ભુજ: જે રણ પ્રદેશમાં આજે એક દિવસ વિતાવવો મુશ્કેલ છે, ત્યાં એક સમયે મીઠા પાણીના વહેણ હતા અને હરિયાળી ખેતી લહેરાતી હતી. કચ્છના અફાટ રણમાં પાકિસ્તાન સરહદ નજીકથી મળી આવેલી ૧,૦૦૦થી ૧,૫૦૦ વર્ષ જૂની પ્રાચીન માનવ વસાહતે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોમાં ભારે કૂતુહલ સર્જ્યું છે. સંશોધકોએ પ્રાથમિક રીતે ‘બરબાદપુર’ નામ આપેલું આ સ્થળ માત્ર કોઈ સાધારણ રહેણાક નહોતું, પરંતુ એક સમયે ધમધમતી અને વિકસિત સભ્યતાનું કેન્દ્ર હતું.
નોંધનીય છે કે, આ ઐતિહાસિક સાઇટની પ્રથમ જાણકારી વર્ષ ૨૦૨૪માં સીમા સુરક્ષા દળના જવાનોને રણમાં પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણની આગેવાની હેઠળ વૈજ્ઞાનિક ઉત્ખનન શરૂ કરાયું હતું. આ શોધમાં બાદમાં પુણેની વિખ્યાત ડેક્કન કોલેજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો પણ જોડાયા છે.
ઉત્ખનન દરમિયાન ૧૦૦થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે, જેમાં એક અદ્ભુત અને ચોંકાવનારી સમાનતા છે. તમામ હાડપિંજરોના માથા ઉત્તર દિશામાં, પગ દક્ષિણ દિશામાં અને ચહેરો પશ્ચિમ દિશા તરફ રાખવામાં આવ્યો છે. એક જ સરખી દફન પૅટર્ન દર્શાવે છે કે તે સમયે કોઈ ચોક્કસ ધાર્મિક માન્યતા અસ્તિત્વમાં હશે અથવા તો કોઈ મોટી કુદરતી હોનારતને કારણે આખી વસાહત એકસાથે કાળધર્મ પામી હશે.
અહીંથી માટીના વાસણો, રમકડાં અને તાંબાના પ્રાચીન સિક્કા મળી આવ્યા છે. આ અવશેષોના અભ્યાસ પરથી આ સાઇટનો સીધો સંબંધ પ્રાચીન સુમરા વંશ સાથે હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસકારોના મતે, આજથી ૫,૫૦૦ વર્ષ પહેલાં ધોળાવીરામાં વસેલી સંસ્કૃતિ સમય જતાં પશ્ચિમ તરફ શિફ્ટ થઈ હતી. સિંધુ નદીના પાણીના પ્રવાહ બદલાતાં લોકો નદીકાંઠાના ઊંચાણવાળા ફળદ્રુપ વિસ્તારોમાં વસ્યા હતા.
એવું પણ માનવામાં આવે છે કે, વર્ષ ૧૮૧૯માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભૂગર્ભીય ફેરફારો થયા અને નદીઓ સુકાઈ જતાં આ હરિયાળો વિસ્તાર રણમાં ફેરવાઈ ગયો. પવન અને માટીના ઘસારાને કારણે દટાયેલા અવશેષો ધીમે-ધીમે સપાટી પર આવ્યા. હવે આ હાડપિંજરોના ડીએનએ વિશ્લેષણ અને કાર્બન ડેટિંગ દ્વારા સાચો સમયગાળો નક્કી કરાશે. આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંતિમ મંજૂરી બાદ અહીં વધુ ઊંડાણપૂર્વક ખોદકામ હાથ ધરાશે, જેનાથી કચ્છના ઇતિહાસના અનેક અણઉકેલાયેલા રહસ્યો પરથી પડદો ઊંચકાશે તેમ ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું
(ઉત્સવ વૈદ્ય)