Tue Aug 18 2026

Logo

કંડલા બંદર પરથી ઝડપાયેલી રૂ.3 કરોડની પાકિસ્તાની ખજૂરના પ્રકરણમાં ગાંધીધામના અગ્રણી વેપારીની અટકાયત

2026-08-08 12:22:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કંડલા બંદર પરથી ત્રીજા દેશ મારફતે ભારતમાં ઘૂસાડવામાં આવેલી રૂ.3 કરોડની પાકિસ્તાની મૂળની ખજૂરના ચર્ચાસસ્પદ પ્રકરણમાં ડીઆરઆઈએ ગાંધીધામના અગ્રણી વેપારીની અટકાયત કરી જેલહવાલે કર્યો હતો.

સ્થાનિક ડીઆરઆઈની ટુકડીએ કંડલા બંદર પરથી 13 કન્ટેઈનર અટકાવી રૂ.3 કરોડની કિંમતનો 364 મેટ્રિક ટન પાકિસ્તાની ખજૂરનો જથ્થો જપ્ત કર્યો હતો. ભારત સરકારના પ્રતિબંધનો ભંગ કરી ત્રીજા દેશ મારફતે ઘૂસાડાયેલા આ માલનું ઈમ્પોર્ટ દિલ્હીની 'શિવઓમ ઈમ્પેક્ષ' નામે દર્શાવાયું હતું. જોકે, તપાસ દરમિયાન આ દિલ્હીની કંપની બોગસ હોવાનું અને આખો ખેલ ગાંધીધામના વેપારી પવન ગોપાલે રચ્યો હોવાનું સામે આવ્યું હતું.

પ્રતિબંધિત કાયદાનો ભંગ કરી તથ્યો છુપાવનાર વેપારી પવન ગોપાલની એજન્સીએ અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. શહેરના અગ્રણી વેપારીની આ કૌભાંડમાં સંડોવણી બહાર આવતાં વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા ડીઆરઆઈની ટુકડીએ કંડલા  બંદેરથી  પાકિસ્તાનથી આવેલી 364  મેટ્રિક ટન જેટલી સૂકી ખજૂરનો જંગી જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 13 કન્ટેનરોમાં લાવવામાં આવેલી આ સૂકી ખજૂરની અંદાજિત બજાર કિંમત રૂ. ૩ કરોડ જેટલી આંકવામાં આવી હતી.

ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા બંદર પર શંકાસ્પદ 13 કન્ટેનરોને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી. આયાતકારો દ્વારા કાગળો પર આ માલ સંયુક્ત આરબ અમીરાતથી આયાત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ જથ્થો મૂળ પાકિસ્તાનનો હતો. આયાતકારોએ સરકારી પ્રતિબંધમાંથી બચવા માટે પહેલાં માલ પાકિસ્તાનના કરાચી બંદરેથી દુબઈના 'જેબેલ અલી' બંદરે પહોંચાડ્યો હતો. ત્યાં કન્ટેનર્સ અને દસ્તાવેજો બદલીને મૂળ દેશ યુએઈ દર્શાવી બનાવટી ઇન્વોઇસ અને બોગસ કંપનીઓના નામે કન્સાઇનમેન્ટ ભારત રવાના કર્યું હતું. કસ્ટમ્સ છેતરપિંડી આચરવામાં આવી હોવાથી કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જોગવાઈઓ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા તુતીકોરિન બંદરેથી સોમાલિયાના નામે અને દુબઈ વાટે રૂટ કરીને લાવવામાં આવેલું ૧૪ મેટ્રિક ટન પાકિસ્તાની 'ગુગ્ગુલ ગુંદર' (કોમિફોરા રેઝિન) ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. ૧.૪ કરોડ હતી.

(ઉત્સવ વૈદ્ય)