Mon Oct 05 2026

Logo

કેડીએમસીમાં મહિલા કોર્પોરેટરે એન્જિનિયરનું ફાટેલી શાલ ઓઢાડી કર્યું 'સન્માન', એવું શું થયું?

2026-09-09 16:24:00
Author: Mumbai Samachar Team
કેડીએમસીમાં મહિલા કોર્પોરેટરે એન્જિનિયરનું ફાટેલી શાલ ઓઢાડી કર્યું 'સન્માન', એવું શું થયું?

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રસ્તા પરના ખાડાઓની સમસ્યાથી કંટાળેલી મહિલા કોર્પોરેટરોએ વિરોધ કરવાની એક વિચિત્ર રીત અપનાવી હતી. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)ની બે મહિલા કોર્પોરેટરે એક એન્જિનિયરને ફાટેલી શાલ ઓઢાડી હતી અને કહ્યું હતું કે જ્યારે તેઓ તેમના વિસ્તારના રસ્તાઓને ખાડામુક્ત કરી દેશે ત્યારે તેઓ તેમને સારી શાલ આપીને સન્માનિત કરશે, પરંતુ અત્યારે તો તેમણે આ ફાટેલી શાલથી જ ચલાવવું પડશે.

શું છે સમગ્ર મામલો? 
કલ્યાણ પશ્ચિમના રામબાગ નંબર 4 વિસ્તાર અને કોર્પોરેટરની કચેરીઓની બિલકુલ સામેના રસ્તાઓનો સમાવેશ થાય છે ત્યાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. સ્થાનિક કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે અનેક ફરિયાદો કરવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર સ્વપ્નાલી કેણે અને અપર્ણા ભોઈરે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવવા માટે મ્યુનિસિપલ ડેપ્યુટી એન્જિનિયર રાજપૂતની કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને એવી શાલ ઓઢાડીને 'સન્માનિત' કર્યા, જેની ડિઝાઈન ખાડાવાળા રસ્તાઓનું પ્રતીક હતી.

મહિલા કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર માત્ર બે દિવસ પહેલાં જ સમારકામ કરાયેલા રસ્તાઓ પર ફરીથી ખાડા પડી ગયા છે. તેમણે માંગ કરી હતી કે ગણેશોત્સવ પહેલાં નાગરિકોને ખાડા-મુક્ત રસ્તાઓ પૂરા પાડવામાં આવે. તેમણે કટાક્ષ કરતા એમ પણ કહ્યું હતું કે જો રસ્તાઓ સારી ગુણવત્તાના બનાવવામાં આવશે તો તેઓ અધિકારીઓનું સન્માન એક સુંદર શાલ આપીને કરશે. મહિલા કોર્પોરેટરોએ વહીવટીતંત્રને ચેતવણી પણ આપી છે કે જો ગણેશોત્સવ પહેલાં રસ્તાના કામો પૂર્ણ કરવામાં નહીં આવે, તો ઠાકરે જૂથ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

કેડીએમસીમાં અગાઉ થયો વિવાદ
મહારાષ્ટ્રના કોર્પોરેટરો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. જુલાઈ 2026માં મહારાષ્ટ્રના ડોંબિવલીસ્થિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો પર કથિત હુમલાના મામલે શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની ધરપકડ કરવામાં આવી હતી,  ધરપકડ બાદ તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે ડોંબિવલીના એસીપી સુહાસ હેમાડેએ પણ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે રમેશ મ્હાત્રેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કાઉન્સિલર ભૂતકાળમાં પણ ઘણી વખત આવા વર્તન માટે ચર્ચામાં રહ્યા છે.