કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 5)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
કેરાલાના ‘આયેમેનામ હાઉસ’ની મારી સ્મૃતિઓ અદ્ભુત છે. મારી માની મોટી વિધવા બહેન, મારી નાની, અંકલ આઇઝેક અને કોચુ મારિયા નામની રસોયણ, રામાનાથન નામનો એક નોકર આ ઘરમાં રહેતાં હતાં. બધા મલયાલમમાં વાત કરતા એટલે હું ઝડપથી મલયાલમ શીખી ગઈ. અમારી આસપાસનાં ઘરોમાંથી લોકો ખેતરમાં કામ કરવા આવતા. સહુ અમને ખૂબ ચાહતા, પણ અમને સ્પર્શ કરવાની એમને મનાઈ હતી. કદાચ જો કોઈની આંખોમાં વ્હાલ જોઈને હું એમને ભેટી પડું તો નાની મને કૂવા પર નવડાવતી. ઠંડા પાણીથી નહાવાના ભયથી ધીરે ધીરે મેં પણ એમને અડવાનો મોહ છોડી દીધો.
કોટ્ટિયમના એ દિવસો મારી જિંદગીના સૌથી સુંદર દિવસો છે એમ કહું તો ખોટું નથી. મારી મા, અંકલ આઇઝેક અને મારી માની મોટી બહેન એક જ ડાઇનિંગ ટેબલ પર ભોજન કરતા, પણ બેસ્ટ ફ્રેન્ડની જેમ વર્તતાં એ ભાઈ-બહેન ક્યારે એકબીજાના દુશ્મન થઈ જાય એનું કંઈ ઠેકાણું નહોતું. હજી હમણાં જ એકબીજા સાથે નિરાંતે વાતો કરી રહેલા બે જણા અચાનક જ બૂમાબૂમ કરવા લાગતા. સામાન્ય રીતે બધા ઝઘડા પૈસા કે પ્રૉપર્ટી વિશે નહોતા... લલિત રસપૂર્વક આ ઝઘડા જોયા કરતો, પણ હું હળવેકથી ઘરમાંથી નીકળી જઈને નદી કિનારે પહોંચી જતી. કોટ્ટિયમનો નદી કિનારો જાણે મારી રાહ જોતો હોય એમ શાંત અને નિ:શબ્દ લહેરાતો રહેતો...
અમારા ખેતરમાં કામ કરતા એક માણસનો દીકરો વેલુથા આખા કોટ્ટિયમમાં મારો એકમાત્ર મિત્ર હતો. એ મારી સ્થિતિ સમજતો હોય કે નહીં, મારી એકલતાનો સાથી હતો. એ મને માછલી પકડતાં શીખવતો. માછલીને આકર્ષવા માટે કાંટા ઉપર જીવડાં કેવી રીતે લગાવવા અને ક્યાંથી શોધવા એ પણ શીખવતો. અમે નદી કિનારે દોડતાં. એ મારી આગળ દોડતો, પણ વળી વળીને પાછળ જોતો. હું પડી ન જાઉં કે મને ઠોકર ન વાગે એનું ધ્યાન રાખતો. એ પોતાને ઘરેથી ક્યારેક મારે માટે કેક કે બિસ્કિટ લઈ આવતો.
વેલુથાને આજે યાદ કરું છું કે મને સમજાય છે કે હું છ વર્ષની હતી એટલે અમારી વચ્ચે કંઈ થયું નહીં, હું સોળ વર્ષની હોત તો એના પ્રેમમાં પડ્યા વગર રહી ના હોત. મારી જિંદગીમાં મળેલા સૌથી હૅન્ડસમ અને સૌથી શાલિન પુરુષોમાંનો એક એટલે વેલુથા. મારી નવલકથા ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્સ’માં અમ્મુના પ્રેમી તરીકે મેં જેનું નિરૂપણ કર્યું છે તે આબેહૂબ વેલુથાનું ચિત્ર છે...
આયેમેનામ હાઉસમાં અંકલ આઇઝેક અને મારી નાની સિવાય મારી એક વિધવા માસી રહેતી હતી. મેં એને ક્યારેય હસતા જોઈ નથી. મારી મા કહેતી હતી કે એ ખૂબ ભણેલાં અને વિદ્વાન હતાં. નાની ઉંમરે એમના પતિના ગુજરી ગયા પછી મારા મામા, અંકલ આઇઝેક જઈને એમને લઈ આવ્યા. એ અમારા ઘરમાં એવી રીતે રહેતાં હતાં જાણે ઉપકારના બોજ નીચે દબાયેલાં હોય. રસોડામાં સતત કામ કરવું, અનાજ, મરચાં, અથાણાં બધી જ જાણે એમની જવાબદારી હોય એમ એ કામ કરતાં રહેતાં.
બપોરના સમયે જ્યારે આયેમેનામ હાઉસ શાંત થઈ જતું ત્યારે નાળિયેરીનાં પાંદડાંની સરસરાહટ અને પંખીઓ, ખિસકોલીના અવાજની વચ્ચે હું એમને જાડાં જાડાં પુસ્તકો વાંચતાં જોતી. ક્યારેક એ આકાશ તરફ જોઈને રડતાં... હું એમના સુધી જઈને આંસુ લૂછવા માગતી હતી, એમને પૂછવા માગતી હતી કે એમને શું થાય છે, પરંતુ એમની આંખોમાં એક એવું અંતર હતું જે સતત કહ્યા કરતું, મારી નજીક નહીં આવતાં. અંકલ આઇઝેક અને મારી મા ઝઘડતાં ત્યારે પણ એ મોટેભાગે ચૂપ જ રહેતાં. ક્યારેક આ ઝઘડામાં વચ્ચે બોલવાનું થાય ત્યારે પણ એ અંકલ આઇઝેકનો પક્ષ લેતાં. કદાચ એમને ખબર હતી કે આ ઘરમાં રહેવું હોય તો અંકલ આઇઝેકનો હુકમ માનવો પડશે.
અંકલ આઇઝેક સારા મૂડમાં હોય ત્યારે મને અને લલિતને એમની સાથે કોટ્ટિયમ લઈ જતા, જ્યાં એમની અથાણાંની ફૅક્ટરી હતી. આયેમેનામથી કાટ્ટિયમના રસ્તે ક્યારેક હોડીમાં તો ક્યારેક ગાડીમાં જતા. ગાડીમાં જઈએ ત્યારે અથાણાં ફૅક્ટરીની અનેક સ્ત્રીઓને એ લિફ્ટ આપતા. અંકલ આઇઝેક પરણેલા નહોતા, પણ સ્વભાવે રોમેન્ટિક હશે એટલે એમને ગમતી સ્ત્રીઓ સાથે નાનું મોટું ફ્લર્ટ કરતા... મને બહુ યાદ નથી, પણ એ સ્ત્રીઓના શરમાતા ચહેરા મારી સ્મૃતિમાં તરવરે છે.
એ શાલિનતા ચૂકતા નહીં. એમણે મારી સામે કોઈ સ્ત્રી સાથે અભદ્ર વર્તન કર્યું હોય એવું મને યાદ નથી. એમના ગૃહઉદ્યોગની ફૅક્ટરીમાં લગભગ 150 જેટલી સ્ત્રીઓ કામ કરતી. આઇઝેક બધાને નામથી ઓળખતા. એમના પરિવાર, સંતાનો, પતિ બધા વિશે માહિતી રાખતા અને પૂછપરછ પણ કરતા. ફૅક્ટરીમાં અમને કાચી કેરી, લીંબુ અને બીજી વસ્તુઓ મળતી. આંબોળિયા અને આંબલી ખાવાની મજા પડતી. બપોરે અંકલ આઇઝેક કોટ્ટિયમમાંથી ઈડલી અને રાઇસ સાથે સૂકી માછલી મગાવતા. અથાણાં ફૅક્ટરી અમારા માટે પિકનિકથી ઓછી નહોતી.
મારી મા જે શાળામાં કામ કરતી એ શાળામાં અમને દાખલ કરવામાં આવ્યાં. કોટ્ટિયમની એ શાળા ખૂબ જાણીતી હતી, પરંતુ નાનું ગામ અને લોકો એકબીજાને ઓળખતા હોય એટલે જાણે અજાણે ગૉસિપ્સ ચાલતી રહેતી. મારી મા એના વરને મૂકીને આવી ગઈ છે, બે બાળકોને એકલી ઉછેરે છે, ત્યાંથી શરૂ કરીને થોડા વખતમાં એના પ્રેમી સાથે પરણી જશે એવી વાતો પણ ચાલતી... કેટલીક વાર સહકાર્યકરો એને મહેણાં મારતા અથવા એની મજાક ઉડાવતા. મારી મા કંટાળી હતી. એમાં એક દિવસ અમારે ઘરે એક મધ્યમ વયની બ્રિટિશ લેડીનું આગમન થયું.
ફૂલોવાળો ડ્રેસ અને વ્યવસ્થિત બંધ જૂતા પહેરેલી, કડક ચહેરો ધરાવતી એ સ્ત્રીનું નામ મિસિસ મેથ્યુસ હતું. મિસિસ મેથ્યુસ મારી મા સાથે ઉટીમાં નોકરી કરતી હતી. ‘બ્રિક્સ’ શાળામાં બંને જણા એકસરખા કંટાળ્યા હતા. મારી મા ઉટી છોડીને આવી ગઈ, પરંતુ મિસિસ મેથ્યુસ ત્યાં ફસાઈ ગયાં હતાં. અહીં આવીને મારી માએ એમને પત્ર લખ્યો... મિસિસ મેથ્યુસ આવી જ કોઈ તકની રાહ જોતાં હશે, એટલે એ સીધાં કોટ્ટિયમ આવી પહોંચ્યાં.
મારી મા ઇચ્છતી હતી કે એ પોતાની સ્કૂલ શરૂ કરે... મિસિસ મેથ્યુસ એને માટે કરેક્ટ પાર્ટનર હતી. એ દિવસોમાં મારી મા શાળા માટે જગ્યા શોધી રહી હતી. અંકલ આઇઝેક આમ મારી માના વિરોધી હતા, પણ એમણે કોટ્ટિયમની રોટરી ક્લબના હૉલમાં મારી માને સ્કૂલ શરૂ કરવાની પરમિશન અપાવી. આમ તો એ હૉલ લગ્નો અને જાહેર ફંક્શન માટે ભાડે આપવામાં આવતો હતો, પરંતુ મારી માને સવારથી બપોર સુધી શાળા ચલાવવાની પરવાનગી મળી ગઈ. બે નાના-નાના ઓરડા હતા. જેમાં મારી મા એકલી શાળા શરૂ કરી શકે એમ નહોતી, કારણ કે એ કોટ્ટિયમની હતી. લોકો એને ઓળખતા હતા.
એટલે એને એક સફેદ ત્વચાવાળી સ્ત્રીની જરૂર હતી. મિસિસ મેથ્યુસ આવી પહોંચી અને રોટરી ક્લબમાં શાળા શરૂ થઈ ગઈ. સ્લાઇડિંગ ફોલ્ડિંગ સ્કૂલ. રોટરી ક્લબના આ રૂમ કાર, ગરાજ અને વર્કશૉપની ઉપર આવેલા હતા, એટલે અંદર જવા માટે ગરાજમાંથી પસાર થવું પડતું. આ પહેલો માળ નહોતો, પણ મેઝેનિન ફ્લોર જેવું હતું. ગરાજના માલિકનો નાનકડો બંગલો અને એના બગીચાની સાથે આવેલું ગરાજ મારી માને મળી ગયું.
તામિલનાડુના વતની આનંદને બાળકો માટે ગજબ પ્રેમ હતો. એ અમને હથોડા, સ્ક્રૂ અને બીજી ચીજોથી રમવા દેતો. ગાડીના પતરા ઉપર ઠોકી ઠોકીને અમે પણ મિકેનિક હોવાનો આનંદ અનુભવતા. આનંદે એનો બગીચો બાળકોને રમવા આપવાની છૂટ આપી, એટલે હવે શાળાનાં બાળકો માટે એક બગીચાવાળી સુંદર શાળા તૈયાર થઈ.
કોટ્ટિયમમાં આવી ગોરી સ્ત્રી ચલાવતી હોય એવી કોઈ અંગ્રેજી શાળા નહોતી. નર્સરી સ્કૂલમાં દાખલ થયેલાં બાળકોનાં માતા-પિતાએ મારી માને વિનંતી કરી કે દર વર્ષે એક ક્લાસ વધારતા જાય તો બાળકો ત્યાં જ ભણી શકે. હું અને મારો ભાઈ આ લૅબોરેટરીના ટેસ્ટ કરવાના ઉંદરડા હતા. નવી એપૉઇન્ટ કરવામાં આવેલી ટીચર્સના પ્રયોગો અમારા પર કરવામાં આવતા. અમને પૂછવામાં આવતું, તમે સમજ્યા? અથવા આ ટીચર ગમી?
મારી માએ કદી ધાર્યું નહોતું એવી રીતે અહીં ડાન્સ, સંગીત અને ગણિત સહિત અનેક શિક્ષકોની એપૉઇન્ટમેન્ટ થઈ. શાળામાં 70થી વધારે બાળકો દાખલ થયાં. જાણે કે મારી માના સપનાંની મંઝિલે પહોંચવાનો પ્રવાસ હવે ખરેખર શરૂ થયો.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રૉય) (ક્રમશ:)