Sun Sep 06 2026

Logo

કચ્છમાં આપઘાત-અકસ્માતની અલગ ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત

2026-03-11 18:25:00
Author: Chandrakant Kanoja
કચ્છમાં આપઘાત-અકસ્માતની અલગ ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત

ભુજ: કચ્છના ગાંધીધામ, માંડવી, આદિપુર અને ભચાઉ પંથકમાં છેલ્લા 24  કલાકમાં ગમખ્વાર અકસ્માત, વીજ કરંટ અને આપઘાતના ચાર અલગ-અલગ બનાવોમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

ગાંધીધામ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટના 

જેમાં પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક જીવલેણ ઘટના બની હતી. જેમાં સુરેશપ્રસાદ ધનુમહતે કુશ્વાહ (ઉ.વ. 56).પોતાની ટ્રકને ખાલી કરીને કંડલા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ચા-પાણી પીવા માટે તેઓ ટ્રકને પાર્ક કરી, નીચે ઉતર્યા હતા.

આ દરમિયાન અન્ય એક ટ્રક(જીજે-૧૨-એઝેડ-૭૩૦૮)ના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કંચનપ્રસાદ કુશ્વાહે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

બીજી તરફ, બંદરીય માંડવી તાલુકાના મોડકૂબા ગામે બળવંતસિંહ જાડેજાની વાડીમાં મજૂરી કામ કરતા પંચમહાલના હાલોલના શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. પ્રવીણ ઉર્ફે પોપટ રમણભાઈ નાયકા (ઉ.વ.૩૬) ગઈકાલે સાંજે વાડીએ પાણીની મોટર બંધ કરવા ગયા હતા, ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેઓનું   ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આદિપુર અને ભચાઉ પંથકમાં આપઘાતના બે કિસ્સા

આ દરમિયાન  આદિપુર અને ભચાઉ પંથકમાં આપઘાતના બે કિસ્સા પ્રકાશમાં આવતાં પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી છે. આદિપુરની મૈત્રી શાળા સામેના રહેણાંક વિસ્તારમાં રહેતા હાર્દિક હેમંત ભટ્ટ (ઉ.વ.40 ) નામના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

તેના માતા-પિતા વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા ત્યારે ઘરે એકલા રહેલા હાર્દિકે તેના સ્ટોર રૂમમાં અજ્ઞાત કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું, જયારે ભચાઉના નવાગામ વિસ્તારમાં આવેલી જેક્વાર કંપનીની વસાહતમાં રહેતા સતીષકુમાર (ઉ.વ. 33 ) નામના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પોલીસે આ બંને અપમૃત્યુના બનાવો પાછળના કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

(ઉત્સવ વૈધ)