Mon Jun 08 2026

Logo

કાંદિવલીમાં પાર્ક કરાયેલા ટેમ્પોમાંથી રાંધણગૅસનાં 27 સિલિન્ડર ચોરાયાં

2026-03-28 20:23:03
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગૅસની અછતની સમસ્યા દેશઆખાને સતાવી રહી છે અને ઠેર ઠેર ગૅસનાં સિલિન્ડર મેળવવા લાંબી લાઈનો જોવા મળે છે ત્યારે કાંદિવલીમાં પાર્ક કરાયેલા ટેમ્પોમાંથી રાંધણગૅસનાં 27 સિલિન્ડર ચોરાયાંની ઘટના સામે આવી હતી.કાંદિવલીમાં બનેલી આ ઘટના સિલિન્ડર ઘેર ઘેર પહોંચાડનારા કર્મચારીઓ માટે જ નહીં, પણ ગૅસ એજન્સી માટે પણ ડરનો વિષય બની ગઈ છે. આ મામલે ચારકોપ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ચોરીની ઘટના 25 માર્ચની મધરાતે બની હતી. આ પ્રકરણે મલાડમાં જય જનતા નગરમાં રહેતા અને સિલિન્ડર ડિલીવરીનું કામ કરતા નંદકુમાર સોની (35)એ ફરિયાદ નોંધાવી હતી. સોની છેલ્લાં સાત વર્ષથી ચારકોપના શ્રીજી ગૅસ સર્વિસમાં કામ કરે છે. બુકિંગ અનુસાર ટેમ્પોમાં સિલિન્ડર ભરી તે ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.ફરિયાદમાં જણાવાયું હતું કે પચીસ માર્ચની રાતે કામનો સમય પૂરો થતાં સોની 11 વાગ્યાની આસપાસ ટેમ્પો ચારકોપના કાકા કેણી ચોક ખાતે પાર્ક કરી ઘરે ગયો હતો. ટેમ્પોમાં બીજે દિવસે ડિલીવર કરવાનાં સિલિન્ડર હતાં. જોકે બીજી સવારે આઠ વાગ્યાની આસપાસ સોની ટેમ્પો પાસે પહોંચ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી.

અજાણ્યા શખસો ટેમ્પોના શટરનું લૉક તોડીને 27 સિલિન્ડર ઉઠાવી ગયા હતા. સાથી કર્મચારીએ સિલિન્ડર લીધાં ન હોવાની ખાતરી થયા પછી સોનીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા માટે અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવી હતી. કહેવાય છે કે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરામાં અનેક શકમંદો વાહન સાથે નજરે પડ્યા હોવાથી તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.