Sun Aug 30 2026

Logo

રેલવે સ્ટેશન પર બાળક સાથે કુકર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

2026-03-29 17:45:00
Author: Yogesh C. Patel
રેલવે સ્ટેશન પર બાળક સાથે કુકર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

થાણે: નવી મુંબઈના પનવેલ રેલવે સ્ટેશનના અંધારિયા ભાગમાં 2019માં 12 વર્ષના બાળક સાથે કુકર્મ આચરવાના કેસમાં આરોપીને કલ્યાણની વિશેષ અદાલતે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.કલ્યાણ કોર્ટના સ્પેશિયલ જજ વી. એ. પત્રાવળેએ આરોપી શ્રીનિવાસ રમણ્ણા રેડ્ડીને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈઓ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. 

વિશેષ સરકારી વકીલ કદંબિની ખંડાગળેએ કોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના 25 જૂન, 2019ની રાતે બની હતી. ઘરવિહોણો બાળક પનવેલ સ્ટેશન પર બેઠો હતો ત્યારે આરોપી તેની નજીક આવ્યો હતો. ડ્રગ આપવાની લાલચે બાળકને અંધારિયા ભાગમાં લઈ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
ફરિયાદ પક્ષે આઠ સાક્ષી તપાસ્યા હતા. કેસ પુરવાર કરવા સીસીટીવી ફૂટેજ આરોપીના લોહીના ડાઘ સહિતના તબીબી પુરાવા પર આધાર રાખ્યો હતો. 

કોર્ટે આરોપીને પોક્સો ઍક્ટની કલમ 4 અને 8 તેમ જ ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ દોષી ઠેરવ્યો હતો. તેને 10 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પીડિતને ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. (પીટીઆઈ)