Thu May 21 2026

Logo

બિહારના કટિહારમાં થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 થયો, સરકારે વળતરની જાહેરાત કરી

2026-04-12 11:48:00
Author: Vimal Prajapati
Article Image

 

કટિહારઃ બિહારના કટિહારના કોરહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરાબારી નજીક બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મૃતકોના આશ્રિતો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મોત થયા

આ અકસ્માત અંગે વિગતો આપતા ડીએમ આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું કે, અકસ્માત બાદ 10 મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 23 ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ ઘાયલોના સારવાર દરમિયાન મોત થયા હતા, જેના કારણે કુલ મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. મોટાભાગના મૃતકો પૂર્ણિયા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાંથી એક કટિહાર જિલ્લાનો રહેવાસી હતો. અત્યારે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

મુખ્ય પ્રધાને એક્સ પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું

બિહારના મુખ્ય પ્રધાને આ અકસ્માત અંગે એક્સ પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, કટિહાર જિલ્લાના કોઢા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિના સમાચાર સાંભળી ખૂબ જ દુ:ખી થયો છું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના આશ્રિતોને રૂપિયા 2 લાખ અને ઘાયલોને રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવશે. 

 

અકસ્માત અંગે વધુમાં વાત કરતા મુખ્ય પ્રધાને લખ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને હાલમાં રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે, અને હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.