Sun Sep 13 2026

Logo

ઈરાનના નેતાના નિધનથી કાશ્મીર ઘાટીમાં આક્રોશ: અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ દેખાવો

2026-03-01 11:52:00
Author: Tejas Rajpara
ઈરાનના નેતાના નિધનથી કાશ્મીર ઘાટીમાં આક્રોશ: અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ દેખાવો

જમ્મુ-કાશ્મીર: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં થયેલા નિધનના અહેવાલે જમ્મુ કશ્મીરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સેંકડો પ્રદર્શનકારીઓ ખામેનેઈના પોસ્ટરો અને તસવીરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. "અમેરિકા-ઈઝરાયેલ મુર્દાબાદ" ના નારાઓ સાથે પ્રદર્શનકારીઓ પોતાની આકરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

શનિવારના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર "ઓપરેશન એપિક ફ્યુરી" (Operation Epic Fury) હેઠળ ભીષણ પ્રહાર કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં માત્ર અલી ખામેનેઈ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યો અને ઈરાનના 40 થી વધુ ટોચના કમાન્ડરો અને નેતાઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલાએ મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે અને ઈરાન જેવા શક્તિશાળી દેશના સૈન્ય માળખાને મોટો ફટકો પડ્યો છે.

કેમ ભભૂકી રહ્યો છે આક્રોશ?

કાશ્મીરમાં આટલા મોટા પાયે થઈ રહેલા વિરોધ પાછળ ઊંડા ધાર્મિક અને રાજકીય કારણો જવાબદાર છે. અયાતુલ્લા અલી ખામેનેઈને કાશ્મીરમાં માત્ર એક નેતા તરીકે નહીં, પરંતુ ઈસ્લામિક ક્રાંતિના પ્રતીક અને પેલેસ્ટાઈન સમર્થક અવાજ તરીકે જોવામાં આવતા હતા. ખાસ કરીને શિયા સમુદાયમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. કાશ્મીર મુદ્દે ઈરાનનું વલણ હંમેશા સમર્થનકારી રહ્યું હોવાથી, સ્થાનિક લોકો આ હુમલાને માત્ર રાજકીય નહીં પણ ધાર્મિક ભાવનાઓ પરનો પ્રહાર ગણાવી રહ્યા છે.

સ્થાનિક લોકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે આ હુમલો ચોક્કસ સમુદાયની એકતા તોડવા માટે કરવામાં આવ્યો છે. કાશ્મીરીઓ આ ઘટનાને ઈસ્લામિક એકતાના પ્રતીક પરના હુમલા તરીકે જોઈ રહ્યા છે. આ પ્રકારનો આક્રોશ આગામી સમયમાં પ્રાદેશિક રાજનીતિ અને સામાજિક સમીકરણો પર મોટી અસર કરી શકે છે. નિષ્ણાતો માને છે કે ઈરાનના આ ટોચના નેતાઓનું મૃત્યુ વૈશ્વિક સ્તરે શિયા મુસ્લિમ સમુદાયની લાગણીઓને દુભાવનારું સાબિત થયું છે.