એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
એક સમયે આખા દેશના યુવાનો માટે આદર્શ ગણાવાયેલા પટણાના ખાન સર ઉર્ફે ફૈઝલ ખાન વિવાદોના વમળમાં ફસાઈ ગયા છે. ખાન સર પટણામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપવા ખાન ગ્લોબલ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ગયા અઠવાડિયે આ કોચિંગ સેન્ટરના ગાર્ડે કરેલા ફાયરિંગના કાંડમાં સેન્ટરના બે સીક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે અને ખાન સરને પણ આરોપી બનાવ્યા છે. ખાન સર લાંબા જાય એવો પાકો બંદોબસ્ત કરીને તેમની સામે આકરી કલમો હેઠળ કેસ ઠોકી દેવાયો છે તેથી ખાન સર ભાગતા થઈ ગયા છે. ખાન આગોતરા જામીન માટે અરજી કરશે એવી વાતો પહેલાં ચાલી ને હવે કોર્ટમાં આત્મસમર્પણ કરશે એવી વાતો થઈ રહી છે પણ હજુ સુધી હાજર થયા નથી તેથી ખાનનું શું થશે એ સસ્પેન્સ યથાવત્ છે. બીજી તરફ નિયમોનું પાલન નહીં કરવા બદલ તંત્ર ખાનના કોચિંગ સેન્ટરને તાળાં મારી દેવાની તજવીજમાં લાગેલું છે તેથી દેશભરમાં ખાન સરની ચર્ચા છે.
ખાન સામે પટના પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ કલમ હેઠળદોષિત સાબિત થાઓ તો 10 વર્ષ સુધીની જેલ અને ભારે દંડની સજા થઈ શકે છે. આ સિવાય ખાન સામે આર્મ્સ એક્ટની કલમ 25(9), 27 અને 35 હેઠળ પણ કેસ નોંધ્યો છે. એક્ટની કલમ 25 હેઠળ જાહેર સ્થળે શસ્ત્રોનું પ્રદર્શન કે ઉપયોગ કરવા બદલ મહત્તમ 2 વર્ષની સજા થાય છે. કલમ 27 હેઠળ ખતરનાક હથિયારોનો ઉપયોગ કરવા બદલ ઓછામાં ઓછી 3 વર્ષની કેદની જોગવાઈ છે. આર્મ્સ એક્ટની કલમ 35 હેઠળ ઈન્સ્ટ્યિૂટના પરિસરમાં થયેલા ફાયરિંગ માટે સંચાલક કે મુખ્ય વ્યક્તિને તરીકે ખાનને ગુના માટે જવાબદાર ગણીને 5 વર્ષની સજાની જોગવાઈ છે. મતલબ કે, આ પૈકી એકાદ કલમ હેઠળ પણ ખાન દોષિત ઠરી જાય તો ઓછામાં ઓછા બે વર્ષ માટે તો જેલભેગા થઈ જ જશે.
ખાનનો બચાવ એવો છે કે, આ હુમલો કોચિંગ સેન્ટરો વચ્ચે ચાલતી હરીફાઈનું પરિણામ છે અને પટણા પોલીસ કોચિંગ માફિયાઓ તથા હેલ્થ માફિયાઓનો ઈશારે પોતાને પતાવી દેવા મથી રહી છે. ખાનના કહેવા પ્રમાણે, પોતાના કોચિંગ સેન્ટરના ગાર્ડે તો સ્વબચાવમાં ફાયરિંગ કરેલું. પહેલાં પોતાના હરીફ કોચિંગ સેન્ટરના ઈશારે વીસેક લોકોના ટોળાએ સંસ્થામાં ઘૂસીને તોડફોડ કરીને મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું અને સુરક્ષા કર્મચારીઓની પણ ધોલાઈ કરી હતી. ગાર્ડ અને વિદ્યાર્થીઓને ડરાવવા માટે 8-10 રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.
હુમલાખોરો પૂરી તૈયારી કરીને આવ્યા હતા. તેમને ખબર હતી કે, ખાનના ગાર્ડ બચાવ માટે હવામાં ફાયરિંગ કરશે તેથી પહેલેથી વીડિયો ઉતારવાની ગોઠવણ પણ કરી દીધેલી. આ વીડિયો ઉતારીને વાઇરલ કરી દેવાયો તેથી સૌને એવું લાગે છે કે, ખાનના ગાર્ડે જ ગોળીબાર કર્યો છે. વાસ્તવમાં અમારા ગાર્ડે તો ટોળાથી બચવા માટે હવામાં ફાયરિંગ કરેલું. પટણા પોલીસ આ વાતને ખોટી ગણાવે છે. તેમનો દાવો છે કે, અમે ખાનના હરીફ જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટરના રોશન આનંદ સહિત ત્રણની ધરપકડ કરી જ છે તેથી પોલીસ કોઈના ઈશારે વર્તી રહી હોવાની વાતમાં દમ નથી.
ખાનની વાત સાચી છે કે પોલીસ સાચું બોલે છે એ ખબર નથી પણ ખાને કોચિંગ માફિયાઓ અને હેલ્થ માફિયા બંનેની લૂંટ પર બ્રેક મારી દીધી છે એ વાત સાવ સાચી છે. પટણામાં ખાન છેલ્લા એક દાયકાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગરીબ અને સામાન્ય વિદ્યાર્થીઓને સાવ ઓછા દરે કોચિંગ આપે છે. એક સમયે પટણામાં મોંઘી કોચિંગ સેન્ટરોનો દબદબો હતો પણ ખાને બધાંની પથારી ફેરવી નાંખી છે. પટનાના ‘ખાન જીએસ રિસર્ચ સેન્ટર’માં દરરોજ લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ જીએસ એટલે કે જનરલ સ્ટડીઝનો અભ્યાસ કરવા આવે છે. દર વર્ષે લગભગ 40,000 નવા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવે છે.
ખાનની યુટ્યૂબ ચેનલ અને એપ પણ અત્યંત લોકપ્રિય છે. દર વર્ષે લગભગ 50 લાખ વિદ્યાર્થીઓ તેમની એપ દ્વારા કોચિંગ મેળવે છે. ખાન સરની યુટ્યૂબ ચેનલના 2 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ખાનના ઘણા વીડિયોને તો પાંચ કરોડ કે તેનાથી વધારે વ્યૂઝ મળ્યા છે. ભારતમાં બીજા કોઈ કોચિંગ સેન્ટરની આવી જોરદાર લોકપ્રિયતા નથી. આઈએએસ-આઈપીએસ સહિતની સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારીમાં વિકાસ દિવ્યકીર્તિ સુપરસ્ટાર ગણાય છે પણ ખાન જેટલી લોકપ્રિયતા તેમની પણ નથી. તેનું કારણ એ કે, ખાન કાં મફત કે પછી સાવ સસ્તામાં વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે. તેના કારણે બીજાં કોચિંગ સેન્ટરોની બુંદ બેસી ગઈ છે એ વાત સાચી છે.
ખાને 2025માં પટનામાં એક હૉસ્પિટલ ખોલીને લોકોને ઓછી કિંમતની તબીબી સેવાઓ આપવા માંડી તેથી મેડિકલ માફિયા પણ ભડક્યા છે. ખાનની હૉસ્પિટલમાં સરકારી હૉસ્પિટલો કરતા ઓછી કિંમતે સારવાર અપાય છે તેથી મધ્યમ વર્ગ એ તરફ વળ્યો છે. તમામ પ્રકારના ટેસ્ટ સાવ મફત જેવા ભાવે કરી અપાય છે. પહેલાં ખાનગી હૉસ્પિટલો મનમાની ચલાવતી અને લોકોને લૂંટતી. ખાનની હૉસ્પિટલના કારણે હવે મધ્યમ વર્ગ ખાનગી હૉસ્પિટલો તરફ ઓછો જાય છે તેથી તેમના ધંધાને મોટો ફટકો પડી ગયો છે. આમ ખાનથી દાઝેલા કોચિંગ અને મેડિકલ માફિયાઓએ હાથ મિલાવીને ખાનને ફિટ કરી દેવાનો કારસો રચ્યો હોય એવી પૂરી શક્યતા છે. ખાન મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયાના છે અને માત્ર 33 વર્ષના છે. આટલી નાની ઉંમરે પટણામાં આવીને આવો મોટો ધંધો જમાવી દીધો તેના કારણે બીજાં પણ ઘણાંની આંખમાં ખૂંચતા હશે તેથી પોલીસ સાવ દૂધે ધોયેલી છે એવો દાવો કરે છે પણ આ દાવો ગળે ઊતરતો નથી.
ખાનની ભાષા અને નિવેદનોના કારણે પહેલાં વિવાદ સર્જાયા છે પણ ખાનનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એક દેશભક્ત મુસ્લિમ તરીકેનો છે. તિબેટે માનવાધિકારવાદીઓની ચિંતા કર્યા વિના તિબેટ પર કબજો કરીને ચીનમાં ભેળવી દીધું એ રીતે ભારતે પણ પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) કબજે કરી લેવું જોઈએ એવા સ્ફોટક વિચારો ખાન પ્રગટ કરી ચૂક્યા છે. ભારતીય ઘણા મુસ્લિમોની દેશભક્તિ શંકાસ્પદ હોવાના તેમના નિવેદનના કારણે પણ ઘણાંને મરચાં લાગી ગયેલાં. ખાન બીજા પણ આવા સ્ફોટક વિચારો પ્રગટ કરીને વિવાદ સર્જી ચૂક્યા છે પણ વિવાદની પાછળનો ઉદ્દેશ તો દેશનું ભલું જ છે. ધર્મ, જ્ઞાતિ કે બીજા કોઈ ભેદભાવ વિના તમામને કોચિંગ આપીને પણ ખાન દેશસેવા જ કરી રહ્યા છે એ જોતાં બિહારની ભાજપ સરકારે દખલ કરવાની જરૂર છે. ખાને પોતે ફાયરિંગ કર્યું નથી છતાં પોલીસ તેમને ફિટ કરવા હવાતિયાં મારી રહી છે તેની હવા કાઢી નાંખવાની જરૂર છે.