Wed Aug 26 2026

Logo

પાકિસ્તાનના કરાચીમાં મોટો ધડાકામાં 16 લોકોના મોત, જાણો શું છે આ ઘટનાનું રહસ્ય

Karanchi   2026-02-19 16:01:00
Author: Tejas Rajpara
પાકિસ્તાનના કરાચીમાં મોટો ધડાકામાં 16 લોકોના મોત, જાણો શું છે આ ઘટનાનું રહસ્ય

પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી શહેરમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રમઝાન માસના પવિત્ર પ્રારંભે જ એક રહેણાંક ઇમારતમાં ભયાનક વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસમાં આ બ્લાસ્ટ ગેસ લીકેજને કારણે થયો હોવાનું બહાર આવ્યું છે.

આ કરુણ ઘટના કરાચીના 'ઓલ્ડ સોલ્જર બજાર' વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે આશરે 4:30 વાગ્યે બની હતી. રમઝાનનો પ્રથમ દિવસ હોવાથી મોટાભાગના પરિવારો 'સહરી' (વહેલી સવારનું ભોજન) માટે જાગતા હતા, ત્યારે જ ઇમારતના પહેલા માળે પ્રચંડ ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો, જેમાં અનેક લોકો દબાઈ ગયા હતા.

આ અકસ્માતની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતકોમાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીવ ગુમાવનારા 16 લોકોમાંથી 9 બાળકો છે, જેમની ઉંમર 2 થી 17 વર્ષની વચ્ચે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 14 ઇજાગ્રસ્તોમાં પણ 7 બાળકોનો સમાવેશ થાય છે. હાલ ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ કાટમાળ નીચે અન્ય કોઈ દબાયેલું છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

કરાચીમાં આ પ્રકારની ઘટનાઓ પાછળ ગેસની સતત સર્જાતી અછત જવાબદાર હોવાનું મનાય છે. ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં લોકો પાઈપલાઈનને બદલે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરનો ઉપયોગ કરે છે, જે ઘણીવાર અસુરક્ષિત સાબિત થાય છે. આ અગાઉ ગત મહિને પણ સદર વિસ્તારમાં આવેલા ગુલ શોપિંગ પ્લાઝામાં આવી જ આગની ઘટનામાં 79 લોકોના મોત નિપજ્યા હતા. એક મહિનામાં બીજી મોટી હોનારતને પગલે સ્થાનિક પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે.