થ્રિસુર: અહીંના જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે તબાહી મચાવી છે. મુંડાથિકોડ વિસ્તારમાં આવેલા આ ફટાકડાના યુનિટમાં બપોરે આશરે 3:30 વાગ્યે થયેલા ધડાકામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આગામી 'થ્રિસુર પૂરમ' ઉત્સવ માટે મંદિર દેવસ્વમ તરફથી અહીં ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. વિસ્ફોટ સમયે શેડમાં આશરે 40 જેટલા કામદારો હાજર હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી વિગતો અનુસાર, ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને અધિકારીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
બચાવ કામગીરીમાં મુશ્કેલી એ આવી રહી હતી કે મુખ્ય વિસ્ફોટ બાદ પણ વચ્ચે-વચ્ચે નાના ધડાકા ચાલુ રહ્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમોને પ્લાન્ટની અંદર પહોંચવામાં અવરોધ પેદા થયો હતો.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે તમામ જરૂરી સૂચનાઓ આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે થ્રિસુર મેડિકલ કોલેજ અને અન્ય સરકારી હોસ્પિટલોને એલર્ટ પર રાખી છે. ગંભીર રીતે દાઝેલા દર્દીઓ માટે જરૂર પડ્યે બહારના નિષ્ણાત ડોક્ટરોની મદદ લેવા પણ જણાવાયું છે. દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ત્રિસૂર જિલ્લા કલેક્ટરે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, જોકે પ્રારંભિક તબક્કે અત્યંત ગરમીને કારણે આ વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે.
વડા પ્રધાન કાર્યાલય (PMO)એ પણ આ ગોઝારી ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવવામાં આવી છે અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પોલીસ આ ફટાકડા યુનિટ પાસે યોગ્ય લાઇસન્સ અને સુરક્ષાના માપદંડો હતા કે નહીં તે અંગે પણ તપાસ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું તેમ જ પીડિત પરિવારો પ્રત્યે સંવેદન વ્યક્ત કરી હતી.