Sat Sep 05 2026

Logo

કલ્યાણ-મુરબાડ હાઇવે પર અકસ્માતમાં 11નાં મોત: સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઇવરની ધરપકડ

2026-04-14 18:27:00
Author: Yogesh D. Patel
કલ્યાણ-મુરબાડ હાઇવે પર અકસ્માતમાં 11નાં મોત: સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઇવરની ધરપકડ

આરટીઓએ ગેરકાયદે વાહનોમાં પ્રવાસ ટાળવાની લોકોને અપીલ કરી

થાણે: થાણે જિલ્લામાં કલ્યાણ-મુરબાડ હાઇવે પર સોમવારે સવારના થયેલા ભીષણ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા બાદ પોલીસે ગુનો દાખલ કરીને અકસ્માતમાં સામેલ સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આ દુર્ઘટના બાદ ગેરકાયદે વાહનોમાં પ્રવાસ ન કરવાની આરટીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

સ્થાનિકોને શટર ટેક્સી સેવાઓ પૂરી પાડતી વૅન સોમવારે સવારે કલ્યાણથી મુરબાડ જઇ રહી હતી ત્યારે હાઇવે પર રાયતે ગામની હદમાં ઉલ્હાસ નદી પરના નવા બંધાયેલા બ્રિજ પર સામેથી આવતી સિમેન્ટ મિક્સર ટ્રકે વૅનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૅનમાં હાજર 11 પ્રવાસીનાં મોત થયાં હતાં, જેમાં ત્રણ મહિલાનો સમાવેશ હતો.

અકસ્માત બાદ પોલીસે સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઇવર કમલેશ યાદવ (26) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. કમલેશ યાદવ અંધેરીનો રહેવાસી છે, એમ મુરબાડના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનિલ લાડે જણાવ્યું હતું.

10 મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક મૃતકનો પરિવાર મધ્ય પ્રદેશથી આવી રહ્યો છે, એમ લાડે કહ્યું હતું.

દરમિયાન ડેપ્યુટી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (કલ્યાણ) આશુતોષ બારકુલે અનધિકૃત વાહનોમાં પ્રવાસ કરવાનું ટાળવા અને સુરક્ષિત જાહેર પરિવહન વિકલ્પો પસંદ કરવા લોકોને અપીલ કરી છે. કલ્યાણ સબ-રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) દ્વારા એક વર્ષમાં ગેરકાયદે પરિવહનમાં સામેલ 1,896 વાહનો સામે કાર્યવાહી કરી છે અને 25.67 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. વિશેષ ટીમ અને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ગેરકાયદે પરિવહનમાં સામેલ વાહનો સામે કાર્યવાહી કરાય છે.

(પીટીઆઇ)