Sat Sep 12 2026

Logo

શોકિંગઃ કાંદિવલીની સોસાયટીમાં કાર 25 ફૂટ નીચે ખાબકવાનો ભયાનક વીડિયો CCTVમાં કેદ, પાર્કિંગ સુરક્ષા પર ઉઠ્યા સવાલો

2026-08-04 19:11:01
Author: Mumbai Samachar Team
શોકિંગઃ કાંદિવલીની સોસાયટીમાં કાર 25 ફૂટ નીચે ખાબકવાનો ભયાનક વીડિયો CCTVમાં કેદ, પાર્કિંગ સુરક્ષા પર ઉઠ્યા સવાલો

મુંબઈ: કાંદિવલી પશ્ચિમના ચારકોપ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બુધવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. સોસાયટીની કાર પાર્કિંગ લિફ્ટના ખુલ્લા શાફ્ટમાં એક કાર ખાબકતા કારચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કરીને સોસાયટીના પાર્કિંગ લોટની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યાં હતા.

મળતી માહિતી મુજબ, કારચાલક પાર્કિંગ માટે વાહન લઈ જઈ રહ્યો હતો ત્યારે તેને જાણ નહોતી કે પાર્કિંગ પ્લેટફોર્મ બીજા માળે હાજર નથી. આ દરમિયાન તેણે સીધી જ ઓપન લિફ્ટ શાફ્ટમાં કાર ચલાવી દીધી હતી. જેના કારણે કાર અંદાજે 25 ફૂટ નીચે બે માળ જેટલી ઊંડાઈમાં ખાબકી હતી.

આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર અચાનક ખુલ્લા શાફ્ટમાં પડતી જોવા મળી રહી છે. આ વીડિયોએ રહેણાંક ઇમારતોમાં પાર્કિંગ લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે.

અકસ્માતમાં કારચાલક કારની અંદર જ ફસાઈ ગયો હતો અને ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના રહેવાસીઓ અને સંબંધિત તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાની માહિતી પોલીસે આપી હતી. જોકે આ ઘટના બાદ કારને ભારે નુકસાન થયું હતું. 

પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને પાર્કિંગ લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા તેમજ અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કે આ શાફ્ટ ઓપન કેમ હતું અને ગાડીને કોઈએ રોકી કેમ નહિ. અને જો આ આટલું જ જોખમી હતું તો ત્યાં કોઈ સૂચના આપવા માટે કોઈ બોર્ડ કે બેરિકેડ શા માટે નહોતા. જોકે આ બધા સવાલોના જવાબ પોલીસની તપાસ બાદ જ મળી શકશે. 

ઉલ્લેખનીય છે કે હોરાઈઝોન ગોલ્ડ સોસાયટીનું બાંધકામ આશરે બે વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ રહેણાંક સોસાયટીઓમાં ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમના યોગ્ય સંચાલન અને સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે.