Fri May 01 2026

Logo

સનરાઇઝર્સની માલિક કાવ્યા મારને ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલને ઠેસ પહોંચાડી, આકરી કિંમત ચૂકવવી પડશે

2026-03-14 19:12:00
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

મુંબઈઃ સામાન્ય રીતે ક્રિકેટના સ્ટેડિયમમાં કોઈ ખેલાડીનો, કોચનો કે અમ્પાયરનો હુરિયો બોલાવવામાં આવતો હોય છે, પરંતુ 28મી માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન (Kavya maran)ના નામે જો અસંખ્ય પ્રેક્ષકો `હાય...હાય...' બોલતાં જોવા મળે તો નવાઈ નહીં પામતા! કારણ સ્પષ્ટ અને વજૂદવાળું છે.

કાવ્યાએ એ કામ કર્યું છે જેનાથી કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના દિલને ઠેસ પહોંચી છે જેની કાવ્યાએ (જો નિર્ણય નહીં બદલે તો) આવનારા દિવસોમાં આકરી કિંમત ચૂકવવી પડશે. આગામી આઇપીએલ દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદની કે અન્ય કોઈ ટીમની મૅચ વખતે સ્ટેડિયમમાંથી લોકોની કાવ્યા મારન વિરુદ્ધ બૂમો સંભળાશે જ.

પાકિસ્તાનીને કરોડપતિ બનાવ્યો

જે પ્લેયર ભારતના કે કોઈ ભારતીયના એક રૂપિયાને પણ લાયક ન હોય તેના પર કાવ્યાએ 2.34 કરોડ રૂપિયાનો વરસાદ વરસાવ્યો છે. આ વાત છે દુશ્મન-દેશ પાકિસ્તાનના 27 વર્ષના લેગ-સ્પિનર અબ્રાર અહમદ (Abrar Ahmed)ની જેને કાવ્યા મારનની માલિકીના ફ્રૅન્ચાઇઝી સનરાઇઝર્સ લીડ્સે ઇંગ્લૅન્ડની 100-100 બૉલના ફૉર્મેટવાળી `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટે 2.34 કરોડ રૂપિયાના ભાવે ખરીદી લીધો છે. આ ટૂર્નામેન્ટ આગામી 21 જુલાઈથી 16 ઑગસ્ટ સુધી રમાવાની છે. માત્ર પચીસ દિવસની આ ટૂર્નામેન્ટ રમવા બદલ કાવ્યાનું ફ્રૅન્ચાઇઝી અબ્રારને આટલી તોતિંગ રકમથી નવડાવી દેશે.

દેશદાઝ જેવું કંઈ હોય કે નહીં?

ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે કે આઇપીએલને સનરાઇઝર્સ હૈદરાબાદના રૂપમાં અનેક સ્ટાર ખેલાડીઓવાળી ટીમ આપનાર કાવ્યા મારનની દેશદાઝ ક્યાં ગઈ? તેને બીજું કોઈ ન મળ્યું કે શત્રુ-દેશ પાકિસ્તાનના ખેલાડીને ખરીદી લીધો? તેની પાસે મફતના પૈસા વધી ગયા લાગે છે.

2.34 કરોડ રૂપિયા તેણે તાજેતરના ટી-20 વર્લ્ડ કપના ફ્લૉપ સ્પિનર અને ભારતીય સૈનિકોની ગયા વર્ષે મજાક ઉડાવનાર અબ્રાર અહમદને બદલે આઇપીએલમાં ભારતના ઊભરતા ખેલાડીઓને ખરીદવા માટે ખર્ચ કર્યા હોત તો લેખે લાગ્યા હોત. વિદર્ભના સ્પિનર હર્ષ દુબેનું રવિવારે બીસીસીઆઇ દ્વારા સન્માન થવાનું છે અને તેને હૈદરાબાદનું ફ્રૅન્ચાઇઝી આઇપીએલની સીઝન રમવાના 30 લાખ રૂપિયા આપશે, પણ કાવ્યા મૅડમ પાકિસ્તાનના અબ્રારને 2.34 કરોડ તાસક પર ધરી દેશે.

નૈતિકતા નેવે મૂકી દીધી

છેલ્લા થોડા વર્ષો દરમ્યાન અભિષેક શર્મા, ઇશાન કિશન, ટ્રૅવિસ હેડ, હિન્રિક ક્લાસેન, જયદેવ ઉનડક્ટ, હર્ષલ પટેલ જેવા નામાંકિત ખેલાડીઓ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારને ભારતના અનેક શહેરોમાં વાહ-વાહ મેળવી છે, પણ આ અઠવાડિયે ઇંગ્લૅન્ડમાં તેણે બધી શરમ નેવે મૂકી દીધી હતી. આઇપીએલ સિવાયની કોઈ વિદેશી ક્રિકેટ લીગમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદવા સંબંધમાં બીસીસીઆઇ તરફથી ભારતીય ફ્રૅન્ચાઇઝી પર કોઈ પ્રતિબંધ નથી એનો અર્થ એવો નથી કે તેણે નૈતિકતા નેવે મૂકી દેવાની.

કાવ્યાની શર્મનાક હરકત

કાવ્યાએ આ શર્મનાક હરકત કરીને દેશને નારાજ કર્યો છે. તેણે એવું માની લીધું હશે કે તેણે પાકિસ્તાનના સ્પિનરને ખરીદીને મોટું પરાક્રમ કર્યું. જોકે ગયા વર્ષે ટૂંકા યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનને પછડાટ આપનાર ભારતના બાહોશ સૈનિકો અને અસરદાર તથા દમદાર નિર્ણયો લેનાર નરેન્દ્ર મોદી સરકારના મોવડીઓ તેમ જ 140 કરોડ ભારતીયોના દિલને કાવ્યાએ ઠેસ પહોંચાડી છે.

ભૂતપૂર્વ રાજકારણી મુલાસોલી મારનના બિઝનેસમૅન-પુત્ર કલાનિધિ મારનની પુત્રી કાવ્યાએ માની લીધું હશે કે તેણે અબ્રારને ખરીદીને મોટું તીર માર્યું. તેણે તો 140 કરોડ ભારતીયોમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે અને વિદેશોમાં ભારતની આબરૂ કાઢી છે. ખેલકૂદ અને રાજકારણને એકમેકથી અલગ રાખવા જોઈએ એવી ખેલદિલી ગઈ તેલ લેવા.

પાકિસ્તાન સાથે તો આવો સ્પોર્ટ્સમૅન-સ્પિરિટ હોય જ નહીં. પાકિસ્તાન કે પાકિસ્તાનીનું નામ આવે ત્યારે પ્રત્યેક ભારતીયને તરત જ દેશદાઝ યાદ આવી જવી જોઈએ. કાવ્યાએ અબ્રારને ખરીદીને પોતાના જ હાથ પર `ડામ' દીધો છે. આઇપીએલના સ્ટેડિયમોમાંથી દેશપ્રેમીઓ બૂમો પાડીને કાવ્યાની ખબર લઈ નાખશે.

કઈ લૉબી કામ કરી ગઈ?

જે પાકિસ્તાની સ્પિનરને તાજેતરના વર્લ્ડ કપની પાંચ મૅચમાં માંડ છ વિકેટ મળી હતી, ભારત સામેની મૅચમાં 38 રનમાં જેને એકેય વિકેટ નહોતી મળી અને કરીઅરની કુલ 84 ટી-20માં જે માંડ 109 વિકેટ લઈ શક્યો છે એવા અબ્રાર અહમદને કાવ્યાએ ઇંગ્લૅન્ડની ટૂર્નામેન્ટ માટે ખરીદી લીધો છે.

કાવ્યા શું પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનીરને ખુશ કરવા નીકળી હતી કે શું? સનરાઇઝર્સ લીડ્સ માટે અબ્રારને ખરીદવા માટે કઈ લૉબી કામ કરી ગઈ એ પણ ચર્ચાનો વિષય છે. ડેનિયલ વેટોરી ન્યૂ ઝીલૅન્ડનો મહાન ખેલાડી છે, પરંતુ તેણે સનરાઇઝર્સ લીડ્સ માટે હેડ-કોચ તરીકે અબ્રારને ખરીદવામાં મોટી ભૂમિકા ભજવી હતી. વેટોરીને શું ખબર પડે કે દેશદાઝ શું છે! ન્યૂ ઝીલૅન્ડે ક્યારેય આતંકવાદનો સામનો કર્યો છે? યુદ્ધ જોયા છે? પહલગામ જેવા હુમલાનો આઘાત સહન કર્યો છે? ભારતીયએ પાકિસ્તાની પ્લેયરને ન ખરીદાય એની કિવી પ્લેયર વેટોરીને શું ભાન! ઊલટાનું તેણે સનરાઇઝર્સ માટે અબ્રારને ખરીદીને આનંદ વ્યક્ત કર્યો છે.

બૉયકૉટની અત્યારથી બૂમ પડી

કાવ્યાની કરતૂતને કારણે આ મહિનાની આઇપીએલ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રેન્ડને જરૂર વિપરીત અસર થશે. અપડેટ જાણી લઈએ તો ભારતમાં એવા ઘણા ક્રિકેટપ્રેમીઓ છે જેમણે સનરાઇઝર્સ હૈદરાબાદનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.