ખુશ્બુ મુલાણી ઠક્કર
કલમકારી ફેબ્રિક એટલે એક પરંપરાગત હેન્ડક્રાફ્ટ કાપડ, જેમાં હાથથી ડિઝાઇન બનાવવામાં આવે છે. ‘કલમ’નો અર્થ પેન (કલમ) અને ‘કારી’ નો અર્થ કારીગરી થાય છે. એટલે કે, કલમકારી એટલે કલમથી કરવામાં આવતી કળા. આ કાપડ મુખ્યત્વે કોટન (સૂતી) પર બને છે અને તેમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય છે. કલાકારો બાંસ અથવા લાકડાની કલમ વડે કપડાં પર સુંદર ડિઝાઇન, ફૂલ-પાંદડા, ધાર્મિક કથાઓ અને પરંપરાગત આકૃતિઓ દોરીને તેને રંગે છે.
કલમકારી કળા ખાસ કરીને ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણા વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધ છે. આજના ફેશન જગતમાં જ્યાં ફેશન આંખના પલકારામાં બદલાય છે ત્યાં કલમકારી એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આંધ્રપ્રદેશની આ પ્રાચીન કલા આજે મુંબઈથી અમદાવાદ સુધીના વાર્ડરોબમાં રાજ કરે છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં અથવા અમદાવાદના એથનિક સ્ટોર્સમાં તમને કલમકારી ફેબ્રિક સરળતાથી મેળવી શકશો. ચાલો જાણીયે આ કલમકારી ફેબ્રિકમાંથી શું બનાવી શકાય.
કલમકારીની ઉત્પત્તિ 3000 વર્ષથી પણ વધુ જૂની છે. આંધ્ર પ્રદેશના શ્રીકાલહસ્તી અને મચ્છલીપટ્ટનમમાંથી જન્મેલી આ કલા ‘કલમ’ (પેન) અને ‘કારી’ (કલા) શબ્દોમાંથી બનેલી છે. એક તરફ હાથથી પેનથી ડ્રોઈંગ કરીને બનાવાય છે તો બીજી તરફ બ્લોક પ્રિન્ટિંગથી. મુઘલ સમયમાં આને વિશેષ માન મળ્યું હતું અને વિજયનગર સામ્રાજ્યમાં તે મંદિરના કપડાં માટે વપરાતી હતી.
કુદરતી રંગો પ્લાન્ટ્સ, ખનીજ અને જંતુઓમાંથી બનેલા વાપરવામાં આવે છે. મોટીવ્સમાં પીપળાનાં પાન, મોર, રામાયણ-મહાભારતનાં દૃશ્યો અને દેવી-દેવતાઓની વાર્તાઓ હોય છે. આ ફેબ્રિક કોટનનું હોવાથી શ્વાસ લેવા જેવું અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ છે. જીઆઈ ટેગ મેળવેલી આ કલા આજે બોલિવૂડમાં પણ ટ્રેન્ડ છે સોનમ કપૂર, વિદ્યા બાલન, કીર્તિ સુરેશ અને કાજલ અગરવાલ જેવી સેલિબ્રિટીઓએ તેને રેડ કાર્પેટ પર લાવીને ફરીથી પોપ્યુલર કરી છે (2026ના ટ્રેન્ડ્સમાં હેન્ડ-પેઈન્ટેડ મિથોલોજિકલ મોટીવ્સ અને ફ્લોરલ પેટર્ન્સ ટોપ પર છે).
કુર્તી:
આ ફેબ્રિકમાંથી તમે ઘણી સ્ટાઇલિંગ કરી શકો. સૌથી વધુ ટ્રેંડમાં છે કુર્તી. કુર્તી એ સૌથી વધુ પહેરાતું ગારમેન્ટ છે. અને બધીજ વયની મહિલાઓ કલમકારી પ્રિન્ટની કુર્તી પહેરી શકે. આ કુર્તીની સ્ટાઇલિંગ તમે તમારી પર્સનલ ચોઈસ અને બોડી ટાઈપ પ્રમાણે કરી શકો. કલમકારી ફેબ્રિકની એ ખાસિયત છે કે, સ્ટ્રેટ કુર્તી પણ સારી લાગશે અને એ લાઈન કુર્તી કે પછી કળીદાર કુર્તી પણ સારી લાગશે. ફેબ્રિક સુંવાળું હોવાથી ઉનાળામાં ગરમી લાગતી નથી.
જો તમારું શરીર ભરેલું હોય તો યોકવાળી કુર્તી ન પહેરવી જેથી બસ્ટ એરિયા વધારે હાઈલાઈટ ન થાય. જો તમે યંગ હોવ અને શરીર પણ જો સુડોળ હોય તો તમે ટિપિકલ કુર્તી સ્ટાઇલ ન પહેરતા થોડી ઈન્ડો વેસ્ટર્ન સ્ટાઈલમાં પણ કુર્તી પહેરી શકો જેમકે, હોલ્ટર નેક કે પછી સ્પેગેટી સ્ટાઇલ. કલમકારી એવું ફેબ્રિક છે કે જેમાં તમે કોઈ પણ સ્ટાઇલિંગ કરાવી શકો.
સાડી:
કલમકારી સાડીમાં આવેલા રિચ પલ્લુ અને બોર્ડરવાળી સાડી નવરાત્રિ અથવા વેડિંગમાં ગુજરાતી જ્વેલરી સાથે અદ્ભુત લાગે છે. તમે કલમકારી સાડી સાથે કોન્ટ્રાસ બ્લાઉઝ પણ પહેરી શકો અને સદીમાં જે બ્લાઉઝ પીઆઈએસ આવ્યું હોય તે પણ પહેરી શકો. જો તમારે કઈ અલગ જ ટ્રાય કરવું હોય તો, તમે કલમકારી પ્રિન્ટનું બ્લાઉઝ કરાવી શકો અને તેની સાથે પ્લેન કોટન સાડી પહેરી શકાય. કલમકારીની સાડી એ ક્લાસ વેર છે. હવે તો કોર્પોરેટ ઓફિસમાં પણ યુવતીઓ કલમકારીની સાડી પહેરવાનું પ્રિફર કરે છે. અને આ સાડી સાથે તમે ફેન્સી બ્લાઉઝ પહેરીને એક અલગ જ લૂક આપી શકો.
ટ્યુનિક:
કલમકારી ફેબ્રિકમાંથી ટ્યૂનિક પણ સારા લાગશે. તમે તમારી બોડી ટાઈપ પ્રમાણે ટ્યુનિકનું સ્ટાઇલિંગ કરાવી શકો. ટ્યુનિકમાં ખાસ કરીને લેન્થ જોઈ લેવી. કલમકારી ફેબ્રિકમાં એ લાઈન, સ્ટ્રેટ અને ફલેરી એમ બધી જ ટાઈપના ટયુનિક સારા લાગશે . આ ટયુનિક તમે ડેનિમ સાથે કે પછી જેગિંગ કે એન્કલ લેન્થના ટાઈટ્સ સાથે પહેરી શકો. કલમકારી ફેબ્રિકમાંથી બનેલા ટ્યુનિક ખૂબ જ સ્માર્ટ લુક આપે છે. આ ટ્યુનિક તમે કોફી ડેટ કે પછી કીટી પાર્ટીમાં પણ પહેરી શકો.
કોર્ડ સેટ:
કોર્ડ સેટ એટલે એક સરખા બોટમ અને ટોપ. કોર્ડ સેટની લેન્થમાં તમને વેરિએશન જોવા મળશે. તમે તમારી હાઈટ મુજબ કોર્ડ સેટની પસંદગી મારી શકો. કલમકારી પ્રિન્ટના કોર્ડ સેટ એક અલગ જ લૂક આપશે. કોર્ડ સેટની ખસિયાત એ છે કે, બોડીને આખું કવર કરે છે અને સ્માર્ટ લૂક પણ આપે છે. જો તમારે આખું કોર્ડ સેટ કલમકારી પ્રિન્ટ ન પહેરવી હોય તો તમે મિક્સ એન્ડ મેચ કરી શકો. જેમકે, ટોપ કલમકારી પ્રિન્ટનું છે તો પ્લેન બોટમ પહેરી શકાય. અને હા પ્લેન ટોપ હોય તો તમે કલમકારી પ્રિન્ટનું બોટમ પહેરી શકો.
આ બંને વેરીએશન તમને સ્માર્ટ લૂક આપશે. જેમની હાઈટ ઓછી અને શરીર ભરેલું હોય તેઓએ કઈ લેન્થના કોર્ડ પહેરવા એ ખાસ ધ્યાન રાખવું જેમકે, જેઓની હાઈટ ઓછી છે તેમણે હિપ લેન્થના ટોપવાળા કોર્ડ સેટ ન પહેરવા અને ની લેન્થ કે પછી કાલફ લેન્થના કોર્ડ સેટ પહેરવા. જેથી કરી પેટ અને કમરનો ભાગ વધારે ન લાગે. જેઓની હાઈટ હોય અને શરીર સુડોળ હોય તેઓ કોઈ પણ લેન્થના કોર્ડ સેટ પહેરી શકે.