ગંધ આવી જતાં બૂટલેગર સુરેશ કરસન ચાવડા (આહીર) અને રાજુ પ્રજાપતિ નાસી છૂટ્યા હતા. અગાઉના એ દરોડામાં નાસી ગયેલા આ જ રાજુ પ્રજાપતિ સહિતના સાગરીતોએ સતાપરની આ નકલી દારૂની ફેક્ટરી શરૂ કરી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. 

(ઉત્સવ વૈદ્ય)