Tue Aug 18 2026

Logo

સૌરાષ્ટ્રમાં કીર્તિ પટેલની ધરપકડ; પોલીસ સ્ટેશનમાં કરી મૂકી ધમાલ, પોલીસ સામે શું કર્યો ગંભીર આક્ષેપ ?

2026-07-30 14:46:00
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ કીર્તિ પટેલ વાંરવાર વિવાદના કારણે હંમેશા ચર્ચમાં રહેતી હોય છે. આજે ફરી એક વિવાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે પરિવારની બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પુણા પોલીસ દ્વારા સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ કરીને લાવી ત્યારે કીર્તિ પટેલે આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. 

કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કૉન્સેબલ સામે ફરિયાદ

મૂળ ઘટના એ છે કે, ભાવનગરના એક વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને ભાવનગરની એક સસ્પેન્ડેડ મહિલા કૉન્સેબલ નયના બારેયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આજે પોલીસે સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની ધરપકડ કરી અને તેને સુરત લાવવામાં આવી હતી. અહીં સુરતમાં પોલીસ સ્ટેશન બહાર જ કીર્તિ પટેલે મોટો હોબાળો શરૂ કર્યો હતો. જો કે, તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. 

પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલે કર્યો મોટો હોબાળો

પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી ત્યારે કીર્તિ પટેલે મીડિયાને કહ્યું કે, ‘મારા સામે કોઈ અન્ય કલમ નોંધાઈ હોય તો પુરાવો માંગજો’. આ દરમિયાન કીર્તિ પટેલે પોલીસ પર પણ આક્ષેપ કર્યો હતો. ‘કેમ ભાઈ.. કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદ કરવાના?’ આવું કહીને કીર્તિ પટેલે પોલીસ પર આક્ષેપ કર્યો હતો. જો કે, બહાર ભીડ જમા થઈ ગઈ હોવાથી કીર્તિ પટેલને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવી હતી. 

ડીસીપી આલોક કુમારે આ મામલે વિગતો આપી

આ કેસમાં વિગતો આપતા ડીસીપી આલોક કુમારે કહ્યું કે, સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296 (બી), એક્સ્ટોર્શન, માનહાનિ, ગુનાહિત ધમકીઓ અને ગુનાહિત ષડયંત્ર સહિત આઈટી એક્ટની કલમ 67 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ એવો છે કે, કીર્તિ પટેલ અને નયના બારૈયાએ રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા 12 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ફરિયાદી પાસેથી 3 કરોડ અને 12 લાખ પડાવી લીધા હોવાનો પણ આરોપ છે. 

કીર્તિ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ

મહત્વપૂર્ણ વાત એ છે કે, આ પહેલા પણ કીર્તિ પટેલ સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે. થોડા દિવસ પહેલા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ખોટા મેસેજ અને વીડિયો વાઇરલ કરતી હોવાથી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે ધરપકડ કરવામાં આવતા સમગ્ર મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.