Fri Sep 04 2026

Logo

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

2026-07-31 22:37:00
Author: Mumbai Samachar Team
કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ બે વ્યક્તિઓ પર ફાયરિંગ કર્યું હોવાના વાવડ મળી રહ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પહાડી વિસ્તારમાં ફરી એક ભયજનક માહોલ છે. હુમલો કરનારને પકડવા માટે સૈન્યએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. કાશ્મીર રીજીયન ગણાતા કુલગામમાં આતંકી હુમલો થયો છે. બે વ્યક્તિઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. વિગત એવી મળી છે કે, જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું તે સ્થાનિકો નથી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલું છે. 

સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો
ફાયરિંગન ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકવાદીઓ સામે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદ આ બીજો આતંકવાદી હુમલો છે. પોલીસ ડીજીપી નલીન પ્રભાતે એલજી મનોજ સિન્હાને હુમલા અંગે જાણ કરી છે. આ દરમિયાન એલજીએ આદેશ આપ્યા હતા કે, હુમલા માટે જવાબદાર આંતકવાદીઓને શોધીને ફૂંકી મારવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાા કેલ્લમ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. અહીંયા શ્રમિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને ઈલાજ માટે અનંતનાગ ખસેડાયા છે. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ આતંકવાદી હુમલાની નિંદા કરતા તેને કાયર, બર્બર અને અમાનવીય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પ્રામાણિક જીવનનિર્વાહ માટે આવેલા એક નિર્દોષ મજૂરની ક્રૂર હત્યા એક જઘન્ય ગુનો છે. આવા બર્બર કૃત્યો માનવતા અને ભાઈચારો અને આતિથ્યની સદીઓ જૂની પરંપરાઓ પર હુમલો છે.

ભાજપના નેતાની અપીલ
તેમણે જણાવ્યું હતું કે ગુનેગારો અને તેમના સાથીઓને વિલંબ કર્યા વિના સજા મળવી જોઈએ. પોલીસ નેતૃત્વ અને સુરક્ષા એજન્સીઓને વિનંતી કરી કે તેઓ સંપૂર્ણ તપાસ કરે, આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ દરેક આતંકવાદીને ઓળખે, તેની પાછળના સમગ્ર નેટવર્કને તોડી પાડે અને દોષિતોને કાયદા હેઠળ કડક સજા મળે તે સુનિશ્ચિત કરે. જમ્મુ અને કાશ્મીરના લોકોએ હંમેશા હિંસાને નકારી કાઢી છે. આતંકવાદીઓ દ્વારા આ રાજ્યનું ભવિષ્ય નક્કી કરી શકતા નથી. આતંકવાદને હરાવવાનો અને શાંતિ જાળવવાનો સંકલ્પ પહેલા કરતા વધુ મજબૂત છે. ભાજપના નેતાએ જનતાને આતંકવાદ સામે એક થવા અને શાંતિ જાળવવા અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે સુરક્ષા દળોના પ્રયાસોને ટેકો આપવા અપીલ કરી.

પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિ
પાકિસ્તાન અને ત્યાં આશ્રિત આતંકવાદીઓ ખીણમાં શાંતિ ભંગ કરવા માટે આવા કાયરતાપૂર્ણ હુમલાઓ કરીને લોકોમાં ભય પેદા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. કુલગામ હુમલો આ પેટર્નનો એક ભાગ છે. આવા હુમલાઓની સાથે, 'ડ્રોન કાવતરું' થઈ રહ્યા છે. આ કાવતરું ત્યારે ખુલ્લું પડ્યું જ્યારે સેનાએ જમ્મુના ખૌર સેક્ટરમાં એક પાકિસ્તાની સર્વેલન્સ ડ્રોનને તોડી પાડ્યું હતું.