વિનોદ ભટ્ટ
કીડી વિશે અમે તેના પગ જેટલું પણ જાણતા નથી. એની જાણ અમને 1908ની સાલના એપ્રિલના ‘બુદ્ધિપ્રકાશ’ નામના સામયિક દ્વારા થઈ. એ બુદ્ધિપ્રકાશે શબ્દાર્થમાં અમારી બુદ્ધિ પર પ્રકાશ પાડ્યો. 1908માં કીડીની ઓછામાં ઓછી એક હજાર જાતો શોધાઈ હતી, અત્યારે તે જાત પણ વધી છે, બાર હજારથીય વધારે છે. ગુલ્ડ, એમરી ફોરેલ, મૅક, કૂક અને સર જૉન લબક જેવા એ સમયના વિદ્વાનો પાસે અન્ય અગત્યનું કામ નહીં હોવાથી તેમણે કીડીઓનું બારીક અવલોકન કરી કેટલાંક તારણો કાઢ્યાં છે. જેમ કે, નરકીડીનું આયુષ્ય એક વર્ષની અંદરનું હોય છે, જ્યારે માદા કીડી પંદર વર્ષ સુધી જીવી હતી. માનવજાતમાં પણ પુરુષના મુકાબલે સ્ત્રીઓનું આયુષ્ય વધારે હોવાનું શોધાયું છે, ખાસ કરીને તે સાસુ બને છે, ત્યાર પછી - આ પુત્રવધૂઓનો અનુભવ છે.
આપણે સાધારણ રીતે એવું માનીએ છીએ કે માણસ કરતાં કીડીની બુદ્ધિશક્તિ ઊતરતી હોય છે, એ એટલા પૂરતું સાચું છે કે તેનામાં કોઈને છેતરવાની, લાંચ લેવાની, એવી તેવી બુદ્ધિ નથી, પણ બીજી રીતે તે માણસ જેટલી જ ચતુર છે. તેમનામાં સંપ છે એટલો સંપ માણસજાતમાં હોત તો અખબારો ચાલતાં ન હોત કે આ લેખ લખવાની અમને જરૂર પણ ન જણાત. એકના ડબલ કરી આપવાની લાલચ આપીને કોઈનું દ્રવ્ય હરી લેવું, ગળામાંથી સોનાની ચેઈન આંચકીને નાસી જવું. બૅન્કમાંથી મોટી રકમની ઉચાપત કરવી, રાણીને ખુરશીમાંથી ઉથલાવીને તેના પર પોતે ચડી બેસવું, માદા-કીડીની છેડછાડ કરવી વગેરે પ્રકારના સમાચારો કીડીજગતમાં બનતા નથી.
કીડીના શરીરમાં ત્રણ ભાગ સ્પષ્ટપણે જોઈ શકાય છે: એક માથાનો, બીજો છાતીનો ને ત્રીજો પેટનો. છાતીના ભાગ પર તેને છ પગ હોય છે, એકાદ પગે ફ્રેકચર થાય તો પણ અન્ય પગોની મદદથી તે હરકત વગર ચાલી શકે છે. કીડીઓમાં પણ વર્ણવ્યવસ્થા છે, પણ માત્ર બે જ વર્ગ છે. એક રાજકુમાર જાત ને બીજો શ્રમજીવી વર્ગ. રાજકુમાર જાતની કીડીને પાંખ હોય છે, શ્રમજીવી વર્ગની કીડીને પાંખ નથી હોતી - આ કારણે તે ઊડીને પોતાના માલિકથી દૂર નાસી શકતી નથી. એ જાતમાં યુનિટી હોય છે, પણ રજિસ્ટર્ડ યુનિયનો નહીં હોવાથી કામદાર કીડીઓનું જીવનભર શોષણ થતું રહે છે.
પોલીસ પાસે ટિયર ગૅસ હોય છે, એ રીતે કેટલીક કીડીઓ પાસે શસ્ત્ર લેખે ઝેરી રસ હોય છે જે તે આઘે સુધી ફેંકી શકે છે. એક એવા પ્રકારની કીડી છે કે જે ભય દેખાય ત્યારે પોતે મરી ગઈ હોવાનો અભિનય કરે છે. માણસ માટે તો આજે જીવતા હોવાનો અભિનય કરવોય કઠિન છે.
પણ શત્રુઓ પર ત્રાટકવાનું હોય ત્યારે મોટા ભાગે તે સમૂહમાં જ હુમલો કરે છે, પરંતુ મેદાન છોડી નાસી જનાર શત્રુ પાછળ આ કીડીઓ પડતી નથી, શત્રુને જીવતદાન આપવાનું ઔદાર્ય તેનામાં છે અને સમગ્ર જાતને લાભ થતો હોય તો ખાંભી થવાની લાલચ વગર કીડી આત્મભોગ આપવામાં સહેજ પણ અચકાતી નથી. ખાસ કરીને ઝીણી ને નબળી કીડીઓ એકત્ર થઈને દુશ્મન સામે લડે છે ને દુશ્મન પકડાય તો પછી પોતાના કટકા થઈ જાય તો પણ તેને છોડતી નથી.
જે કામદાર પ્રકારની કીડી છે, તેનાં માથે બે પ્રકારની જવાબદારી હોય છે. નાની કીડીઓનું રક્ષણ, તેમને રસ્તો બતાવવાનું, માર્ગદર્શન આપવાનું અને બેબી સીટિંગનું એક માળામાં પાંચ લાખ કીડીઓ સંપીને એકસાથે રહી શકે છે. તે હંમેશાં કાર્યરત હોય છે, ક્યારેક તે રાત્રે પણ ઓવર-ટાઈમ કરે છે. ઓછું કામ, વધુ દામ એ તેમની પ્રકૃતિની વિરુદ્ધ છે. કીડીઓ ભેગી થઈને ક્યારેય ગામગપાટા મારતી નથી. આ માણસ જાત ક્યાં જઈને અટકશે? આવા વડા પ્રધાનને પ્રજા કેમ સાંખી લે છે? ખાંડ મોંઘી થશે તો આપણું શું થશે? જેવા પ્રશ્ર્નો પાછળ તે સમય બરબાદ કરવાને બદલે સોંપાયેલ કામગીરી લગનથી બજાવે છે.
અભિનેત્રીઓનો મનપસંદ સાબુ વાપર્યાં વગર આ કીડીઓ સ્વચ્છ રહે છે. ચોખ્ખી જાત, અગાઉના સમયમાં નદીકાંઠે ગામડાની સ્ત્રીઓ એકબીજાને વાંસો કરી આપતી, એ રીતે કીડીઓ એકબીજાને ચાટીને ચોખ્ખી કરી આપે છે. એકબીજા તરફ અનન્ય પ્રેમ દાખવે છે, અન્યને દુ:ખમાં મદદ કરે છે, ઘાયલને પોતાને ત્યાં લઈ જાય છે ને સારવાર કરે છે. કોઈ કીડી ભૂખી હોય તો બીજી કીડીને તે કહે છે કે ભૂખ લાગી છે. બીજી કીડી તેને ભૂખ વિશે ભાષણ આપવાને બદલે અન્ય કીડીઓને સંદેશો મોકલાવે છે. જે કીડી પાસે અન્ન સંગ્રહાયેલું હોય તે તરત જ અન્ન સાથે ભૂખી કીડી પાસે પહોંચી જાય છે ને તેને જમાડે છે. આ કીડીઓમાં એક વાતનું સુખ છે કે એ જાતમાં કોઈ કવિ નથી હોતો જે આક્રોશથી પડકાર ફેંકે કે ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે.’ વગેરે, વગેરે, વગેરે...
જોકે વૈજ્ઞાનિકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે થોડીક કીડીઓ કોમી માનસ પણ ધરાવે છે. એક વૈજ્ઞાનિકે પ્રયોગ માટે અન્ય જાતિની કેટલીકને બેભાન બનાવી સાજી કીડીઓના ટોળા પાસે મૂકી તો સ્વજાતિની કીડીઓને તે પોતાના દરમાં લઈ ગઈ ને ઈતર જાતિની કીડીઓને બહાર ફેંકી દીધી - અલબત્ત, તેમનું સ્ટેબિંગ કર્યું નહોતું કર્યું!
કીડી સ્પર્શથી સાંભળી શકે છે. તેનામાં રહેલી તીવ્ર સ્પર્શેન્દ્રિય તેને સાવચેતી રાખવામાં, રસ્તો બતાવવામાં, વહાલ કરવામાં, ગુસ્સો પ્રગટ કરવામાં તેમ જ રમતગમતમાં ખપ લાગે છે. ઔરંગઝેબ પાસે કાન હતા, પણ તે સંગીત માટે નહોતા. જ્યારે કીડીઓમાં એક ખાસ જાત છે જે કાન નહીં હોવા છતાં સંગીતની શોખીન હોય છે. મોટા ભાગની કીડીઓ પોતાના આગલા બે પગ ઊંચા-નીચા કરીને તથા પોતાની સૂંઢ હલાવીને ડિસ્કો કરતી હોય એવું વાતાવરણ સર્જે છે.
ઈલેક્ટ્રિક ડિસ્કો કૉમ્પ્યુટર્સ અને ધ્વનિ નિયોજક યંત્રોની મદદથી એવું જણાયું છે કે કીડીઓના આવા વર્તનમાં એક પ્રકારનું સંગીત હોય છે, જેમાં સ્વર, તાલ અને લય વગેરે બધું જ હોય છે, તેમ છતાં તેમનામાં કોઈ ભપ્પી લહેરી નથી હોતો. તે રંગ પારખવામાં પણ એટલી જ નિષ્ણાત હોય છે. તેમને ઘેરા ગુલાબી તેમ જ જાંબુડિયા રંગનો અણગમો હોય છે. તેને મેઘધનુષ્ય ગમે છે કે કેમ એ બાબત જીવશાસ્રીઓએ સંશોધન કરવું. જોઈએ... જોકે પોતાના દરમાં પ્રકાશ આવે એ તેમને ગમતું નથી - એ રીતે જોઈએ તો તે ઘુવડને આદર્શ ગણે છે.
ટ્રાફિક પોલીસની મદદથી કીડીઓ શિસ્તથી રસ્તા પર ચાલે છે અને અન્ય કીડીને માનપૂર્વક માર્ગ આપી દે છે. કીડી પોતાનાં વજન કરતાં ત્રણ ગણું વજન આસાનીથી ઉપાડી શકે છે, પણ જો વજન વધારે હોય તો દરમાં જઈને તે અન્ય કીડીઓને બોલાવી લાવે છે ને એ કીડીઓ કોઈ પણ પ્રકારની મજૂરીની અપેક્ષા વગર એ કીડીને ટેકો કરે છે... કીડી પાસે કાન નથી, પણ તેનું નાક અતિ સંવેદનશીલ છે. હિંગ કે ગંઠોડા જેવા પદાર્થો પાસેથી તે પાછી ફરી જશે. કોઈ કીડી લસણ પર પણ નહીં ચડે... માણસ કરતાં કીડીઓમાં રસ પડવાથી એક માણસે પોતાના ઘરની બારી પાસે દરરોજ થોડી ખાંડ નાખવા માંડી.
એક દિવસ તેણે ખાંડનું વાસણ ઊંચે લટકાવી નીચે દોરી બાંધી. તો કેટલીક સાહસિક કીડીઓ દોરી વાટે ઊંચે ચડી ને ખાંડ નીચે વેરવા માંડી, જેથી નીચે રહેલી કીડીઓ સરળતાથી તે આરોગી શકે... આપણે આગળ જોયું કે કીડી પોતાના વજન કરતાં ત્રણ ગણું વજન ધરાવતી હોત તો 2,40,000 પાઉન્ડ વજન જેટલી ચીજો પણ ખસેડી શકત. જો આ શક્ય બન્યું હોત તો સ્ટેશન પર ભારે વજન ઉપાડનાર હમાલ તરીકે કીડીઓ હોત. ધ્રુબર અને ફોરેલ જેવા કીડી વિશેષજ્ઞોના મતે ભૂસ્તરશાસ્ત્રીઓની સહાય વગર કીડીઓને ભૂકંપ થવાની આગોતરી જાણ થઈ જાય છે, પણ... અમારા મતે તેને પ્રસિદ્ધિનો મોહ નહીં હોવાથી આ અંગે છાપાંજોગ આગાહી કરવાનું ટાળે છે.
કીડીઓમાં માંસાહારી તેમ જ શાકાહારી એમ બે પ્રકાર છે: શાકાહારી અર્થાત્ જૈન કીડીઓ શુદ્ધ શાકાહારી છે, અલબત્ત, તે પોતાના શિકારને ઝેરી ડંખ મારે છે. કહેવાય આટલી અમથી કીડી, પણ તેના મગજમાં પાંચ લાખ જેટલા જ્ઞાનકોષ હોય છે. તેના એન્ટેના જેવા પગ, નાક અને આંગળીના ટેરવાની કામગીરી બજાવે છે, પણ માણસની જેમ તેને હથેળી નથી, જો હોત તો હથેળીમાંની રેખાઓ જોઈ ભવિષ્ય ભાખનાર જ્યોતિષીઓ પણ 300 અબજની કીડીઓની વસતિમાં હોત..
. કીડીની આંખ પાસેના દોરા જેવા બે રેસા જોવા માટે સૂક્ષ્મદર્શક કાચનો ઉપયોગ કરવો પડે. આ બે રેસા ટી.વી.ના એન્ટેના જેવી કામગીરી અદા કરે છે તેનો ઉપયોગ સ્પર્શ તથા સંદેશાવ્યવહાર માટે કરવામાં આવે છે. પોતાના શરીરમાંના ફેરોમોન્સ તેમ જ શારીરિક હિલચાલથી એકબીજાને પચાસ જાતના સંદેશાઓ મોકલી શકે છે. આ પચાસમાં પ્રેમસંદેશનો સમાવેશ થતો નથી. જાસૂસોની જેમ કીડીઓ પણ એકબીજીને મળે ત્યારે સાંકેતિક ભાષામાં વાતો કરતી જોવામાં આવી છે.
પૃથ્વી પર લગભગ દસ લાખ વર્ષથી તે અસ્તિત્વ ધરાવે છે, પણ કીડીઓ પર સંશોધનો છેલ્લાં 200 વર્ષથી ચાલે છે. માનવજાતની જેમ તેનેય લડાઈ, ભૂખમરો તેમ જ કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડતો હોય છે, પણ કીડીઓ ઘાંઘી થયા વગર કે નાસભાગ કર્યા વિના પોતાની હૈયાઉકલતથી તેમાંથી માર્ગ કાઢે છે.
આ કીડીઓમાં રાણીનું મહત્ત્વ ખૂબ જ છે. રાણી તરફ તે અનન્ય ભક્તિભાવ ધરાવે છે. કીડીઓમાં સ્ત્રી-પ્રધાન સમાજ છે અને રાણીનું એકચક્રી રાજ ચાલે છે. બ્રિટન જેવા રાણીપ્રધાન દેશમાં 40 જાતની કીડીઓ જોવા મળે છે. ભવિષ્યમાં કોઈ ત્યાં પટેલ કીડીય શોધી કાઢશે. કીડીમાં એક વિશેષતા એ છે કે તે ક્યારેક ખૂણે બેસી એકલપેટી થઈને જમતી નથી. પોતાની જરૂરિયાત કરતાં વધારે ખોરાક તેની પાસે હોય તો બીજી કીડીઓને તે એની જાણ કરે છે, બધી કીડીઓ ભેગી થઈ ખોરાકને દરમાં હડસેલી જાય છે ને ‘ૐ સહનૌ ભુનક્તુ’ બોલ્યા વગર સાથે બેસી જયાફત ઉડાવે છે. એ જાતમાં કાળા બજાર કરવાનો રિવાજ નહીં હોવાથી કાળી કીડી પણ પોતાની પાસે ચીજના વધુ જથ્થાને ઊંચા દામે વેચતી નથી.
કુટુંબના દરેક સભ્યને એક માતા હોય છે, રાણી જે પિતા પણ હોય છે. આ રાણી એ વાતનું ધ્યાન રાખે છે કે પોતામાં પડેલા 75થી 80 ટકા જેટલા ગુણો તેનાં બાળકોમાં ઊતરે, એટલે તેનાં બચ્ચાં પણ કદ, દેખાવ, રૂપ-ગુણો વ.માં મા જેવાં જ પાકે છે. ઝી ટી.વી.નો પ્રભાવ હજી સુધી કીડીનાં બાળકો પર પડ્યો નથી. કીડી પોતાના સમાજથી પોતાને અલગ ગણતી જ નથી. એટલે પોતાના અલગ ભવિષ્યનો વિચાર તે ક્યારેય કરતી નથી, પોતાનો વીમો ઊતરાવતી નથી. તે સમાજ માટે જ જીવે-મરે છે. આ કારણે કામની વહેંચણી બાબતમાં પણ અંદરોઅંદર ચણભણ થતી નથી. સોંપવામાં આવેલ કોઈ પણ કામ કકળાટ કર્યા વગર આનંદ ને નિષ્ઠાથી કરે છે.
ફોરોમોન્સ તરીકે ઓળખાતું રસાયણ જ કીડીઓની ભાષા છે, તે ક્યારેક ટેલિફોનનું કામ કરે છે. અંદરોઅંદર સંદેશા આપવા-લેવામાં આનો ઉપયોગ થાય છે. જેમ કે ખાવાનું ક્યાં પડ્યું છે, હવે કયું કામ હાથ પર લેવાનું છે, દુશ્મન અહીંથી કેટલે દૂર છે? વગેરે.
સામાન્ય કીડી કરતાં રાણી કદમાં મોટી, અલમસ્ત હોય છે. રાણીની જેમ તે જાજરમાન પણ લાગતી હોય છે. કામદાર કીડીઓ રાણીને બહુ સાચવે છે. 20 મિનિટમાં કામદાર કીડીઓ રાણીને 20 વાર ખવડાવે છે. આ કારણે રાણી મરે છે ત્યારે વધુ પડતું ખાવાથી અકરાંતિયાપણાને કારણે જ મરી જાય છે, પણ ભૂખમરાથી ક્યારેય મરતી નથી. રાણી ડાયેટિંગમાં માનતી નથી. બેથી અઢી લાખ કીડીઓ પર રાણીનું પ્રભુત્વ હોય છે. આ કીડીઓ પર તે ગજબનું વર્ચસ્ ધરાવતી હોય છે. અન્ય કીડીઓ વતી બાળકો પેદા કરવાનું કામ આ રાણી કરે છે. વર્ષ દરમિયાન તે હજારો ઇંડા મૂકે છે.
માનવજાત ધારે તો કીડીઓ પાસેથી ઘણુંબધું શીખી, મેળવી શકે તેમ છે, પણ કેટલાક પ્રાન્તોમાં માંસાહારી માણસો તેમના રોજના ખોરાકમાં કીડીઓ ખાય છે. કીડીઓના ભોજનથી તેમનામાં પડેલા સંપ, સહકાર, પ્રેમ અને નિષ્ઠા જેવા ગુણો માણસોને મળે કે નહીં એની ખબર નથી, પણ તેમાંથી ભરપૂર પ્રોટીન મળી રહે છે.
હાથી હસી શકે છે, તેનામાં હાસ્યવૃત્તિ છે એવું રમણભાઈ નીલકંઠે શોધી કાઢ્યું છે. એ રીતે અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે કોઈ કીડી-વિશેષજ્ઞ શોધી કાઢે કે કીડીઓમાં પણ ‘સૅન્સ ઑફ હ્યુમર’ કહેતાં હાસ્યવૃત્તિ હોય છે...